છેલ્લાં 25 વર્ષથી ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ-અમેરિકાના પ્રેસિડેન્ટનું પદ શોભાવતા રામ ગઢવીની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
વલ્લભીપુર નજીકના નાનકડા ગાયકવાડી ગામ રતનપુરમાં તેમનો જન્મ. માતા-પિતા બંને સાત ધોરણ સુધી ભણેલાં હતાં. રામભાઈનો પ્રાથમિક અભ્યાસ રતનપુરમાં. આગળનો અભ્યાસ ભાવનગરમાં. ભાવનગરની ગઢવી જ્ઞાતિની હોસ્ટેલમાં રહીને, શરૂઆતમાં નૂતન વિદ્યાલય અને પછી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણ્યા. શાળાની લાઇબ્રેરીમાં અને બાર્ટન-લાઇબ્રેરીમાં ઘણું વાંચન કર્યું, ડીબેટ સોસાયટીમાં સક્રિય હતા. એસએસસીના સારા પરિણામ પછી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાંથી બીઈ કર્યું. કોલેજમાં મેસ ચલાવી, એનસીસીમાં ભાગ લીધો, નાટકોમાં અને વાર્ષિકોત્સવમાં પણ ભાગ લેતા એટલે ઘણા મિત્રો હતા. તે વખતે એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાંથી વિદ્યાર્થીઓ અમેરિકા જતા. મિત્રો સાથે તેમણે પણ અમેરિકા જવાનું વિચાર્યું. થોડો વખત ભાવનગર અને મુંબઈ કામ કર્યું. દરમિયાન ભાનુબેન સાથે યુગાન્ડા(આફ્રિકા)માં લગ્ન થયા. યુગાન્ડામાં સેટલ થવાની તૈયારીમાં હતા ત્યાં અમેરિકાનું એડમિશન આવી ગયું અને તેઓ અમેરિકા ગયા. ત્યાં વધુ અભ્યાસ(એમએસ અને એમબીએ) કર્યો અને જુદી-જુદી કંપનીઓમાં, જુદા-જુદા શહેરોમાં યુટાહ, બોસ્ટન, ન્યૂજર્સી જેવી જગ્યાઓએ કામ કર્યું.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
અત્યારે કોઈ કોમર્શિયલ કામ કરતા નથી, પણ ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ-અમેરિકાની પ્રવૃત્તિમાં સક્રિય છે. સવારે સાડા-સાત વાગે ઊઠે. બોર્ડિંગની ટેવ મુજબ પ્રાણાયામ-કસરત-યોગ કરે! પછી ચા-કોફી પીએ. ચાલવાનું બંધ થઈ ગયું છે તેનો અફસોસ છે. દીકરો અને દીકરી, બંને પ્રખ્યાત બોસ્ટન કોલેજમાંથી ભણ્યાં છે. ત્રણ પૌત્રો અને ત્રણ પૌત્રીઓ છે. તેઓ વેઇન(ન્યૂજર્સી)માં આવેલ ઇન્ડિયા કલ્ચરલ સોસાયટીના ચેરમેન છે. ત્યાં ગાંધી-મંદિર બનાવ્યું છે. ગાંધીજીની ફિલોસોફીને લગતા પ્રોગ્રામ કરતા. ગાંધી-મંદિરને બદલે હવે ત્યાં સર્વ-ધર્મ મંદિર બનાવ્યું છે. સાહિત્ય-સંગીતના પ્રોગ્રામ થાય છે. અનુવાદ, નાટકો અને બુક પબ્લિશ કરવા જેવા કામોમાં લોકલ-ટેલેન્ટને પ્રમોટ કરવાના પ્રયત્નો ચાલુ છે.
