એક ભાષાપ્રેમી દંપતિનો વાર્તામેળો

(કેતન ત્રિવેદી)

માહિતી વિસ્ફોટના આજના સમયમાં ચારેબાજુ ઊભરાતી માહિતીમાં માણસ એટલો બધો અટવાઈ ગયો છે કે મૌલિક વિચારવાનું તેણે ઓછું કરી નાખ્યું છે અને મૌલિક લખવાનું તો લગભગ બંધ થઈ ગયું છે. સાહિત્ય લખનારા અને વાંચનારા બન્નેની સંખ્યા ઘટી રહી હોય એવું સતત લાગ્યા કરે છે.

આવા સમયમાં જો બાળકને નાનપણથી પોતાના વિચારો પોતાના શબ્દોમાં પ્રગટ કરવા પ્રોત્સાહિત નહીં કરીએ તો મોટો થતાં તે જાતે વિચારવાની ક્ષમતા ગુમાવી બેસશે. એક વિચારવિહીન સમાજની કલ્પના કેટલી ભયજનક છે? અંગ્રેજી સિવાયની માતૃભાષાના બાળકો આમાં વધુ પરેશાન થાય છે. તેઓ શુદ્ધ અંગ્રેજી બોલવામાં તો કાચા પડે જ છે, પણ સાથે સાથે માતૃભાષા ઉપરની તેમની હથોટી ય ગુમાવી બેસે છે.

આવી પરિસ્થિતિમાં બાળકોને મૌલિક અને રચનાત્મક લેખન તરફ દોરી જવા માટે વાર્તાલેખન સ્પર્ધા યોજવાનો વિચાર અમદાવાદમાં રહેતા ભાષા-સાહિત્યપ્રેમી કપલ દર્શા અને રાજેશ કિકાણીને આવ્યો. ૨૦૧૭માં કોર્પોરેટ કામમાંથી નિવૃત્ત થઈ સામાજિક જવાબદારી નિભાવતા દર્શાબહેન અને એમના પતિ રાજેશભાઇએ આ કાર્યના માતૃભાષાના ઋણ તરીકે સ્વીકારીને એક અનોખી શરૂઆત કરી. એ શરૂઆત એટલે વાર્તામેળો સ્પર્ધા. ગાંઠનું ગોપીચંદન કરીને એટલે કે ખુદના રીટાયરમેન્ટ ફંડમાંથી દર વર્ષે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે યોજાતી આ વાર્તા સ્પર્ધાએ હમણાં જ પાંચ વર્ષ પૂરા કર્યા છે. ફક્ત પાંચ જ વર્ષમાં આ સ્પર્ધા વાર્તામેળો એક બ્રાન્ડનેમ બની ઊભરી આવી છે!

દર્શાબહેન કહે છે એમ, પહેલા વર્ષે સમસ્ત ગુજરાતના ૨૨ જિલ્લાઓમાંથી અને મુંબઈથી એમ થઈ લગભગ ૧૦૦થી પણ  વધુ  શાળાઓમાંથી પ્રાથમિક ચકાસણી બાદ ૧૩૭૫ વાર્તાઓ એમને મળી. લગભગ દરેક શાળાએ પ્રાથમિક સ્તરે સ્પર્ધા કરી ચુનંદા વાર્તાઓ જ આ સ્પર્ધા માટે મોકલી હતી એટલે ખરેખર તો આ સ્પર્ધા ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ બાળકોની હતી. આટલા વિશાળ ફલક પર બાળકો માટે વાર્તા-લેખનની સ્પર્ધા કદાચ પ્રથમ વાર યોજાઈ.

બીજા વર્ષે એમણે હાસ્ય-વાર્તાની સ્પર્ધા રાખી જે બાળકોને અઘરી પડી. વાર્તાઓની સંખ્યા ઘટીને ૫૦૦ ની આસપાસ થઇ ગઈ.  દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ સ્પર્ધામાં સામેલ કર્યા. ત્રીજા વર્ષે શિક્ષકોને પણ સ્પર્ધામાં સામેલ કર્યા. વિદ્યાર્થીઓ સુધી પહોંચવા શિક્ષકો શ્રેષ્ઠ માધ્યમ છે એવા વિચાર સાથે! વાર્તાની સંખ્યા ૧૨૫૦ થી પણ વધુ થઈ. એવી જ રીતે ચોથા વર્ષે વિદ્યાર્થીઓ અને  શિક્ષકો મળી ૧૭૦૦ની આસપાસ વાર્તાઓ મળી.

