રામજી કી નિકલી સવારી…

દેશ આખાને પ્રતીક્ષા છે જાન્યુઆરી 22 ની. લગભગ સાડા પાંચસો વર્ષના સંઘર્ષ અને ઇંતજાર પછી હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે એક અવસર આવ્યો છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે ત્યારે ચિત્રલેખા.કોમ ના વાચકો માટે આ વિશેષ લેખમાળા… સાત દિવસ માટે.

——————————————————————————————————

રામજીની લીલા ન્યારી એટલા માટે છે કે ત્રેતાયુગમાં એમણે 14 વર્ષનો વનવાસ વેઠ્યા પછી અયોધ્યામાં 11,000 વર્ષ શાસન કર્યું. હવે કળિયુગમાં પાંચસો કરતાં વધુ વર્ષ ઘર વિના રહ્યા પછી રામજી એવા મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, જેનું 2500 વર્ષ ટકી શકે એ પ્રમાણેનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. દેખીતી વાત છે કે માત્ર ભારત જ નહીં, પણ સમગ્ર જગતના હિંદુઓ માટે યુગપ્રવર્તક ગણાય એવી પ્રાણપ્રતિષ્ઠાનો આ અવસર હોવાથી અયોધ્યા નગરીની ધરમૂળથી કાયાપલટ કરવામાં આવી છે. તો ચાલો, જઈએ અવધપુરીની નગરચર્યાએ…

અયોધ્યા જિલ્લામાં સિવિલ લાઈન્સની નિવાસી અને નોઈડાની બીટેક કૉલેજમાં ફાઈનલ વર્ષમાં ભણતી 21 વર્ષી નિહારિકા શર્મા એક વર્ષ પછી, હમણાં નાતાલના વૅકેશનમાં અયોધ્યાના સઆદતગંજ વિસ્તારમાં પહોંચી ત્યારે એનું મોં આશ્ચર્યથી ખુલ્લું જ રહી ગયું.

સઆદતગંજની સાંકડી અને ટ્રાફિકથી ખદબદતી સડક એકદમ પહોળી થઈ ગઈ હતી. બન્ને તરફ ચમકદાર ફૂટપાથે રાહદારીઓને મોકળાશથી ચાલવાની સગવડ આપી હતી. પર્યાપ્ત પ્રકાશ આપતી સ્ટ્રીટ લાઈટ તથા ચોકમાં પ્રણામની મુદ્રામાં મુકાયેલી ત્રીસ ફૂટ ઊંચી પ્રતિમા આ નગરીને એક નવો લુક આપતી હતી. રોમાંચિત થઈને નિહારિકાએ પેલા નવા પૂતળા નીચે ઊભાં રહીને સેલ્ફી લઈ એ ફોટો મિત્રોને મોકલીને પૂછ્યું: બોલો, હું ક્યાં છું?

નિહારિકા હસીને ચિત્રલેખા.કોમ ને કહે છે: ‘મારા એકેય દોસ્ત ન કહી શક્યા કે હું અયોધ્યામાં છું. મેં એમને અયોધ્યાની કાયાપલટની વાત કરી તો બધાએ ઉનાળાના વૅકેશનમાં અયોધ્યા આવવાનું પ્લાનિંગ કરી લીધું.’

રામજન્મભૂમિ સ્થળે નિર્માણાધીન રામમંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરીએ થવાની છે ત્યારે અયોધ્યામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પૂરપાટ ઝડપે થયેલો વિકાસ લોકોને અચંબિત કરી રહ્યો છે. સઆદતગંજના પહોળા થયેલા માર્ગની જ વાત કરીએ તો નયા ઘાટ સુધી જતો આશરે ૧૩ કિલોમીટરનો રામ પથ  નામનો આ રસ્તો માત્ર ૧૦ મહિનામાં તૈયાર થયો છે. આ માર્ગ નવનિર્મિત ધર્મ પથ, ભક્તિ પથ અને રામજન્મભૂમિ પથ સાથે જોડાઈને દર્શનાર્થીઓના પ્રવાસને ન માત્ર સુગમ બનાવી રહ્યો છે, પણ એમને અનેરો સંતોષ આપી રહ્યો છે.

