ફોટોગ્રાફી ક્ષેત્રે અમદાવાદને વિશ્વના નકશામાં સ્થાન અપાવનાર અને વર્ષો સુધી NID જેવી વિશ્વ-વિખ્યાત ડિઝાઇન-સંસ્થામાં અનેક કલાકારો અને ફોટોગ્રાફરોને પોતાના હાથ નીચે તૈયાર કરનાર શ્રી પરમાનંદ દલવાડીની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
ડાકોરમાં મા-બાપ અને એક બહેનનું નાનું, સામાન્ય કુટુંબ. શાળાનો અભ્યાસ ડાકોરમાં. સ્કૂલમાં બેઝબોલ, મગદળ, કુસ્તી રમીને મોટા થયા. વડોદરા એમએસ યુનિવર્સિટીમાંથી ફાઈન-આર્ટસના સ્નાતક, NIDના અનુસ્નાતક. કારીગરના દિકરા હોવાથી, ટેકનિકલ વિષય અનુકૂળ રહેશે માની ફોટોગ્રાફી વિષય પસંદ કર્યો. NIDમાંથી ફોર્ડ ફાઉન્ડેશનની સ્કોલરશિપ લઈ ફોટોગ્રાફી શીખવા પેરિસ ગયા. દેશ-પરદેશ ફરી ફોટોગ્રાફીની કલામાં પારંગત કલાકારો પાસે શીખી પોતે નિષ્ણાંત ફોટોગ્રાફર બન્યા. સ્વીઝરલેન્ડ, જર્મની, ફ્રાંસમાં ફોટોગ્રાફી ક્ષેત્રે ઘણું કામ કર્યું. 1964માં નહેરુ ઇન્ટરનેશનલ એક્ઝિબિશનમાં બીજા નિષ્ણાંતો સાથે સક્રિય રહ્યા. 1969માં દિલ્હીમાં “વર્લ્ડ ઇઝ માય ફેમિલી” નામે ગાંધી-એક્ઝિબિશન કર્યું. જાપાન ખાતે ઇન્સ્ટોલેશનમાં બહુ ઇન્વોલ્વમેન્ટ રહ્યું. World Exposition માં ભારત ઘણીવાર ભાગ લેતું પણ આ એક્ઝિબિશને દેશ-વિદેશમાં ભારતની ઇમેજ બદલી નાખી!
નિવૃત્તિની પ્રવૃત્તિ :
હું ક્યારેય નિવૃત્ત થયો જ નથી. NIDમાં ૧૬ વર્ષ કામ કર્યા બાદ પોતાનું સ્વતંત્ર કામ શરૂ કર્યું. નામ અને દામ બંને મળ્યાં! શરૂઆતથી જ નોકરીમાં એક વર્ષમાં મળતા રૂપિયા એક મહિનામાં મળી જતા! ફોટોગ્રાફીના કામ માટે આખું ભારત અને સમગ્ર દુનિયા ઘૂમી વળ્યો છું. ઇન્ડસ્ટ્રીયલ ફોટોગ્રાફીના ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે. સરકારી કામો પણ ઘણાં કર્યાં છે. 2009માં મારી પત્નીના (જાણીતાં વિજ્ઞાની અને સામાજિક કાર્યકર રેડીયમ ભટ્ટાચાર્ય) અવસાન બાદ તેમના HIV-AIDS ના NGO નું કામ પણ મેં સહર્ષ ઉપાડી લીધું છે. અત્યારે તો મારા ફોટોગ્રાફીના કામ સાથે સેવાની પ્રવૃત્તિ પણ સારી ચાલે છે! ફ્રાન્સ દેશ સાથે અને ત્યાનાં લોકો સાથે અનન્ય નાતો છે. અમદાવાદની “એલિયાન્સ ફ્રાન્સિસ” નામની સંસ્થા વર્ષો પહેલાં સ્થાપી, તેનો શરૂઆતનો સભ્ય (Founder Member) છું.
