નોટ આઉટ @ 81: રતીલાલ વાયડા (‘મૃગેશ’)

35 વર્ષ મીઠાપુર હાઇસ્કુલમાં શિક્ષણ-કાર્ય કરનાર અને એનસીસીમાં નેવલ-ઓફિસર તરીકે દર વર્ષે 100-150 વિદ્યાર્થીઓને નેવી-કેડેટની ટ્રેનિંગ આપનાર, જાણીતા વાર્તાકાર રતીલાલ વાયડા (‘મૃગેશ’)ની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ, બાળપણ, પ્રાથમિક-અભ્યાસ  બેટ-દ્વારકામાં. ચાર ભાઈ-ચાર બહેનના કુટુંબમાં તેઓ સૌથી મોટા હતા. કૌટુંબિક જવાબદારીઓ ઘણી હતી. 15 માણસના સંયુક્ત-કુટુંબમાં મોટા થયા. પિતાને ફરસાણ અને મીઠાઈની દુકાન હતી. આગળનો અભ્યાસ કાકાને ઘેર મીઠાપુરમાં રહી કર્યો. ત્યારબાદ દ્વારકા શારદાપીઠમાં કોલેજમાં ભણ્યા. 1965માં ગ્રેજ્યુએશન કરી ટાટા કેમિકલ્સ(મીઠાપુર)માં જોડાયા. આલિયાપાડામાં બી.એડ. કરી જે શાળામાં પોતે ભણ્યા તે શાળામાં શિક્ષક તરીકે નોકરી લીધી. એમ.એ., બી.એડ., એલએલબી સુધી ભણ્યા. એનસીસીમાં નેવલ-ઓફિસર તરીકે 24 વર્ષ કામ કર્યું. દરવર્ષે 100-150 વિદ્યાર્થીઓને તેઓ તાલીમ આપતા. 5 નેવલ કેડેટને દિલ્હીની રિપબ્લિક-ડે પરેડમાં મોકલ્યા. 10 વર્ષ SSC-બોર્ડના એક્ઝામીનર હતા.

 

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

રાતના વાંચવા-લખવાનું ચાલે એટલે સવારે ઊઠવામાં મોડું થાય. ઊઠીને નિત્ય-કાર્ય કરી કસરત કરે. પગના ઓપરેશન પછી ચાલવાની થોડી તકલીફ છે. સવારે પૂજાપાઠ કરે, રામાયણ વાંચે, વિષ્ણુ-સહસ્ત્રનામ પણ કરે. 2000માં, નિવૃત્તિ બાદ લખવાનું કામ વધ્યું છે. તેઓએ  સાહિત્ય-સરિતા, શબ્દ-વાવેતર, સાહિત્ય-જગત, પ્રતિલિપિ વગેરેમાં 325 લેખ-નવલિકા-વાર્તા-કવિતા-અનુભવો વગેરે લખ્યાં છે. 150 જેટલાં સર્ટિફિકેટ મળ્યાં છે. કુટુંબ-જ્ઞાતિ-સમાજ સાથે ઘણું કામ કર્યું છે. ગુગળી બ્રાહ્મણ-જ્ઞાતિ, મીઠાપુરના 30 વર્ષ પ્રેસિડેન્ટ હતા. તેમને દ્વારકા ગુગળી જ્ઞાતિ તરફથી જ્ઞાતિ-રત્ન એવોર્ડ પણ મળ્યો છે.

શોખના વિષયો : 

લેખન-વાંચન મુખ્ય શોખ, ફિલ્મ જોવી ગમે, ફિલ્મ-સંગીત પણ ગમે. હરવા- ફરવાનો બહુ શોખ. આખું ભારત ફરી વળ્યા છે. 15 વાર હરદ્વાર ગયા છે! શિક્ષક હતા એટલે બાળકો સાથે પણ ફરવા જતા. બધાં જ્યોતિર્લિંગના દર્શન કર્યાં છે, અનેક નદીઓમાં સ્નાન કર્યાં છે. સંત-સમાગમ પણ ગમે. જ્યોતિષનો શોખ છે, વાંચીને જાતે શીખ્યા છે. એક્યુપ્રેશરની તાલીમ લીધી છે. જ્યોતિષ અને એક્યુપ્રેશરનું કામ સેવા તરીકે કરે છે, પૈસા લેતા નથી.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે. બીપી-ડાયાબિટીસ કંટ્રોલમાં છે. રેગ્યુલર ચેકઅપ કરાવે છે. જામનગરમાં (દીકરીને ઘેર) પડી ગયા હતા, ઘૂંટણનું હાડકું તૂટી ગયું હતું એટલે પગની થોડી તકલીફ છે, પણ ઘરમાં ચાલી શકે છે. 

