લોસ એન્જલસ જૈન-સંઘના પ્રથમ પ્રમુખ, LA જૈન-સોશિયલ ગ્રુપના ફાઉન્ડર-પ્રેસિડેન્ટ તથા ‘JAINA(USA)’ના ફૉર્મેશનના એક ઘડવૈયા, મહેન્દ્રભાઈ ખંધારની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ સાયલા પાસે સુદામડા ગામે,ઊછેર લીંબડી(સુરેન્દ્રનગર)માં. પાંચ પાંડવોમાં અર્જુનની જેમ વચેટ, બે બહેનો. પિતાને કાપડની દુકાન. આર્થિક સ્થિતિ સામાન્ય. પિતાની જૈન સંઘ,પાંજરાપોળ, લાઇબ્રેરી વગેરેમાં 50 વર્ષની સેવાના સંસ્કાર અને ધર્મના સંસ્કાર માતા પાસેથી પામ્યા. તેઓ ભણવામાં હોશિયાર. લીંબડીથી મેટ્રિક કર્યું. બે વર્ષ અમદાવાદ અને ત્રણ વર્ષ મોરબી રહી એન્જિનિયરિંગ કોલેજમાંથી BE (મિકેનિકલ) કર્યું. ભણવા, કુટુંબની જવાબદારી નિભાવવા અને આર્થિક ઉન્નતી માટે તેઓ અમેરિકા ગયા. સ્ટેન્ફોર્ડ (કેલિફોર્નીયા) યુનિવર્સિટીમાંથી MS કર્યું. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા (UCLA)માં MBA ભણ્યા, છ પ્રોફેશનલ એન્જિનિયરિંગ રજીસ્ટ્રેશન (PE) કર્યા! સમાજને મદદરૂપ થવા કેલિફોર્નિયા નોટરી તરીકે 12 વર્ષ ફ્રી સેવા આપી! વ્યવસાયે એન્જિનિયર પરંતુ સ્ટોક-માર્કેટ અને રિયલ એસ્ટેટમાં પણ રસ.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
વર્ષના છ મહિના કેલીફોર્નીયા અને છ મહિના કોબા શ્રીમદ્દ રાજચંદ્ર જૈન આશ્રમમાં રહે છે. 1987માં કોબા આશ્રમના સ્થાપક સંત ડોક્ટર સોનેજી(આત્માનંદજી)ને સ્પોન્સર કરીને તેમની સાથે અમેરિકામાં એક મહિનો રહ્યા ત્યારે જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું. ધર્મને રાજમાર્ગ ગણી સામાજિક પ્રવૃત્તિ લગભગ બંધ કરી દીધી. આશ્રમમાં દરરોજ સવારે 4:30 ઊઠે. પક્ષાલ, અભિષેક, નવકારશી, પૂજા, સ્વાધ્યાય, સત્સંગ, લંચ, આરામ, અંગત સાધના, આધ્યાત્મિક વાંચન, ધ્યાન, ભક્તિ વગેરે હોય. લોસ એન્જલસમાં 2000 જૈન કુટુંબ છે. 150 કરોડ રુપિયાના ખર્ચે બંધાયેલ ભવ્ય દેરાસર અને સંકુલ છે. પાઠશાળા (જૈનશાળા)માં 500 વિદ્યાર્થીઓ અને 60થી વધુ શિક્ષકો છે. તેમણે 18 વર્ષ પાઠશાળા ભણાવી અને 20 વર્ષ સ્વાધ્યાય લીધા.