શોખના વિષયો :
ભાવનગરનો સાહિત્યનો વારસો એટલે સાહિત્ય, સંગીત, નાટકો, ચર્ચા વગેરેમાં બહુ મજા આવે! શરૂઆતમાં લોકલ કલાકારો સાથે બોસ્ટનમાં સુગમ-સંગીતના પ્રોગ્રામ ગોઠવતા. ન્યૂજર્સી આવીને પણ સાહિત્ય-સંગીતની ઘણી પ્રવૃત્તિઓ કરતા. 1981માં ગુજરાતી લિટરરી એકેડમી ઓફ નોર્થ-અમેરિકા સંસ્થા બની, તેઓ મેમ્બર બન્યા. સોશિયલ-પ્રવૃત્તિઓ કરે, નાટકો જોવાં ગમે, રમતગમત જોવી ગમે, વાંચન ઘણું ગમે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
ભગવાનની મહેરબાનીથી તબિયત સારી છે. શાળા-કોલેજની કસરતની ટેવનો પ્રભાવ હશે! હમણાંથી ચાલવામાં થોડા ધીમા થઈ ગયા છે. તબિયતની સંભાળ રાખવામાં અને સામાજિક કર્યો કરવામાં પત્ની ભાનુબહેનનો સપોર્ટ ઘણો સારો રહે છે.
યાદગાર પ્રસંગ:
રતનપુરથી ભાવનગર નૂતન વિદ્યાલયમાં આવ્યા પછી શાળાની પહેલી જ માસિક પરીક્ષામાં ગણિતમાં પહેલા નંબરે પાસ થયા! રતનપુરમાં અંગ્રેજી ભણાવતા નહીં જેથી અંગ્રેજીની પરીક્ષામાં નાપાસ થયા! “ગણિતના પેપરમાં ચોરી તો નહીં કરી હોય ને?” એવી સહેજે શંકા થાય! પણ પછી તો જુદા-જુદા વિષયોની પરીક્ષાઓમાં સરસ પરિણામ લાવતા ગયા અને છ મહિનામાં તો અંગ્રેજી પણ શીખી લીધું.
ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશનમાં ચેરમેન હતા ત્યારે તેમણે ન્યૂયોર્કમાં ઇન્ડિયા-ડે પરેડ શરૂ કરાવી. દરવર્ષે ગ્રાન્ડ-માર્શલ તરીકે પ્રખ્યાત વિભૂતિઓને મહેમાન તરીકે બોલાવે છે. ફિલ્મી-કલાકારો રાજ કપૂરથી શરૂ કરી મીનાક્ષી શેષાદ્રી અને સામાજિક ગુરુ મોરારીબાપુ (આ વર્ષે શ્રી શ્રી રવિ) જેવા મહાનુભાવોએ તે સ્થાન શોભાવ્યું છે.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
મોટાભાગનું કામ લેપટોપ ઉપર જ કરે છે. અમેરિકામાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જ રહ્યો. ટેકનોલોજી બાળકોને સ્વતંત્રતા આપે છે, પણ તેના ઉપયોગ કે દુરુપયોગ માટે તો પેરેન્ટિંગ ઉપર જ આધાર રહે!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
તેઓ રતનપુરમાં હતા ત્યારે તો ત્યાં લાઈટ પણ ન હતી! હવે ભણતર, આર્થિક સગવડો અને પ્રવૃત્તિઓ ઘણી વધી ગઈ છે, પણ તે સાથે દૂષણો પણ એટલાં જ આવ્યાં છે! જે લાગણી ગામડામાં હતી એ તો ગામડામાં જ જોવા મળે, બીજે ક્યાંયે નહીં!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
એકેડેમીના કામને લીધે, યુવાનોને તેમાં પ્રવૃત્ત કરવા માટે, યુવાનો સાથે પ્રયત્ન કરીને તેઓ સંપર્કમાં રહે છે. યુવાન-મહેમાનોને બોલાવે છે. થોડા વખત પહેલાં RJ ધ્વનિતને બોલાવ્યા હતા. નાટ્ય-નિર્દેશક અને કલાકાર સૌમ્ય જોશીને બોલાવ્યા હતા. અપૂર્વ આશર અને રામ મોરી જેવા મહાનુભાવોને બોલાવે છે, જેથી યુવાનો એકેડેમીના કામમાં પ્રવૃત્ત થાય.
સંદેશો :
ભારતની સાહિત્ય-સંસ્થાઓ પરદેશની સાહિત્ય-સંસ્થાઓને મદદ કરે તો “વસુધૈવ કુટુંબકમ્” બની શકે!