યાદગાર પ્રસંગ:  

NCCની વાર્ષિક નેવલ-ટ્રેનિંગમાં દર વર્ષે 50 કેડેટ સાથે જોડતા. તેઓ પોતે નેવલ-ઓફિસરની ટ્રેનિંગમાં ચાર વાર ગયા હતા. બહુ સારો દેખાવ કર્યો હતો. તેમણે રાયફલ ફોડવાના અને બોમ્બ ફોડવાના અનુભવ પણ લીધા! એકવાર મહુવામાં કેમ્પ કર્યો હતો. તેમના ઉપરીઓ મુરારીબાપુને કેમ્પમાં આવવા આમંત્રણ આપવા ગયા. સમયની અછતને કારણે મોરારીબાપુએ આમંત્રણ સ્વીકાર્યું નહીં. બીજે દિવસે રતીભાઈએ આગ્રહ કરી બાપુને કહ્યું: “બાપુ, 600 છોકરાઓ આવ્યા છે. જો તમે આવી વિદ્યાર્થીઓને સંબોધો તો તેમનો ઉત્સાહ વધે.”  છેવટે મોરારીબાપુએ તેમનું દસ મિનિટ બોલવાનું આમંત્રણ સ્વીકાર્યું. જ્યારે તેઓ કેમ્પમાં આવ્યા ત્યારે ત્યાંનો માહોલ જોઈને બાપુએ લગભગ દોઢ કલાક વિદ્યાર્થીઓને સંબોધન કર્યું!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

નવી-ટેકનોલોજીનો ઘણો ઉપયોગ કરે છે. 2000ની સાલ પછી કાગળ ઉપર લખવાનું તેમણે છોડી દીધું છે! સીધું  મોબાઇલ અથવા કોમ્પ્યુટર ઉપર કામ કરે છે જે ઘણું ઝડપી અને સગવડ-ભર્યું છે. તેમનું માનવું છે કે નવી-ટેકનોલોજીને લીધે હાથની અંદર આખી દુનિયા સમાઈ ગઈ છે! તેમને દીકરા અને પૌત્રે નવી-ટેકનોલોજી સારી રીતે વાપરવાનું શીખવાડયું છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

તેઓ સંયુક્ત-કુટુંબમાં હતા ત્યારે સ્ત્રીઓ ઘરનું બધું કામ જાતે કરતી, સગડી સળગાવતી, રસોઈ કરતી, ઓચિંતા મહેમાનો આવે તેમને સાચવતી, તેમને શારીરિક શ્રમ ઘણો રહેતો. હવે લોકોની આવક વધી છે, જીવન સરળ થયું છે. નવી-ટેકનોલોજીને લીધે બહેનોને લાભ થયા છે. આરોગ્યમાં પણ નવી-ટેકનોલોજી ઘણી કામ લાગે છે. લેખનમાં તેમને પોતાને પણ ઘણો ફાયદો થયો છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?  

તેમને એક દીકરો, એક દીકરી અને બે પૌત્ર છે. તેઓ યુવાનો સાથે ટચમાં છે. તેમના વાચકો અને વિદ્યાર્થીઓની બીજી-ત્રીજી પેઢી સાથે પણ ટચમાં છે. તેમનો લેખ છાપામાં આવે કે તરત વિદ્યાર્થીઓના મેસેજ આવી જાય! તેમના લાખો વિદ્યાર્થીઓ, વાંચકો અને ચાહકો છે જેનું તમને ગૌરવ છે!

સંદેશો :  

વ્યવસાય માટે વિદ્યાર્થીઓને મોકળું મેદાન મળ્યું છે, પણ યુવાનોએ લશ્કરમાં જોડાવું જોઈએ. જો લશ્કરમાં જોડાઈ ન શકાય તો જિંદગીમાં હિંમતથી દેશને માટે કામ કરવું જોઈએ.