2022માં ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાના આંતરિક રસ્તાના કાયાકલ્પની એક મોટી યોજનાને મંજૂરી આપી હતી. ત્યાર પછી અયોધ્યાના મહાપાલિકા કમિશનર ગૌરવ દયાલ, જિલ્લાધીશ નીતિશ કુમાર, અયોધ્યા વિકાસ પ્રાધિકરણના ઉપાધ્યક્ષ વિશાલસિંહ સાથે અધિકારીઓની ટીમે અયોધ્યાને અત્યાધુનિક ઈન્ફ્રાથી શણગારવાનું કામ માથે લીધું. અયોધ્યાના હોટેલિયર કંવલજિત સિંહ કહે છે: ‘કલાકો સુધી વીજળીની અનુપસ્થિતિ, નાળાંઓની અનિયમિત અને અપૂરતી સફાઈ, રસ્તા પર રખડતાં ઢોરનો ત્રાસ, સડકના નામ પર સિંગલ લેનના ખાડાગ્રસ્ત રસ્તા અને એના પર કાચબાની ગતિથી વહેતો ટ્રાફિક અયોધ્યાની ઓળખ હતાં, પણ ૨૦૧૭ પછી અયોધ્યાના વિકાસે જે તેજી પકડી એ યોગીજી સરકારના અયોધ્યા માટેના આધ્યાત્મિક લગાવને કારણે જ શક્ય બની છે.’

અયોધ્યામાં રામ કી પૈડીથી નયા ઘાટ ચોક સુધી જે ર્જીણોદ્ધાર અને સૌંદર્યીકરણનું કામ થયું એને સુરસમ્રાજ્ઞી લતા મંગેશકરને સમર્પિત કરીને લતા ચોક  નામ આપવામાં આવ્યું. અહીં એક મોટા કદની વીણા સ્થાપિત કરવામાં આવી છે. સપ્ટેમ્બર, ૨૦૨૨માં લોકાર્પણ પામેલો આ ચોક અયોધ્યાનો પહેલો સેલ્ફી પૉઈન્ટ પણ છે. ૩૦ ડિસેમ્બરે અયોધ્યાના ઍરપોર્ટ તથા નવા રેલવેસ્ટેશનના ઉદ્ઘાટન માટે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અહીં સેલ્ફી લીધી હતી. આ રસ્તો સિંગલ લેનમાંથી ફોર લેન બન્યો છે. ૧૩ કિલોમીટર લાંબા રામ પથ તથા બે કિલોમીટર લાંબા ધર્મ પથનું મિલનસ્થળ પણ અહીં જ છે. લખનઉ-ગોરખપુર હાઈ-વે પર સરયૂ નદીની પહેલાં રામ કી પૈડી તરફ જતી સડક હવે ધર્મ પથ  નામે ઓળખાય છે. રસ્તાની બન્ને તરફ પ્રસ્થાપિત સૂર્યસ્તંભ આ પથને ગરિમામયી બનાવે છે. ફૂટપાથની ભીંતો પર રામાયણના પ્રસંગોનાં ચિત્ર છે.

બીજી તરફ, રામ પથને હનુમાન પથ સાથે જોડતો ભક્તિ પથ 14 મીટર પહોળો થઈ ગયો છે. આ માર્ગ પરની ઈમારતો, ભવનોને સિંદૂરી રંગથી સજાવાયાં છે. ભક્તિ પથ એ આ પ્રદેશનો પહેલો વ્હાઈટ ટૉપિંગ રોડ છે. રામ પથ પરની બિરલા ધર્મશાળા  પાસેથી નીકળીને રામજન્મભૂમિ જનારા રસ્તાએ હવે એક કોરિડોરનું સ્વરૂપ લીધું છે. એનું ભવ્ય પ્રવેશદ્વાર નિર્માણના અંતિમ ચરણમાં છે. અહીંથી માત્ર અડધો કિલોમીટર ચાલીને જન્મભૂમિ સુધી પહોંચી જવાશે. ૧૩ કિલોમીટર લાંબા રામ પથની બન્ને તરફની ઈમારતોને હળવા પીળા તથા ક્રીમ રંગે સજાવવામાં આવી છે. આખા રસ્તાને કલરફુલ લાઈટથી સુશોભિત કરવામાં આવ્યો છે.

અયોધ્યાના મહાપાલિકા કમિશનર ગૌરવ દયાલ કહે છે: ‘આશરે 13 કિલોમીટર લાંબી સડકનું નિર્માણ આટલા ઓછા સમયમાં ભારતમાં પહેલી વાર થયું છે. આ કાર્ય માટે અમે આખા માર્ગને અલગ અલગ સેક્ટરમાં વિભાજિત કરીને દરેક માટે જુદા નોડલ અધિકારી નીમ્યા હતા. રાત-દિવસ બધાનું મૉનિટરિંગ કર્યું ત્યારે એને સમયસર પૂરી કરી શક્યા.’

