‘વર્લ્ડ વોટર ડે’ દર વર્ષે માર્ચ મહિનાની 22મી તારીખે ઉજવાય છે. આ દિવસ ઉજવવાનો આશય છે પૃથ્વી ઉપર ઉપલબ્ધ સ્વચ્છ પાણીના સ્ત્રોતોની જાળવણી તેમજ પાણીના બચાવ અંગે વધુથી વધુ લોકોને જાગૃત કરવા. તેમજ સમજાવવું કે માનવ જીવન માટે પાણીનું કેટલું મહત્વ છે? પાણીનું યોગદાન ફક્ત તરસ છીપાવવા કે આરોગ્ય પૂરતું જ સીમિત નથી. પરંતુ નોકરીઓ ઉભી કરવાથી માંડીને દેશના આર્થિક, સામાજિક વિકાસ તથા માનવજાતના વિકાસ માટે પણ અતિ મહત્વનું છે.
આ વર્ષે આપણે 26મો ‘વર્લ્ડ વોટર ડે’ ઉજવી રહ્યાં છીએ. વોટર ડે મનાવવાની શરૂઆત 1993માં યુનાયટેડ નેશન્સની જનરલ એસેમ્બલીથી થઈ. વર્લ્ડ વોટર ડેવલોપમેન્ટ કમિટી, યુનેસ્કોની વર્લ્ડ વોટર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ કમિટીના સંયુક્ત ઉપક્રમે પાણી વિષયક વૈશ્વિક નીતિઓ ઘડે છે. તે અનુસાર વોટર ડે માટેની થીમ નક્કી થાય છે.
2019 માટેની થીમ છે ‘Leaving no one behind’ એટલે કે, પાણી અતિ આવશ્યક જીવન જરૂરિયાત છે. સ્વચ્છ પાણી મેળવવું એ સહુનો હક છે અને એનાથી કોઈ પણ વ્યક્તિ વંચિત ના રહે.
httpss://twitter.com/i/status/1109063032418656257
કુદરતે આપણને માનવ જાત માટે તમામ સગવડોનું ચક્ર ગોઠવી આપ્યું છે. ખોરાક, પાણી, ખનિજ તેમજ રહેવા યોગ્ય વાતાવરણ કે જેમાં સમયસર ઋતુઓનું આગમન થાય છે. એ માટે આપણે કુદરત કે ભગવાનનો આભાર તો નથી માનતા! પણ, આપણને મળેલા આ તમામ અદ્ભૂત કુદરતી વારસાને ટકાવી રાખવાની દરકાર સુદ્ધાં નથી કરતા.
માનવ વસતિ વધતી જાય છે. વસતિ વિકાસને લીધે જમીન તેમજ જંગલો ઘટી રહ્યાં છે. ઘર તેમજ ઔદ્યોગિક એકમોમાં પાણીનો વપરાશ વધી ગયો છે. જેના કારણે પાણીની તંગીનો સામનો આજે સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. જંગલો ઘટવાને કારણે ઋતુઓમાં બદલાવ આવી રહ્યો છે. વર્ષાઋતુમાં વરસાદ નથી આવતો. તો શિયાળામાં શીતળતા નથી હોતી.
નૅશનલ ઇન્સ્ટિટ્યુશન ફૉર ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા (નીતિ) આયોગના અહેવાલ મુજબ ભારત પણ અત્યારના દિવસોમાં ભયાનક જળસંકટનો સામનો કરી રહ્યું છે. આપણા મહાન વૈજ્ઞાનિક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ પણ એક ગર્ભિત ચેતવણી આપી ગયા છે કે, ‘વિશ્વમાં આગામી યુદ્ધો પાણી માટે લડાશે.’ તેમના આ કથનનો સ્પષ્ટ અર્થ છે ભવિષ્યમાં સમગ્ર વિશ્વ જળસંકટનો સામનો કરશે.
આપણને કુદરતી રીતે પ્રાપ્ત થતું શુદ્ધ જળ ક્યાંથી આવે છે. કેટલા વર્ષો સુધી આપણને એ પ્રાપ્ય થશે. એનો આપણે કોઈએ વિચાર કર્યો છે? આપણી પૃથ્વી ઉપર પીવાલાયક શુદ્ધ પાણીનું પ્રમાણ ફક્ત 3% જ છે. જેમાંથી આપણને પૃથ્વી ઉપર કુલ પાણીમાંથી 2.5% થી 2.75% તાજું તેમજ ચોખ્ખું પાણી મળે છે. એમાંનું 1.75% – 2% હિમક્ષેત્રમાંથી આવે છે જે બરફ અને સ્નો રૂપે જામેલું છે. 0.5–0.75% ધરતીની ઉપર તેમજ ભેજવાળી ધરતીમાં સમાયેલું છે. બાકીનું 0.01% જેટલું પાણી નદી, તળાવ, સરોવર તેમજ કળણ (ભેજવાળી પોચી જમીન કે જે જંગલોમાં જોવા મળે છે.)માંથી પ્રાપ્ત થાય છે.
