વિશ્વભરમાં 21 ફેબ્રુઆરીએ ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવાનો મુખ્ય ઉદ્દેશ વિશ્વભરમાં પોતાની ભાષા-સંસ્કૃતિ પ્રત્યે લોકોમાં જાગરુકતા લાવવાનો છે. ત્યારે વાત કરીએ ‘મુંબઈ ગુજરાતી સંગઠન’ અને એના સ્થાપકની.
ગુજરાતમાં તો ગુજરાતી ભાષાને ધબકતી રાખવાના અનેક પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ મહારાષ્ટ્રમાં પણ ગુજરાતી ભાષાને જીવંત રાખવાના પ્રયત્ન એક સંસ્થા દ્ધારા કરવામાં આવે છે. દર વર્ષે જુદી-જુદી થીમ ધારિત માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ‘નવી પેઢીને આપણા સંસ્કાર, સંસક્તિ અને સનાતન ધરોહર’ જેવા ભજનોત્સવ પર રાખવામાં આવી છે. ત્યારે આખરે કેમ મુંબઈ ગુજરાતી સંગઠનની સ્થાપના કરવી અનિવાર્ય બની એ વાત રસપ્રદ છે.
..અને મુંબઈ ગુજરાતી સંગઠનનો જન્મ થયો
2011-12માં વિદ્યાર્થિઓના અભાવનું કારણ દર્શાવી મુંબઈની એક જાણીતી ગુજરાતી શાળાને તાળા માળવાનો નિર્ણય કરવામાં આવ્યો. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થિઓના માતૃભાષાપ્રેમી વાલીઓએ શાળા બંધ થવાનાં કારણોનું નિરાકરણ કરવાનાં પૂરતા પ્રયત્નો કર્યા, જરૂરી વિદ્યાર્થીઓની સંખ્યા પણ કરી આપી, છતાં, શાળા બંધ કરવામાં આવી. આ વાતનું દુઃખ વાલીઓને થયું એમણે શહેરની એવી ગુજરાતી શાળાઓ માટે કાર્ય કરવાનું નક્કી કર્યું, જેમના સંચાલક-શિક્ષકો પણ શાળાને આગળ વધારવા કટિબદ્ધ હોય. આ નિષ્યમાંથી જ મુંબઈ ગુજરાતી સંગઠનનો જન્મ થયો. આજે તો સંગઠનને 15 વર્ષ થઈ ગયા છે. હવે તો એ ફક્ત મુંબઈ જ નહિ પણ મુંબઈ બહાર થાણા, નાસિક, પૂના, સાંગલી, દહાણુ, કલ્યાણ, વસઈ-વિરારની 73 શાળાઓ સાથે માતૃભાષાના ઉત્કર્ષ માટે કટિબધ્ધ રીતે જોડાયેલી છે.
સંસ્કૃતિ, સભ્યતા, સંસ્કાર જળવાઈ રહે એ સંકલ્પ
આ વિશે વાત કરતા ભાવેશ મહેતા ચિત્રલેખા.કોમને કહે છે, આ સંસ્થા અંગ્રેજી ભાષાની વિરોધી નથી, પણ આ સંસ્થા માતૃભાષાના શિક્ષણ દ્વારા જ સારામાં સારુ અંગ્રેજી માતૃભાષાના શિક્ષણદ્વારા શીખવવામાં માને છે. આપણી સંસ્કૃતિ, સભ્યતા, સંસ્કાર જળવાઈ રહે એવો આ સંસ્થાનો સંકલ્પ છે. સાથે જ આપણી માતૃભાષા, આપણી જવાબદારી આ સૂત્રને લોકોના હૃદયમાં ગૂંજતું કરવા સહુનો સહયોગ મેળે એ પણ જરૂરી છે. તો એ વાત યાદ રાખવી પણ અનિવાર્ય છે કે ” માતૃભાષા નું માધ્યમ, અંગ્રેજી ઉત્તમ, શિક્ષણ સર્વોત્તમ”
મુખ્ય હેતુ
માતૃભાષાની શાળાઓના પ્રચાર-પ્રસાર માટે કાર્યો કરવાં. (બેનર વિતરણ, વાલીસભા, અખબારી લેખો વગેરે દ્વારા.) શાળાના બાળમંદિરોને સક્ષમ બનાવવા, એનો પ્રચાર-પ્રસાર કરવા ને લોકોનો સાથ મેળવવા સામાજિક-શૈક્ષણિક પ્રયાસ કરવા. વિદ્યાર્થીઓને જરૂર હોય ત્યાં શૈક્ષણિક મદદ કરવી. ગણવેશ આપવો, અંગ્રેજી સ્પીકિંગ માટેના નિઃશુલ્ક વર્ગો આયોજિત કરી આપવા. ફી માટે મદદ કરવી વગેરે.
આ ઉપરાંત દૂરના વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ માટે શાળા સુધી મૂકવા-લેવા બસસુવિધા કરી આપવી. બાળકોની પ્રતિભાનો વિકાસ થાય એ માટે વિવિધ સ્પર્ધા આયોજિત કરવી. શાળા આધુનિકતા સાથે બાથ ભીડી શકે એટલે કમ્પ્યુટર-પ્રોજેક્ટર જેવા અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવવામાં મદદ કરવી.
સારાં પરિણામ લાવતાં વિદ્યાર્થીઓ તેમ જ સારું શૈક્ષણિક પ્રદર્શન કરતી શાળાઓને સમ્માનિત કરી પ્રોત્સાહન આપવું. માતૃભાષાના શાળાઓ માટે જનજાગૃતિ ઝૂંબેશ ચલાવવા વાલીસભાઓ યોજવી. ગુજરાતી શાળાના વાલીઓને પ્રોત્સાહિત કરવા તેમ જ અંગ્રેજી શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને માતૃભાષાના માધ્યમનું મહત્વ સમજાવવા વાલીસભા-ચર્ચાસભા કરવી.
ઉક્ત હેતુ માટે જ વિવિધ શાળાઓના સંચાલકગણ, ટ્રસ્ટીગણ તેમ જ શિક્ષકગણ સાથે મળી, સહુનો સહયોગ મેળવી કાર્ય અગાળ વધારવા પ્રયાસરત થવું. આમ વિવિધ પ્રયાસો દ્વારા આ સંગઠન માતૃભાષામાં શિક્ષણની આવશ્યકતાને વિશે સમાજને જાગૃતિ અપાવી, એ માટે આગળ આવવા પ્રોત્સાહિત કરે છે.