જેમ જેમ વાત આગળ વધતી ગઇ એમ વાર્તાની સંખ્યા સાથે તેની ગુણવત્તા પણ સુધરતી ગઈ. સમાજનો  લબ્ધપ્રતિષ્ઠ વર્ગ પણ આમાં જોડાતો ગયો. દર્શાબહેન અને રાજેસભાઇના મિત્રો પણ પ્રેમથી આર્થિક સહાય કરવા લાગ્યા, સામાજિક જવાબદારી ગણીને.

સ્પર્ધાની વિગતો ગુજરાતભરમાં અનેક શાળાઓ સુધી માત્ર અને માત્ર વ્હોટ્સએપ અને ફેસબુક જેવા માધ્યમોથી પહોંચાડી. સાહિત્ય માટે કામ કરતી ઘણી જાણીતી ગુજરાતી વેબસાઇટ્સે પણ વાતના પ્રચાર-પ્રસારમાં મદદ કરી. જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસોમાંથી પૂરો સપોર્ટ મળ્યો જેથી આ સ્પર્ધાને ઘણી ગતિ મળી.

આ વખતે પાંચમા વર્ષે, કોરોનાના સમયમાં પણ સ્પર્ધા ચાલુ રહી અને કુલ લગભગ ૬૫૦ વાર્તાઓ મળી. એમાંથી એક નવો વિચાર પણ આવ્યો, આ હસ્તલિખિત વાર્તાને સંગ્રહિત કરવાનો.

બે વર્ષની લગભગ ૨૦૦૦ થી વધુ વાર્તાઓ અને ૧૨૫૯૦ પૃષ્ઠો સાથે ૨૫.૫ કી.ગ્રા.ના  હસ્તલિખિત વાર્તાના પુસ્તકનું સંપાદન  ‘વાર્તામેળો’ ના પ્રણેતા દર્શા-રાજેશ કિકાણીએ કર્યું. પુસ્તકે એક અનોખો વર્લ્ડ રેકોર્ડ રચ્યો. World Records India તરફથી તેમને આ પુસ્તક માટે સર્ટીફીકેટ અને ચંદ્રક આપી સમ્માનિત કરવામાં આવ્યાં. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રકાશ ન. શાહ અને જાણીતા કેળવણીકાર મનસુખ સલ્લાની વિશેષ ઉપસ્થિતિમાં આ વખતની સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીએ-શિક્ષકોને ઇનામ-પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા અને આ હસ્તલિખિત ગ્રંથનું અનાવરણ પણ કરવામાં આવ્યું.

દર્શાબહેન કહે છે કે, છેલ્લાં પાંચ વર્ષથી દર વર્ષે ઇનામી વાર્તાઓ “વાર્તામેળો” પુસ્તક તરીકે પ્રકાશિત થાય છે એના થોડાં તારણો જાઇએ તો, દીકરીઓ વાર્તા-સ્પર્ધામાં મેદાન મારી જાય છે! ભાષા પર તેમનો કાબૂ વધુ સારો છે. અંગ્રેજી માધ્યમની શાળાઓમાંથી ગુજરાતીમાં વિજેતા વાર્તાઓ આવે છે. સારી શાળાઓમાં આને પ્રોજેક્ટ તરીકે પ્રમોટ કરી બાળકોને નવું લખવા પ્રેરવામાં આવે છે.

એક તરફ માતૃભાષાને બચાવવાની બૂમરાણ મચી છે, નવી પેઠી વાંચનના બદલે મોબાઇલમાં જ સમય પસાર કરે છે એવી ફરિયાદો વધી રહી છે એવા સંજોગોમાં દર્શા-રાજેશ કિકાણીએ વાર્તામેળો દ્વારા એક આવકાર્ય પહેલ તો ચોક્કસ કરી જ છે.