બાળકોના હૃદય-રોગ માટેની સારવારની અદ્યતન સગવડો સાથે વડોદરા તૈયાર હતું નહીં ત્યારે 12 વર્ષ અમેરિકામાં પીડીયાટ્રીક કાર્ડિયોલોજી ભણીને આવેલાં ડોક્ટર ગીતાબહેન મોદીની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે:
વડોદરામાં 1942ની ચળવળ વખતે જન્મ. માતા મોસાળ વડોદરામાં અને પિતા મુંબઈ! ગીતાબહેનની સાત વર્ષની ઉંમરે માતા-પિતા યુગાન્ડામાં શિક્ષક તરીકે જોડાયા, ગીતાબહેન તેમની સાથે ગયાં. મુંબઈથી આફ્રિકાની 10 દિવસની સ્ટીમરની સફર અને સ્ટીમરમાં હોળી રમ્યાં હતાં તે બહુ ઉત્સાહથી તેઓ યાદ કરે છે! યુગાન્ડામાં કેમ્બ્રિજ ભણી વડોદરાથી એમબીબીએસ કર્યું. અમેરિકામાં પીડીયાટ્રીક કાર્ડિયોલોજીનો અભ્યાસ પત્યો ત્યારે ભાઈ બીટ્સ પીલાનીમાંથી એન્જિનિયર થઈ અમેરિકામાં સ્થાયી થયો હતો. માતાને અમેરિકામાં ગમતું નહીં. વડોદરા ઘર હતું અને મોટીબહેન પણ હતી એટલે વડોદરા પાછા આવવાનું નક્કી કર્યું.
વડોદરાની જાણીતી નરહરી હોસ્પિટલમાં પીડીયાટ્રીક ડિપાર્ટમેન્ટમાં તેઓ જોડાયાં. હૃદયમાં ખામી સાથે જન્મેલાં બ્લુ-બેબીસને તેઓ સારવાર આપે. આમાંથી અમુક બાળકોને ઓપન-હાર્ટ-સર્જરીની જરૂર હોય. સર્જરીની પહેલાં તેઓ બાળકને સ્ટેબિલાઇઝ કરે, ક્યારે ઓપરેશન કરવું તે નક્કી કરે. (40 વર્ષ પહેલાં નવી-ટેકનોલોજી વગર) ગુજરાતમાં આ સગવડ ન હતી એટલે બાળકને મુંબઈ અથવા ચેન્નાઈ મોકલવાં પડે. સાધનો આવતાં ગયાં તેમ-તેમ તેમના ભણતરનો ઉપયોગ થતો ગયો.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
70 વર્ષની ઉંમરે જાતે નિવૃત્તિ સ્વીકારી છે. જોકે હજુ પણ મેડિકલ જર્નલો વાંચે છે, કોન્ફરન્સીસ અટેન્ડ કરે છે અને પ્રોફેશનલી પોતાની જાતને અપડેટ કરતાં રહે છે. સવારે 5:30 વાગે ઊઠી, નાહી-ધોઈને કસરત કરે, ટીવી પર શ્રીનાથજીના દર્શન કરે, રસોઈ અને ઘરકામ જાતે કરે એટલે સવારનો સમય તેમાં જતો રહે. જમીને થોડો આરામ કર્યા પછી એકાઉન્ટ, ટેક્સ, ઇન્વેસ્ટમેન્ટ વગેરે કામકાજ કરે. નવરાશના સમયમાં ઈન્ટરનેટ સર્ફ કરે અથવા વાંચે. સાંજે થોડું ચાલે, પછી ટીવી ન્યુઝ વગેરે જુએ. મિત્રો અને કુટુંબીઓ સાથે ફોન અને WhatsApp થી ટચમાં રહે.
