કેન્દ્રીય પ્રધાનમંડળે મોટર વેહિકલ્સ (સુધારા) ખરડામાં ફેરફારોને મંજૂરી આપી દીધી છે. આ ફેરફારો કરવા પાછળનો ઉદ્દેશ્ય માર્ગ સુરક્ષા જેવા મહત્ત્વના પ્રશ્નો પર ધ્યાન આપવાનો છે.
સૂચિત ફેરફારોમાં, નિયમોનો ભંગ કરવા માટે આકરી પેનલ્ટીની જોગવાઈ કરવામાં આવી છે. તદુપરાંત જાહેર પરિવહન પદ્ધતિને મજબૂત કરવા અને ભ્રષ્ટાચારને રોકવાનો પણ ઉદ્દેશ્ય છે.
સલામતીના મામલે, સૂચિત કાયદામાં ઊંચી રકમની અનેક પ્રકારની પેનલ્ટીનો સમાવેશ થાય છે. જેમ કે, લાઈસન્સ વગર વાહન હંકારવું, વધારે પડતી ઝડપથી વાહન હંકારવું, જોખમી રીતે ડ્રાઈવિંગ કરવું, દારૂના નશામાં ડ્રાઈવિંગ કરવું અને પરમીટ વગરના વાહનો હંકારવા જેવા ગુનાઓ માટે ઊંચી રકમની પેનલ્ટીની જોગવાઈ કરાઈ છે.
નવા ખરડામાં, દારૂના નશામાં વાહન હંકારવા બદલ પેનલ્ટીની રકમ પાંચ ગણી વધારવાની જોગવાઈ છે. એટલે કે દંડની રકમ રૂ. 10 હજાર સુધી વધારી દેવાઈ છે.
એવી જ રીતે, જો કોઈ વ્યક્તિ નિશ્ચિત મર્યાદા કરતા વધારે સ્પીડમાં વાહન હંકારશે કે રેસ લગાવતી પકડાશે તો એણે હાલના દંડની રકમ કરતાં 10 ગણી વધારે રકમનો દંડ ચૂકવવો પડશે. એ રકમ હવે રૂ. 5000 સુધી વધારી લેવાઈ છે.
સરકારે મોટર વેહિકલ્સ (એમેન્ડમેન્ટ) ખરડાને મંજૂરી આપી દીધી છે, જેમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે તગડી રકમની પેનલ્ટી લાગુ કરવાનો માટેનો પ્રસ્તાવ પણ મંજૂર કરી દેવાયો છે.
રોડ સેફ્ટી સંબંધિત નિયમોને પણ હવે કડક બનાવી દેવામાં આવનાર છે. વાહનમાં વધારે પડતી વ્યક્તિઓને બેસાડવા સહિત ઓવરલોડિંગ માટે પણ વધારે કડક પેનલ્ટી વસૂલ કરાશે.
ડ્રાઈવિંગ લાઈસન્સીસને લગતા નિયમોનું ઉલ્લંઘન કરનાર એગ્રીગેટર્સને રૂ. 1 લાખ સુધીનો દંડ કરવાની નવા નિયમોમાં જોગવાઈ છે.
આ પ્રસ્તાવો 18 રાજ્યોના ટ્રાન્સપોર્ટ ખાતાના પ્રધાનો પાસેથી મળેલી ભલામણોને આધારે તૈયાર કરવામાં આવી છે.
વધુપડતી સ્પીડે વાહન હંકારવા માટે રૂ. 1000-2000 સુધીની રકમમાં દંડ વસૂલ કરવામાં આવશે.
લાઈસન્સ વગરનું વાહન હંકારવા માટેની પેનલ્ટી રૂ. 5000 કરવાનું સૂચવાયું છે જ્યારે લાઈસન્સ વગર વાહન હંકારનારને પણ રૂ. 5000ની પેનલ્ટી ફટકારવામાં આવશે. પાત્રતા વગર વાહન હંકારનારને રૂ. 10 હજારનો દંડ કરાશે.
આ ખરડાને રાજ્ય સભાની મંજૂરી મળવાની બાકી છે. હવે એને નવી લોકસભા શરૂ થયા બાદ સંસદના વર્તમાન સત્રમાં જ રજૂ કરવામાં આવશે.
નવા ખરડાની 10 કડક જોગવાઈઓઃ
સીટ બેલ્ટ ન બાંધવા બદલ 100 રૂપિયાને બદલે 1000 રૂપિયાનો દંડ થશે
ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવા બદલ હાલ 100 રૂપિયાનો દંડ થાય છે, પણ તે નવો કાયદો લાગુ થયા બાદ રૂ. 1000 થશે.
ટ્રાફિક સત્તાવાળાઓના આદેશનો અનાદર કરવા બદલ મિનિમમ રૂ. 2000ની પેનલ્ટી લાગશે જે હાલ રૂ. 500 છે. એવી જ રીતે, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 100ના દંડને બદલે હવે રૂ. 500 વસૂલ કરાશે.
સગીર વયની વ્યક્તિઓ જો વાહન હંકારતી પકડાશે તો એમના વાલી કે વાહન માલિકને પણ ગુનેગાર ગણવામાં આવશે અને તે વાહનનું રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવશે. એવા કેસમાં, સગીર વયના વાહનચાલકના વાલી કે વાહનમાલિકને રૂ. 25 હજારનો દંડ કરવા અને 3 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે તથા વેહિકલ રજિસ્ટ્રેશન રદ કરાશે.
એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનોને માર્ગ કરી ન આપવા બદલ રૂ. 10 હજારનો દંડ ચૂકવવો પડશે. પાત્રતા વગર વાહન હંકારવાના ગુના માટે વ્યક્તિએ રૂ. 10 હજારનો દંડ ભરવો પડશે.
ઓવર સ્પીડિંગના ગુના માટેનો દંડ હાલના રૂ. 400થી વધારીને રૂ. 1000-2000 કરવામાં આવશે
વીમો (ઈન્શ્યૂરન્સ) ઉતરાવ્યા વગર વાહન હંકારવા બદલ રૂ. 2000નો દંડ કરાશે જ્યારે હેલ્મેટ પહેર્યા વગર ડ્રાઈવિંગ કરવા બદલ રૂ. 1000નો દંડ કરાશે અને લાઈસન્સ 3-મહિના માટે સસ્પેન્ડ કરી દેવાની પણ જોગવાઈ છે.
લાઈસન્સ વગર ડ્રાઈવિંગ કરવા બદલ મિનિમમ રૂ. 500નો દંડ હવે વધારીને પાંચ હજાર રૂપિયા કરાશે
બેફામપણે વાહન હંકારવા બદલ મિનિમમ રૂ. 500નો દંડ છે તે હવે વધારીને રૂ. પાંચ હજાર કરી દેવાશે
હિટ એન્ડ રન કેસમાં સરકાર ભોગ બનનાર વ્યક્તિના પરિવારને રૂ. બે લાખ સુધીની સહાયતા કરશે. આ રકમ હાલ રૂ. 25 હજાર છે.