અમદાવાદ નજીક બાવળામાં આવેલા અનોખા “આનંદધામ”માં વાંસળીના દિવ્યસૂરોથી સ્પેશિયલ બાળકોને અનુપમ આનંદ આપવાની તપસ્યા કરનાર રિભુ પંડિત કેશવજીની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
સાત વર્ષથી ભારતનાં 31 શહેરોમાં તેઓ વાંસળીની દિવ્યશક્તિથી સ્પેશિયલ બાળકોની પીડા હરી તેમને આનંદ પહોંચાડવાના પ્રયોગો “અનામ પ્રેમ પરિવાર”ના સહયોગથી કરી રહ્યા છે. કેશવજીનો જન્મ કર્ણાટકના બેલગામમાં, ત્રણ ભાઈ અને એક બહેનનું મધ્યમ-વર્ગી કુટુંબ. શાળાનો અભ્યાસ બેલગામમાં, એન્જિનિયરિંગ પુને (ફર્ગ્યુસન કોલેજ) અને સાંગલીમાં. ઘરમાં સંગીતનું વાતાવરણ. છ વર્ષની ઉંમરે દાદાએ હાથમાં પખવાજ પકડાવી દીધું. પિતરાઈયો વાયોલીન, સિતાર વગાડે. કેશવને તેના પર હાથ અજમાવવાનું મન થાય. કેશવ જેવું વાદ્ય હાથમાં લે કે તાર તૂટે! એટલે માતાએ તાર વગરની વાંસળી કેશવને લાવી આપી! શરૂઆતની તાલીમ પંડિત નારાયણરાવ ભોરકાર પાસેથી, પછી 21 વર્ષ હરીપદ ચૌધરી પાસેથી. નોકરીના કામથી આખા દેશમાં ફરવું પડે, પણ રાતના વાંસળી વગાડે. અઠવાડિયાને અંતે ગુરુ પાસે તાલીમ લેવા પહોંચી જાય. ઘણીવાર ટ્રેનમાં જગ્યા હોય નહીં, ગાડીમાં છાપા પાથરી સૂઈ જાય! દિવસ આખો ગુરુને ત્યાં તાલીમ લે અને રાતે ફરી છાપાની પથારી! આ રીતે તેમણે નોકરી અને તાલીમનો તાલમેલ કર્યો! 25 દિવસ બહાર હોય એટલે ઘરમાં બહુ ઓછો સમય મળે. પત્ની વીણા (બે વર્ષ પહેલાં એમનું અવસાન) કોલેજમાં પ્રોફેસર. પોતાની બે પુત્રીઓની સાથે-સાથે ઝૂંપડપટ્ટીમાં રહેતી અનેક છોકરીઓને તેમણે આત્મ-નિર્ભર બનાવી. 2006માં કાઇનેટિક હોન્ડામાંથી ડાયરેક્ટરની ઊંચી પોસ્ટ પરથી કેશવજી નિવૃત્ત થયા.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
વહેલી સવારે ત્રણ વાગે ઊઠે, દોઢ કલાક ધ્યાન ધરે, પછી કલાક યોગનિંદ્રા, ત્યારબાદ કલાક કસરત, પછી કલાક ચાલવાનું. પછી નાસ્તો. એક વાગ્યે જમવાનું. બપોરે થોડો આરામ. સાંજે લોકો મળવા આવે તેમની સાથે વાતો અને વાંસળીની પ્રેક્ટીસ. નામસ્મરણ કરે, થોડું ટીવી જુએ. વળી ચાલે. દિવસના 10000 પગલા ચાલવાના નક્કી.