અયોધ્યામાં રામ પથ, ધર્મ પથ, ભક્તિ પથ અને રામજન્મભૂમિ પથને ફસાડ લાઈટિંગ, મ્યુરલ પેન્ટિંગ, વિન્ટેજ વિક્ટોરિયન સોલાર ટેલ લૅમ્પ, આર્ક લૅમ્પ, પેવમેન્ટ, ઈનલૅન્ડ ડ્રેનેજ, કૉન્ક્રીટ લેઆઉટ કેરિયજ તથા ગ્રીનરી ઈનેબલ્ડ ડિવાઈડરથી સજાવવામાં આવ્યા છે. સીસીટીવી સર્વેલન્સથી ટ્રાફિક પર નજર અને નિયંત્રણ રાખવામાં આવે છે. આ માર્ગો બાવીસ જાન્યુઆરી પછી અયોધ્યા જનારા રામભક્તોને જરૂર અચંબિત કરશે.

આ ડેવલપમેન્ટની શરૂઆત ક્યારથી થઈ એના ફ્લૅશ-બૅકમાં જઈએ તો નવેમ્બર, ૨૦૧૯માં રામલલ્લાના હકમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા પછી પાંચ ફેબ્રુઆરી, 2020ના દિવસે કેન્દ્ર સરકારે કોર્ટના આદેશાનુસાર શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની સ્થાપના કરી હતી. પાંચ ઓગસ્ટ, 2020ના દિને વડા પ્રધાને રામમંદિરનો શિલાન્યાસ કર્યો ત્યારે એ 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદના ધ્વંસ પછી નાનકડી દેરી જેવું અસ્થાયી મંદિર બન્યું ત્યાર બાદ રામલલ્લાનાં દર્શને પહોંચનારા પહેલા વડા પ્રધાન બન્યા. વચ્ચેના ગાળામાં મોદીએ ઔર બે વખત અયોધ્યાની મુલાકાત લીધી તો ૩૦ ડિસેમ્બર, 2023ના દિને મોદી ચોથી વાર અયોધ્યા પહોંચ્યા અને હવે બાવીસ જાન્યુઆરીએ પાંચમી વખત પહોંચશે. બીજી તરફ, માર્ચ, 2017માં મુખ્ય પ્રધાન બન્યા પછી ગોરક્ષપીઠના વર્તમાન પીઠાધીશ્ર્વર યોગી આદિત્યનાથે અત્યાર સુધી ૬૦ વાર અયોધ્યાની મુલાકાત લીધી છે, જે દેખીતી રીતે સૌથી વધુ છે. ઑક્ટોબર, 2017માં યોગીજીએ અયોધ્યા જે જિલ્લામાં છે એ ફૈઝાબાદનું નામ પણ બદલીને અયોધ્યા કરી નખાવ્યું હતું.

શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે  આંદોલનના એક પ્રણેતા દિવંગત અશોક સિંઘલની ઈચ્છા અનુસાર મંદિરના બાંધકામનો કૉન્ટ્રેક્ટ લાર્સન ઍન્ડ ટુબ્રો  કંપનીને આપ્યો. મંદિરનિર્માણ માટે 11 કરોડ લોકો પાસેથી 900 કરોડ રૂપિયાનું દાન ઉઘરાવવાનું લક્ષ્ય ટ્રસ્ટે રાખ્યું હતું, પણ 18 કરોડથી વધુ લોકોએ 3200 કરોડથી વધુની નિધિથી રામલલ્લાની તિજોરી છલકાવી દીધી. આ રકમની ફિક્સ્ડ ડિપોઝિટ કરાવવામાં આવી છે. ટ્રસ્ટનો અંદાજ છે કે વર્ષ 2026-2027 સુધી સંપૂર્ણ મંદિર તથા પરિસરમાં બનનારાં વિશ્રામગૃહ, ચિકિત્સાલય, ભોજનશાળા, ગૌશાળા, વગેરેનાં નિર્માણ પછી પણ આ રકમનો અમુક હિસ્સો બચશે.