વરસાદનું પાણી તો આજના શહેરીકરણમાં ફુટપાથ તેમજ સિમેન્ટના રસ્તાઓને લીધે જમીનમાં ઊંડે સુધી ઉતરતું નથી. ગામડાંઓમાં તો પાણી રસ્તાઓ પરથી સીધું નદી તેમજ તળાવોમાં જાય છે. પણ વરસાદની ઋતુ જતાંવેત આ પાણી સૂકાઈ જાય છે. કહેવાય છે કે ઠાલાં બેઠાં ખાઈએ તો કુબેરજીનો ભંડાર પણ ખૂટી જાય છે. એટલે જરૂર છે આ વરસાદી પાણી સાચવવાની!
એક ઉપાય તરીકે, પાણીની અછતને પહોંચી વળવા માટે વરસાદના પાણીનો સંગ્રહ કરી શકાય છે. જો કે આ વાતને લઈને દુનિયાભરમાં ‘Rainwater harvesting’ ઉપર ભાર મૂકાઈ રહ્યો છે. પણ આ વાતનો પ્રસાર જેવો જોઈએ તેવો નથી થઈ રહ્યો. જેમ બને તેમ વધુ લોકોએ આ બાબતે સજાગ થઈ જવું જોઈએ અને બને તેટલો વધુ પાણીના બચાવ તેમજ સંગ્રહ માટેનો વિચાર કરવો જોઈએ.
આપણા ભારતીય પ્રાચીન ગ્રંથોમાં વરસાદના પાણીના સંગ્રહ તેમજ જાળવણી કરવાની પદ્ધતિનો ઉલ્લેખ છે. આ જ પદ્ધતિનો સુપેરે અમલ પ્રાચીન ભારતીય સભ્યતામાં જોવા મળે છે. એનું ઉત્તમ ઉદાહરણ મોહેન્જોદરો તેમજ હડપ્પાની પાણીની પાઈપ લાઈન તેમજ ડ્રેનેજ પદ્ધતિમાં જોવા મળ્યું છે. જે 5,000 વર્ષ અગાઉ પણ અતિ અદ્યતન હતું. એ ટેક્નિક પુરવાર કરતું શહેર છે ઢોલાવીરા! જે મુખ્યત્વે રણપ્રદેશ છે.
બીજું ઉદાહરણ આપણા પ્રાચીન કિલ્લાઓમાં જોવા મળે છે. કિલ્લાઓ ઊંચાઈ ઉપર આવેલાં હોવા છતાં, ત્યાં ઉપર કૂવા, પાણીના ટાંકા તેમજ તળાવ બનેલા જોવા મળે છે. અને આ રીતે પાણી માટેની સુંદર વ્યવસ્થા જોવા મળે છે. આપણા પૂર્વજોનું આ તકનિકી કૌશલ્ય આપણે પણ શીખવા જેવું છે.
પ્રાચીન સમયના પશ્ચિમી રાજસ્થાનમાં પણ દરેક ઘરની છત ઉપરથી પાણી સીધું જમીનની અંદર બનાવેલી પાણીની ટાંકીમાં જાય એવી વ્યવસ્થા હતી. મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં, કર્નાટકાની ગોલકુંડા અને બીજાપુરમાં તેમજ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જીલ્લામાં તો જમીનની અંદર સુરંગોમાંથી માટીના પાઈપો દ્વારા શહેરના દરેક સ્થળે પાણી પહોંચાડવાની અદ્ભુત વ્યવસ્થા હજુ પણ છે.
હવે જો કે આજના ટાઉનપ્લાનરો ઘણાં ઠેકાણે આવી વ્યવસ્થા સાથે નવા બાંધકામો બાંધી રહ્યાં છે. તેમજ આ બાબતે લોકોને જાગૃત પણ કરી રહ્યાં છે. પણ જનજાગૃતિ જોઈએ તેટલી નથી.