હેપી ભારતીય આર્મી ડે… વીર જવાનોને સલામ…

ભારતના લશ્કરી સૈનિકો એટલે રાષ્ટ્રની શાન અને આપણા ગર્વના પ્રતીક.

ભારત દેશ આજે ૭૧મો આર્મી ડે ઉજવી રહ્યો છે. દર વર્ષે 15મી જાન્યુઆરીએ ભારતમાં આર્મી ડે ઉજવાય છે.

1949ની સાલમાં તે વખતના ભારતીય લશ્કરના વડા લેફ્ટેનન્ટ જનરલ કે.એમ. કરિઅપ્પાએ ભારતસ્થિત આખરી બ્રિટિશ કમાન્ડર-ઈન-ચીફ જનરલ ફ્રાન્સિસ બુચર પાસેથી લશ્કરી સુકાન હસ્તગત કર્યું હતું.

કોડન્ડેરા એમ. કરિઅપ્પા બાદમાં જનરલ અને ફિલ્ડ માર્શલ તરીકે સમ્માનિત થયા હતા.

વીરતા અને સાહસ વડે ભારત માતાનું રક્ષણ કરનાર દેશના વીર સૈનિકોને ભૂમિદળના 71મા આર્મી ડે નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાર્દિક શુભેચ્છા આપી છે.

ભારતીય લશ્કરના વડા જનરલ બિપીન રાવતે પણ આર્મી ડે નિમિત્તે દેશની તમામ રેન્કના જવાનો, એમના પરિવારજનો, નિવૃત્ત જવાનો, ‘વીર નારીઓ’ તથા સમગ્ર સશસ્ત્ર દળને અભિનંદન આપ્યા છે.

રાષ્ટ્રીય પાટનગરમાં આજે આર્મી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ફરજ દરમિયાન પોતાના જાનનું બલિદાન આપનાર જવાનોને ભૂમિદળે આજે શ્રદ્ધાંજલિ આપી હતી.

આજની પરેડની આગેવાની મહિલા લેફ્ટેનન્ટ ભાવના કસ્તુરીએ લીધી હતી. આ પહેલો જ પ્રસંગ હતો જ્યારે આર્મી ડે પરેડમાં કોઈ મહિલા ઓફિસરે આગેવાની લીધી હોય.

ભારતીય ભૂમિદળ દુનિયામાં કદની દ્રષ્ટિએ બીજા નંબર પર છે. પહેલા નંબર પર ચીન છે.

દર વર્ષે 15 જાન્યુઆરીએ ભારત આર્મી દિવસ ઉજવે છે એની પાછળ બે કારણ છે.

એક, 1949ના વર્ષમાં આ જ તારીખે ભારતીય સેના સંપૂર્ણ રીતે બ્રિટિશ સૈન્યથી મુક્ત થઈ હતી.

બીજું, આ જ તારીખે કે.એમ. કરિઅપ્પાને લોકતાંત્રિક ભારતના લશ્કરના પ્રથમ વડા બનાવવામાં આવ્યા હતા.

બ્રિટિશરોના તાબામાં હતું ત્યારે ભારતીય સેનામાં માત્ર બે લાખ સૈનિકો જ હતા. આજે 71 વર્ષે ભારતીય સેનામાં 13 લાખ જવાનો છે અને અલગ અલગ પદ પર છે.

આર્મી ડે પરેડમાં ભૂમિદળ દિલ્હીના ઈન્ડિયા ગેટ ખાતે અમર જવાન જ્યોતિ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે. શહીદોની વિધવાઓને સેના મેડલ્સ તથા અન્ય પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવે છે.

આર્મી ડેના દિવસે સાંજે લશ્કરી વડા તરફથી ચા-પાર્ટીનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભારતીય સૈન્યની ત્રણેય પાંખના સર્વોચ્ચ કમાન્ડર એવા રાષ્ટ્રપતિ ઉપરાંત વડા પ્રધાન તથા વડા પ્રધાનના સાથી પ્રધાનો હાજર રહે છે.

ભારતીય ભૂમિદળની રચના ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સૈન્ય ટૂકડીના રૂપમાં કરવામાં આવી હતી. બાદમાં તે બ્રિટિશ ભારતીય સેના બની હતી અને હવે ભારતીય ભૂમિદળ છે.

ભારતીય ભૂમિદળે દુનિયાભરમાં અનેક પ્રકારના યુદ્ધ તથા ઝુંબેશોમાં ભાગ લીધો હતો.

ભારતીય સેના અત્યાર સુધીમાં પડોશી દેશ પાકિસ્તાન સાથે ચાર અને ચીન સાથે એક યુદ્ધ ખેલી ચૂકી છે.

ભારતીય સેનાની એક ટૂકડી હંમેશાં સંયુક્ત રાષ્ટ્ર (UN)ની સહાયતા માટે સમર્પિત રહે છે. આ ભારતીય ટૂકડી અંગોલા, કમ્બોડિયા, સાઈપ્રસ, કોન્ગો, અલ સાલ્વાડોર, નામીબિયા, લેબનોન, લાઈબેરિયા, મોઝામ્બિક, રવાન્ડા, સોમાલિયા, શ્રીલંકા અને વિયેટનામ જેવા દેશોમાં ફરજ બજાવી ચૂકી છે.

ભૌગોલિક દ્રષ્ટિએ ભારતીય સેના 7 પાંખમાં વિભાજીત છે. એના મુખ્યાલય દેશના જુદા જુદા ભાગમાં આવેલા છે. જેમ કેઃ

કેન્દ્રિય કમાન્ડ (મુખ્યાલય લખનઉ)

પૂર્વીય કમાન્ડ (મુખ્યાલય કોલકાતા)

ઉત્તરીય કમાન્ડ (મુખ્યાલય ઉધમપુર-કશ્મીર)

દક્ષિણી કમાન્ડ (મુખ્યાલય પુણે-મહારાષ્ટ્ર)

દક્ષિણ-પશ્ચિમ કમાન્ડ (જયપુર-રાજસ્થાન)

પશ્ચિમી કમાન્ડ (મુખ્યાલય ચંડી મંદિર)

સેના ટ્રેનિંગ કમાન્ડ (શિમલા-હિમાચલ પ્રદેશ)

– ભારતીય સેના દુનિયામાં સૌથી ઊંચાઈ પર આવેલા યુદ્ધના મેદાન પર પહેરો ભરે છે. એ વિસ્તારનું નામ છે – સિયાચીન ગ્લેશિયર. આ સ્થળ દરિયાઈ સપાટીથી 5000 મીટર ઉંચે આવેલું છે.

httpss://twitter.com/narendramodi/status/1084974807123480576