બીજી તરફ, બાવીસ જાન્યુઆરીનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ સ્થાનિક અર્થવ્યવસ્થા માટે જીવાદોરીનું કામ કરશે. નોંધનીય છે કે ૨૦૨૨માં ભારતના 2.68 કરોડ પર્યટકો તથા ૧૫૧૧ વિદેશી પર્યટકો અયોધ્યા આવ્યા હતા. એવો અંદાજ છે કે મંદિર ખુલ્લું મુકાશે પછી વર્ષે પચ્ચીસ કરોડ શ્રદ્ધાળુ અયોધ્યા જશે. દરેક યાત્રાળુ સરેરાશ 2000 રૂપિયાનો ખર્ચ કરે તો પણ પ્રદેશને 50,000 કરોડ રૂપિયાની આવક થશે. છ વર્ષ પહેલાં યોગીજીએ દિવાળીએ અયોધ્યામાં લાખો દીવડા પ્રગટાવવાનું આયોજન કર્યું ત્યારથી અયોધ્યામાં ટુરિસ્ટની સંખ્યા ઝડપથી વધી છે.

માત્ર રામમંદિર જ નહીં, પણ એની આસપાસ 84 કોસના પરિક્રમા માર્ગના તમામ રહેવાસીને યાત્રાળુઓના ધસારાનો લાભ મળશે. 84 કોસમાં આંબેડકર નગર, બસ્તી, બારાબંકી, ગોંડા તથા અયોધ્યા જિલ્લાનો બાકીનો વિસ્તાર આવે છે.

આવાસ, પરિવહન, ગાઈડ, ભોજનની વ્યવસ્થા માટે માગ વધતાં નાના ઉદ્યમીઓ તથા કૃષિકારોને લાભ થશે. યુપી પર્યટનનીતિ-૨૦૨૨ અન્વયે અયોધ્યામાં હોટેલ તથા રિસોર્ટનાં નિર્માણ માટે બાવીસ પ્રસ્તાવ ઑલરેડી મળી ચૂક્યા છે. હોટેલ રૉયલ હેરિટેજ  તથા રામાયણ  તો બનીને તૈયાર છે. પેઈંગ ગેસ્ટ યોજનામાં ૪૦ રજિસ્ટ્રેશન થયાં છે. ગ્રામીણ વિસ્તારમાં હોમ સ્ટેની સુવિધા ઊભી કરવાના પ્રયાસ ચાલુ છે. પર્યટકોને આકર્ષવા માટે સરયૂ નદીમાં ગુપ્તાર ઘાટથી નયા ઘાટ સુધી ક્રૂઝ પણ શરૂ કરી દેવામાં આવી છે.

કરોડો યાત્રાળુઓની નજરે પડવાના આશયથી મોટી મોટી બ્રાન્ડે સ્થાનિક બજારમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવી છે. પેન્ટાલૂન, ફન અનલિમિટેડ, માર્કેટ ૯૯, ડિશુમ મલ્ટિપ્લેક્સ, ડોમિનોઝ, પિઝા હટના આઉટલેટ ખૂલી ચૂક્યા છે. લૂલૂ હાઈપર માર્કેટનો પ્રસ્તાવ પણ છે. ગયા ફેબ્રુઆરીમાં અયોધ્યામાં આયોજિત ઈન્વેસ્ટર્સ સમિટમાં ૩૩ હજાર કરોડ રૂપિયાના રોકાણના પ્રસ્તાવ મળ્યા હતા. રિયલ એસ્ટેટમાં મોટું ઈન્વેસ્ટમેન્ટ થવાનું છે. ગ્રીન ફીલ્ડ ટાઉનશિપમાં અનેક કંપનીએ રસ દર્શાવ્યો છે. લોઢા ગ્રુપ  મોટે પાયે રોકાણ કરવા માગે છે.

અયોધ્યાનું મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ  ૧૫ જાન્યુઆરીથી કાર્યરત થઈ ગયું છે. અગાઉ અયોધ્યામાં માત્ર ૧૭૮ એકરમાં એક નાની ઍરસ્ટ્રિપ જેવું ઍરપોર્ટ હતું. નવા ઍરપોર્ટમાં ૨૨૦૦ મીટરનો રન-વે છે. હવે પછીના તબક્કામાં રન-વેની લંબાઈ વધારીને ૩૭૦૦ મીટર કરાશે. ઍરપોર્ટના વિસ્તરણ માટે સરકારે ઍરપોર્ટ ઑથોરિટીને ૮૨૧ એકર જમીન સંપાદિત કરીને આપી છે. ટર્મિનલ જ ૫૦,૦૦૦ ચોરસ ફૂટનું હશે.