શોખના વિષયો :
વાંચવાનું ગમે. ભરત-ગૂંથણ અને એમ્બ્રોઇડરીનો શોખ. ઘણાં સ્વેટરો ગૂંથ્યાં. યુવાનીનો સમય ભણવામાં જતો રહ્યો, કોઈ શોખ વિકસાવવાનો સમય મળ્યો નહીં! તેઓ ધાર્મિક ખરાં પણ સેવા-પૂજામાં માને નહીં. બ્રહ્માકુમારીનાં, ‘શિવાની’નાં તથા જ્ઞાનવત્સલસ્વામીનાં વ્યાખ્યાનો સાંભળવા ગમે. તેઓ માને કે જ્યાં જે સારું હોય તે ગ્રહણ કરવાનું!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત સારી છે. સાયનસ, આર્થાઈટીસ જેવા સામાન્ય રોગો છે. તેઓ હોમિયોપેથીમાં વધુ માને છે. ઇમ્યુનિટી વધારવા હોમિયોપેથીકની દવા લે છે. ખાવાપીવામાં, કસરતમાં, ઊંઘમાં એકદમ નિયમિત છે. ના-છૂટકે જ બહારનું ખાય છે. વજન ઓછું છે એટલે તબિયત ઘણી સારી છે!
યાદગાર પ્રસંગો :
તેમના શબ્દોમાં: “બાળકોની ડોક્ટર એટલે મારા દર્દીઓ બહુ જલ્દી બદલાઈ જાય! એકવાર ત્રણ દિવસના બ્લુ-બેબીને લઈને તેનાં માતા-પિતા મને મળવાં આવ્યાં. બાળકને ઓપન-હાર્ટ-સર્જરીની જરૂર હતી. મેં ચેન્નાઈ જવાની સલાહ આપી. હાલત ખરાબ હતી પણ કુટુંબે ચાન્સ લેવાનું નક્કી કર્યું. તેઓ તેને ચેન્નાઈ લઈ ગયા અને તેના પર સફળ સર્જરી થઈ. આજે આ સરળ લાગે છે પણ 30 વર્ષ પહેલાં આ ઘણું અઘરું હતું.”
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
કોમ્પ્યુટર અને મોબાઈલ બંને સારી રીતે વાપરે છે. મેડિકલ જર્નલ અને બીજા પ્રોફેશનલ જ્ઞાન માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તે ઉપરાંત ઇન્વેસ્ટમેન્ટ, ટેક્સેશન અને એકાઉન્ટ્સ માટે પણ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. સર્ફિંગ કરીને જેમ જરૂર પડે તેમ શીખતા જવાય તેવું તેમનું માનવું છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
તેમનાં કોલેજનાં મિત્રો હજુ પણ તેમને યાદ કરે છે. તેમની વચ્ચે ગાઢ મૈત્રી છે. યુવાનો સ્વ-કેન્દ્રિત થઈ ગયાં છે. તેમને પોતાના સિવાય બીજી કોઈ વ્યક્તિમાં રસ નથી. એટલે હવે મિત્રતા કે બીજા કોઈ પણ સોશિયલ સંબંધો લાંબુ ટકતા નથી.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
હા, કોન્ફરન્સીસમાં ઘણાં યુવાનો મળે, જૂના દર્દીઓ પણ મળે. આજના યુવાનો હોશિયાર પણ સંબંધો જાળવી શકે નહીં. ભાણિયા-ભત્રીજા દૂર હોવાથી બહુ મળાય નહીં એટલે ઘરોબો નહીં. યુવાનો કાયમ મોબાઈલ લઈ ફરે એટલે સાચા સંબંધોને સમજી શકતા નથી.
સંદેશો :
વ્યવસાયમાં હરિફાઈ તો હોય, પણ હરિફાઈ હેલ્ધી હોવી જોઈએ! ડોકટરોએ ભણવાની ભારે ફી આપી હોય અને સમય પણ ઘણો થાય એટલે તેઓ ભારે ફી લે તે સમજી શકાય પણ બીજા દુષણોથી દૂર રહેવું જોઈએ!