શોખના વિષયો :
ફોટોગ્રાફીમાંથી સમય મળતો નથી, પણ સંગીત સાંભળવાનો શોખ છે. NIDમાં હતો ત્યારે રેકોર્ડમાંથી કેસેટમાં સંગીત કન્વર્ટ કરવા એક-એક રેકોર્ડ સાંભળવી પડતી. ક્યારે સંગીતનો શોખ લાગી ગયો તેની ખબર જ પડી નહીં! યુરોપમાં ભણ્યો એટલે ફૂટબોલ, ટેનિસ ગમે. ક્રિકેટનો શોખ છે. શાળામાં બેઝબોલ રમ્યા હતા એટલે તેમાં પણ રસ. ઇંગલિશ ક્લાસિકલ ફિલ્મો જોવાનો પણ શોખ છે.
યાદગાર પ્રસંગો :
ફ્રાન્સમાં ભણતો ત્યારે પેરિસમાં India Houseમાં રહેતો. ત્યાં બંગાળી વિજ્ઞાની રેડિયમ ભટ્ટાચાર્ય સાથે ઓળખાણ થઈ જે પ્રણય બાદ લગ્નમાં પરિણમી. આ જીવનનો સૌથી યાદગાર પ્રસંગ! ફોટોગ્રાફીના ઇન્ટરનેશનલ એક્ઝિબિશન નહેરુ, ગાંધી અને રેડિયો આઇસોટોપ એક્ઝિબિશન,બેંગ્લોર બધાં અનુભવો યાદગાર છે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
એક પગનું ઓપરેશન કરાવ્યું છે, ચાલવાની થોડી તકલીફ છે. કોઈ વ્યસન નથી, છ ફૂટનું કસાયેલું શરીર છે, સ્પોર્ટ્સ બહુ રમ્યા છીએ એટલે બીજી કોઈ તકલીફ નથી. હું જન્મ્યો ત્યારે નાનાએ (માતાના પિતાએ) ગાય ભેટમાં આપી હતી. ગાયની સેવા કરીને મોટો થયો છું એટલે તંદુરસ્ત છું! દેશ-પરદેશમાં આટલું રખડયા પછી શીખી ગયો છું કે જે વસ્તુ ભાણામાં આવે તે ખાઈ લેવી.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
નવી ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરું છું. ટેકનોલોજીને સારી-ખરાબ ન કહી શકાય, તેનો ઉપયોગ કરતા શીખવું જોઈએ. ફાયદા ઘણા છે, તેના વગર ચાલે એવું નથી, પણ સમય બગડે નહીં તે જોવું પડે. પહેલાં પરદેશ વાત કરવા કોલ બુક કરવો પડે અને કલાકો પછી વાત થાય. આજે ચાંપ દબાવીને ફોન થાય, વિડીયો-કોલ થાય, આ બધા ટેકનોલોજીના લાભ.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?:
હા, બિલકુલ! ઘરમાં યુવાન પૌત્ર-પૌત્રી છે. નિરમા યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સીટીમાં સ્કૂલ-ઓફ-ડિઝાઇનમાં સક્રિય છું. યુવાનો સાથે કામ કરું છું. યુવાનોમાં તરવરાટ છે પણ મહેનત કરવાની તૈયારી નથી.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
દરેક ક્ષેત્રમાં ઘણો ફેર પડી ગયો છે, પણ શિક્ષણ-ક્ષેત્રે ઘણો સુધારો કરવાની જરૂર છે. Basic concepts ક્લિઅર નથી. એક ફૂટના કેટલા ઇંચ કે તમારા શર્ટ માટે કેટલું કપડું જોઈએ એવા બિલકુલ સામાન્ય પ્રશ્નોના જવાબ પણ યુવાનો આપી શકતા નથી. ફોટોગ્રાફીના ક્ષેત્રમાં પણ ભણાવનારને ખબર નથી કે શું ભણાવવું!
સંદેશો :
સફળતા મેળવવા માટે મહેનતનો કોઈ જ વિકલ્પ નથી. મહેનતની સાથે લોજીક ઊમેરો એટલે તમને સફળતા ચોક્કસ મળે.