અયોધ્યા ઍરપોર્ટના મુખ્ય ડિઝાઈનર સ્થપતિ ઍસોસિયેટ્સના સહસંસ્થાપક વિપુલ વાર્ષ્ણેય કહે છે: ‘અમે ઍરપોર્ટ ડિઝાઈન કરવા પહેલાં હનુમાન ગઢીની મુલાકાત લીધી, કેમ કે ત્યાંના શિખરનો રંગ એકદમ જીવંત છે. નાગેશ્ર્વરનાથ મંદિર અને ચતુર્ભુજ મંદિર પણ ગયા, જ્યાંની વાસ્તુકળા મુખ્યત્વે નાગરશૈલીની છે. રામ કી પૈડીમાંથી પણ પ્રેરણા લીધી, જ્યાંનાં પગથિયાં સુંદર છે અને ક્ષિતિજનાં અદ્ભુત દર્શન થાય છે. ટર્મિનલની ડિઝાઈન નાગરશૈલીથી પ્રભાવિત છે તથા અહીં ક્રમિક ઊંચા થતા મંડપોની શૃંખલા છે. મુખ્ય પ્રવેશદ્વાર પર પિત્તળનાં ભવ્ય પગથિયાંવાળું શિખર છે.

૨૪૨ કરોડ રૂપિયાની પરિયોજનામાં ઍરસાઈડ સુવિધા ઉપરાંત ૬૫૦૦ ચોરસ મીટરનું ટર્મિનલ, નવ ચેક-ઈન કાઉન્ટર, ત્રણ કન્વેયર બેલ્ટની સગવડ છે, જે વર્ષે છ લાખ પ્રવાસીઓ માટે પર્યાપ્ત છે. હાલ દિલ્હી-અયોધ્યા ઉપરાંત અમદાવાદ-અયોધ્યાની ફ્લાઈટ આવે છે. આગામી દિવસોમાં અહીં રોજ ચોવીસેક ફ્લાઈટ આવે એવી શક્યતા છે.

અયોધ્યા રેલવેસ્ટેશનને પણ જાજરમાન લુક અપાયો છે. એમાં સ્ટેશનનો ગુંબજ રામના મુગટ પરથી પ્રેરિત છે. દેશનાં તમામ સ્ટેશનોમાં અયોધ્યા ધામ જંક્શન  સ્ટેશન પાસે સૌથી વિશાળ ખુલ્લી જગ્યા છે. ૪૩૦ કરોડના ખર્ચે તૈયાર થયેલું આ સ્ટેશન એક લાખ યાત્રીની ક્ષમતા ધરાવે છે. વિભિન્ન શહેરોથી ૧૦૦૦ ટ્રેન ચલાવવાની યોજના છે.

 

મુખ્ય સમારોહમાં આઠથી દસ હજાર મહેમાનોના ઉપસ્થિત રહેવાની ધારણા છે. શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે  ભારતના તમામ પ્રમુખ સંતો અને પચાસથી વધુ દેશના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રણ મોકલ્યું છે. મુખ્ય અવસર ટાણે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ  પર ૫૦થી વધુ ચાર્ટર્ડ વિમાનોને ઊતરવાની મંજૂરી આપવામાં આવી છે. બાવીસ જાન્યુઆરી સુધી ઉત્તર પ્રદેશ રોડવેઝની બધી બસોની પબ્લિક ઍડ્રેસ સિસ્ટમમાં રામભજન પ્રસારિત કરાશે. રામમંદિર સુધી જવા માટે ૧૦૦ ઈ-બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બસના રંગ એના રૂટ પ્રમાણે જુદા રહેશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ  (આરએસએસ) તથા વિશ્ર્વ હિંદુ પરિષદ  (વીએચપી)એ આ પ્રસંગે ૨૦૦ જેટલાં મંદિર-મઠોમાં બપોરે ૧૧થી ત્રણ વચ્ચે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. વડા પ્રધાને ૧૪ જાન્યુઆરીથી જ દેશભરના લોકોને ઉત્સવ મનાવવાની અપીલ કરી, એના અનુસંધાનમાં વિશ્ર્વ હિંદુ પરિષદે  બાવીસ જાન્યુઆરીએ દેશના દરેક નાગરિકને પોતપોતાના ઘરમાં પાંચ-પાંચ દીવડા પ્રગટાવવાનો આગ્રહ કર્યો છે. આ માટે વિશ્ર્વ હિંદુ પરિષદના કાર્યક્રરોએ પાંચ લાખ ગામમાં પ્રચાર કર્યો છે. ઉત્તર પ્રદેશ પર્યટન વિભાગ તો ૧૪ જાન્યુઆરીથી જ અયોધ્યામાં વિભિન્ન સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યો છે. ૭૦ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં દેશભરમાંથી શાસ્ત્રીય સંગીત, ગાયકી, વાદ્યકલાકારોને તેડાવવામાં આવી રહ્યા છે.

