પુસ્તકના ઢગલા, સિગારેટનાં પેેકેટ ને અમાપ ઊંડાણ…

સોમવારે ૨૩ ડિસેમ્બર, સોમવારે શ્યામ બેનેગલનું 90 વર્ષની વયે અવસાન થયું. ચવાઈ ને ચુથ્થો થઈ ગયેલું વાક્ય વાપરીને કહીએ તો, ‘હિંદી સિનેમામાં એક યુગનો અંત આવ્યો.’ સોમવારથી આજ સુધી દેશ-દુનિયાનાં છાપાં, મેગેઝિનો, વેબપોર્ટલે એમના વિશે કહેવા જેવું બધું જ કહી દીધું છે. આથી આપણે શ્યામ બાબુ વિશે આ બધી વાત નથી કરવીઃ એમણે કેવી ને કેટલી ફિલ્મો, ટીવીસિરીઝ બનાવી? કે એમને કયા ને કેટલા પારિતોષિકોથી સમ્માનિત કરવામાં આવ્યા? કે કેવી રીતે એમણે ‘ગુજરાત મિલ્ક માર્કેટિંગ કો ઑપરેટિવ ફેડરેશન’ના ખેડૂતસભ્યોના બે-પાંચ રૂપિયાના ફંડફાળામાંથી, ટાંચા બજેટમાં ‘મંથન’ બનાવી…

ના, આ બધા વિશે વાત નથી કરવી. વાત કરવી છે એમની નસનસમાં વહેતા જન્મભૂમિના જોડાણ વિશે, એમની આરંભની ફિલ્મનાં કથાવસ્તુ વિશે અને એમના અખૂટ પ્રેરણાસ્રોત વિશે.

આંધ્ર પ્રદેશના સિકંદરાબાદ નજીક આવેલા અલવલ નગરમાં ૧૯૩૪માં જન્મેલા શ્યામ બાબુ રાજ્ય કક્ષાના સાઈકલિંગ ચેમ્પિયન હતા, અલવલથી ‘નિઝામ કોલેજ’ સાઈકલ પર જતા. સ્ટેટ સ્વિમિંગ એ બાબુ અલવલના કૂવામાં છલંગ લગાવતા ને તરતા, નગરના મેદાન પર ક્રિકેટ રમતા. અલવલમાં એમના પિતાનો ફોટો સ્ટુડિયો હતો.

કોલેજમાં ભણતાં ભણતાં એ મેગેઝિન ‘કોલેજિયન’નું સંપાદન પણ કરતા. ૧૯૫૮માં ગ્રેજ્યુએટ થઈને ફિલ્મ ક્ષેત્રે ઝંડા ફરકાવવા એ મુંબઈ આવ્યા ત્યારે પિતાએ આપેલો કેમેરા અને થોડું પરચૂરણ એ સિવાય કોઈ મૂડી હતી નહીં. થોડો સમય કઝિન ગુરુ દત્તને ત્યાં રહ્યા, મિત્રના ભાઈના રેલવે પાસ પર મુંબઈની લોકલ ટ્રેનમાં ધક્કા ખાતા પ્રવાસ કરતા. થોડા સમય બાદ એમને ટ્રેઈની તરીકે સાઉથ મુંબઈમાં આવેલી ‘બ્લેઝ ઍડ્વર્ટાઈઝિંગ એજન્સી’માં નોકરી મળી. તે પછી જગવિખ્યાત ‘લિન્ટાસ’ એડ એજન્સી, જે માટે એમણે ‘ડાલડા’ ઘી ને ડિલ ચોળવાના સાબુ ‘રેક્સોના’ જેવી પ્રોડક્ટ માટે એડ બનાવી. એમની પહેલી ડોક્યુમેન્ટરી ગુજરાતીમાં, ‘ઘેર બેઠાં ગંગા’ હતી. તે પછી આવી ફુલ લેન્ગ્થ ફિલ્મો.