શોખના વિષયો :
ફરવાનો શોખ. ભારત, અમેરિકા અને વિશ્વમાં ઘણું ફર્યા છે. જાત્રા અને તેનું આયોજન ગમે. હિમાલયમાં ચાર-ધામ યાત્રા અને સમેતશિખરની જાત્રા કરી છે. પ્રભુ-ભક્તિ કરે અને કરાવે! સાધના, સ્વાધ્યાય, ભક્તામર-સ્તોત્ર, કલ્યાણ-મંદિર-સ્તોત્રના વિવેચનમાં ખાસ રૂચી. ટિકિટ-સંગ્રહનો શોખ. ફોટો-વિડિયો પાડવા ગમે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
કોઈ મોટી બીમારી નથી. સાંભળવાની થોડી તકલીફ છે. આહાર, વિહાર અને નિહારની નિયમિતતા. પાંચ કિલોમીટર ફાસ્ટ-વોકીંગ કરે. અડધો કલાક કસરત કરે. અમેરિકા હોય ત્યારે પોણો કલાક જીમમાં જાય. રાત્રી-ભોજન બંધ. મીઠાઈ ભાવે. ભારે લંચ લેવાઈ જાય, તો ડીનર કેન્સલ! વાણી એકદમ શાંત. પરોપકાર અને મદદ કરવાની ભાવના ઘણી.
યાદગાર પ્રસંગ:
એકવાર મોટાભાઈ કિશોરભાઈ સાથે નદીમાં ન્હાવા પડ્યા. અચાનક ઘોડાપૂર આવ્યું અને તેઓ તણાવા લાગ્યા. એક કદાવર માણસ પુલ પરથી ભૂસકો મારીને આવ્યો. બંને ભાઈઓને ઊંચકીને કિનારે મૂકી દીધા! 1993માં કુટુંબ સાથે કરેલી સ્વાધ્યાય-ભક્તિથી ભરપૂર સમેતશિખરની જાત્રા યાદગાર છે. 1987માં પૂજ્ય આત્માનંદજી સાથે એક મહિનો રહેતા જીવનનું લક્ષ બદલાઈ ગયું. ધર્મ અને અધ્યાત્મનું પ્રાધાન્ય થતા દિશા બદલાઈ! પૈસા જરૂરી છે પણ તે જીવન નથી તેવું સમજાયું.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
મોબાઇલ, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર સહેલાઈથી અને જરૂર પ્રમાણે વાપરે છે. કોમ્પ્યુટર ઉપયોગી છે પણ તેમાં સંયમ અને મર્યાદા જરૂરી છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
પહેલાં પૈસાની અને સાધનોની મર્યાદા હતી, સમાજ અને વડીલોનો અંકુશ હતો, ધર્મ હતો, લોકલાજ હતી, વડીલોની છત્રછાયા હતી. હવે ભણતર વધ્યું છે, સાધનો વધ્યાં છે, પૈસા વધ્યા છે. પ્રાયે સંયુક્ત-કુટુંબ રહ્યા નથી એટલે ઘણી સ્વચ્છંદતા આવી ગઈ છે. ભૌતિક વિકાસ થયો છે પણ વિનય,વિવેક, ધર્મ, અધ્યાત્મ ઓછા થયા છે. આ કળિયુગનું લક્ષણ છે.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
જૈનશાળા અને બીજી સંસ્થાઓને લીધે યુવાનો સાથે સારી રીતે સંકળાયેલા છે. મહેન્દ્રભાઈ યુવાનોને આદર આપે, તેમનામાં રસ લે અને તેમને અનુકૂળ થઈ જાય. નવી પેઢી સરળ છે, ઉત્સાહી છે અને એનર્જેટીક છે. તેમની પાસે નવા વિચારો છે. તેમની સાથે પ્રેમથી કામ થાય! મહેન્દ્રભાઈને ત્રણ બાળકો અને આઠ પૌત્રો-પૌત્રીઓ છે.
સંદેશો :
ધર્મને સાથે, માથે અને હાથે રાખો! ઉચ્ચ અભ્યાસ કરવો! દેવ, ગુરુ, વડીલો પ્રત્યે પૂજ્ય ભાવ કેળવવો. કોઈ પણ ભોગે કુટુંબમાં એકતા, શાંતિ, સંપ જરુરી. દાન, સેવા, પરોપકારને જીવનનો ભાગ બનાવો. સામાજિક સંવેદના, કરુણા, આત્મીયતા, ધર્મને જીવનમાં લાવો. સુખી થવા બીજાને સુખી કરો. નમ્રતા સાથે જીવન સાદું અને સરળ રાખવું. જીવન આનંદ અને નિર્દોષ હાસ્યથી ભરી દેવું.આ ભવ અને પરભવના કલ્યાણ માટે આત્મલક્ષે સાધના કરવી.