આ સમારોહ દરમિયાન દેશમાં પહેલી વાર ઉત્તર પ્રદેશ પોલીસ અત્યાધુનિક ઍન્ટિ-ડ્રોન ટેક્ધોલૉજીનો પ્રયોગ કરવાની છે. એ ઉપરાંત, કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની છ કંપની અને ઉત્તર પ્રદેશ વિશેષ સુરક્ષાબળની નવ કંપની તથા હોમગાર્ડ અને અગ્નિશમન યુનિટ સહિત અનેક સરકારી એજન્સીના કર્મચારી મોટી સંખ્યામાં ઉપસ્થિત હશે.

——————————————————————————————————

દિવ્યતમ હશે પ્રાણપ્રતિષ્ઠા

અયોધ્યાના નવનિર્મિત રામમંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાની મુખ્ય વિધિ બાવીસ જાન્યુઆરીએ પાર પડવાની હોય તો પણ એનાં આનુષંગિક અનુષ્ઠાનો ૧૬ જાન્યુઆરીથી મંદિર ટ્રસ્ટના યજમાનની પ્રાયશ્ર્ચિત્ત વિધિથી શરૂ થઈ જશે. બાવીસ જાન્યુઆરીએ મૃગશીર્ષ નક્ષત્રમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા સાથે આખો કાર્યક્રમ સંપ્ન્ન થશે. પ્રતિદિન અલગ અલગ પ્રકારનાં શાસ્ત્રોક્ત પૂજન થશે. મુખ્ય અનુષ્ઠાન વખતે રામલલ્લાની મૂર્તિ પર નેપાળ તથા ભારતની પવિત્ર નદી-કુંડોમાંથી લાવેલાં જળ વડે અભિષેક થશે. તમામ સ્થળેથી તાંબાના પાત્રમાં ૨૦૦ મિલીલિટર જળ લાવવામાં આવ્યું છે. પ્રાણપ્રતિષ્ઠા સમારોહ દુનિયાભરમાં લાઈવ જોઈ શકાશે.

આ પ્રાણપ્રતિષ્ઠા સમારોહના માધ્યમથી ભાજપ, આરએસએસ  તથા વિશ્ર્વ હિંદુ પરિષદ  અને બજરંગ દળે  ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અગાઉ ક્ષેત્રીય સમીકરણોને દુરસ્ત કરવાની નેમ રાખી છે. આ યોજનાના ભાગ રૂપે અક્ષત વિતરણના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનો આરંભ અયોધ્યાની દલિત બસ્તીથી કરવામાં આવ્યો. ૩૦ ડિસેમ્બરે વડા પ્રધાન અયોધ્યા આવ્યા એ પહેલાં અયોધ્યા ઍરપોર્ટનું નામકરણ મહર્ષિ વાલ્મિકીના નામ પર કરવામાં આવ્યું. એ લોકાર્પણ વખતે મોદીજીએ આપેલા પ્રવચન દ્વારા વાલ્મિકીના માધ્યમથી દલિત સમાજને સંદેશો આપવામાં આવ્યો. મોદીજીએ નિષાદ જ્ઞાતિના રવીન્દ્ર માંઝીના ઘરે જઈને એમને સ્વહસ્તે પ્રાણપ્રતિષ્ઠાની આમંત્રણપત્રિકા આપી. યજમાનોએ આમંત્રિત અતિથિની યાદીમાં તમામ જાતિ-ધર્મના લોકોને સ્થાન આપવાની કવાયત બહુ જહેમતથી કરી છે.

– અર્ચના મિશ્રા (અયોધ્યા)

તસવીરો: મનીષ અગ્નિહોત્રી – પીટીઆઈ