શોખના વિષયો :
આધ્યાત્મિક વાંચનનો શોખ છે. બે ગુરુ છે: ગુલોની મહારાજ અને રામકૃષ્ણ શિવસાગરજી. સંત-સમાગમ કરવો બહુ ગમે. લોકોને મળવાનું ગમે, સંતોના આશીર્વાદ લેવા ગમે. તેમને સપનામાં પણ ભગવાનના દર્શન થાય! વાંચવા-લખવાનો શોખ. તેમણે “વેણું-વિજ્ઞાન” નામનું પુસ્તક લખ્યું છે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત સરસ છે. કોઈ તકલીફ વગર, આખા ભારતમાં ફરે છે, પ્રોગ્રામ કરે છે. ખાવામાં એકદમ સંયમ રાખે છે, સવાર-સાંજ જમવામાં જુવારની એક નાની ભાખરી અને શાક. સવારે દૂધ, ફળ અને શાકભાજી-ફળોની સ્મુધી.
યાદગાર પ્રસંગ:
તેમનું “વેણું-વિજ્ઞાન” પુસ્તક “અનામ-પ્રેમ-પરિવાર”ની જાણમાં આવ્યું. તેમણે કેશવજીને દિવ્યાંગ બાળકો માટે વાંસળીનો પ્રોગ્રામ કરવાનું કહ્યું. 2015માં નાગપુર શહેરના વસંતરાવ દેશપાંડે નાટ્યગૃહમાં દિવ્યાંગ બાળકો, વડીલો અને ડોક્ટરોની 1500 માણસોની મેદનીમાં તેમણે ચાર કલાકનો પ્રોગ્રામ કર્યો. જે બાળક પાંચ મિનિટ પણ શાંતિથી બેસી ન શકે તેણે ચાર કલાક શાંતિથી અને આનંદથી પ્રોગ્રામ માણ્યો.
સામાન્ય વાંસળીમાં છ કાણાં હોય (વધુ એક ફૂક મારવાનું), તેમાં બે સપ્તક વાગે, થોડી મોટી વાસળીમાં સાત કાણાં હોય, તેમાં ત્રણ સપ્તક વાગે. શાસ્ત્રીય સંગીત માટે આ રેન્જ નાની પડે. તેમણે એક મીટર લાંબી અને 11 કાણાં વાળી વાંસળી બનાવી જેની ઉપર સહેલાઈથી ચાર સપ્તકથી પણ વધારે સ્વરો વાગી શકે છે. નામ આપ્યું “કેશવ વેણું”.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
પોતે એન્જિનિયર છે એટલે ટેકનોલોજીનો સારો ઉપયોગ કરે છે. દેશ-વિદેશનાં અનેક શિષ્યોને તેઓ “કેશવ-વેણું-ફ્લુટ-એકેડમી” દ્વારા તથા YOUTUBE અને ZOOM જેવાં માધ્યમોનો ઉપયોગ કરી વાંસળી વગાડતા શીખવે છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
જૂના જમાનામાં એક જ ધ્યેય હોય. બહારનાં આકર્ષણ ઓછાં હતાં. હવે બહારનાં એટ્રેક્શન વધી ગયાં છે, મોબાઇલને લીધે એક્સપોઝર પણ વધી ગયો છે, એટલે યુવાનોની શક્તિ 10 બાજુએ વહેંચાઈ જાય છે. યુવાનો હોશિયાર છે પણ કોન્સન્ટ્રેટ કરી શકતા નથી.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
શિષ્યો તો યુવાન જ હોય! વાંસળીનો પ્રોગ્રામ સાંભળવા પણ યુવાનો આવે. જેઓ વાંસળી શીખવા અને સાંભળવા આવે તે યુવાનો નિષ્ઠાવાન હોય. વાંસળી માટે શ્વાસ ઉપર સંયમ રાખવો પડે, જાણે એક જાતની સમાધિ! એટલે એ યુવાનો સિન્સિયર જ હોય!
સંદેશો :
એક બાજુ ધ્યાન આપો, 10 બાજુ નહીં. “એક સાધે,સબ સધે, સબ સાધે,સબ જાય!” પરમાનંદ પ્રાપ્તિ અને પરમેશ્વર પ્રાપ્તિનો ધ્યેય રાખો.