શ્યામ બાબુ એક નંબરના વાંચોડી હતા. એ પ્રવાસ કરતા ત્યારે સુટકેસમાં કપડાં ઓછાં ને પુસ્તકો ઝાઝાં રહેતાં. સાથે સિગારેટનાં પેકેટ અને વિચારોથી ફાટ ફાટ થતી ખોપડીમાં હવે પછીની ફિલ્મ શેની પર હશે એનું વિઝન. મુંબઈના તારદેવ વિસ્તારમાં આવેલી એમની ઓફિસમાં હું પહેલી વાર ગયેલો ત્યારે ત્યાં પુસ્તકોનું કલેક્શન જોઈને આભો બની ગયેલો. મજાકમાં મેં એમને કહેલું, ‘મારે તમારી ઓફિસમાં ચોરી કરવી છે.’ સાંભળીને ખડખડાટ હસી પડેલા શ્યામ બાબુ.

એમની અનેક ફિલ્મો છાપાંના સમાચારોમાંથી આકાર લેતી. સમાચાર વાંચી, એનું કટિંગ લઈને એ સ્વ. વિજય તેંડુલકર જેવા લેખકો સાથે બેઠક જમાવતા. એમની આગળ કટિંગ ધરીને શું આના પરથી સશક્ત વાર્તા લખાય? એની ચર્ચા કરતા.

શ્યામ બેનેગલે અલવલ છોડ્યું, પણ હૈદરાબાદ અને અલવલે એમને ક્યારેય છોડ્યા નહીં. એમની આરંભની ફિલ્મો પણ હૈદરાબાદ તથા આસપાસનાં ગામડામાં બની. જેમ કે ‘અંકુર’ એમણે શૂટ કરી યેલ્લારેડ્ડીગુડામાં. આ ફિલ્મ સૂર્યમ્ નામના એમના મિત્રના જીવન પર આધારિત હતી. ‘નિશાંત’ એમણે શૂટ કરી ગુંડલપોચમપલ્લીમાં. એ પણ સત્ય ઘટના આધારિત હતી. ગ્રામ વિસ્તારમાં આડેધડ થયેલા ઈન્ડસ્ટ્રિયલાઈઝેશન પર આધારિત ‘સુસ્મન’ પોચમપલ્લીમાં શૂટ કરી. અહીંના વણકરોની વ્યથાકથા એમાં વણી લેવામાં આવેલી.

હૈદરાબાદ, અહીંનાં ગામડાં સાથે એમનું અટેચમેન્ટ ગજબનું હતું. આરંભની ફિલ્મ ઉપરાંત ‘બઝાર’ ફિલ્મમાં એમણે તેલંગણાના મેડકમાંથી આવતા ઉર્દૂ શાયર મખદૂમ મોહિઉદ્દીનની ગઝલ (“ફિર છિડી રાત, બાત ફૂલોં કી”) ઈસ્મેતાલ કરી, જેને સ્વર આપ્યો મૂળ હૈદરાબાદના તલત અઝીઝે. ૨૦૦૯માં આવેલી ‘વેલડન અબ્બા’ની પ્રેરણા હતી જીલાની બાનોની વાર્તા ‘નરસૈયાં કી બાવડી’ (નરસૈયાંનો કૂવો). મૂળ ઉત્તર પ્રદેશના બદાયુંનાં જિલાની બાનો હૈદરાબાદમાં વસી ગયેલાં.

એ માત્ર ફિલ્મો નહોતા બનાવતા, પણ પ્રેક્ષકનાં દિલદિમાગમાં સમાજમાં અસમાનતા, શોષણ તથા અસ્તિત્વની ઓળખ વિશે ચર્ચા જન્માવતા. થિએટરની બહાર નીકળ્યા પછી પણ પ્રેક્ષકના દિમાગમાં ફિલ્મ, ફિલ્મનાં પાત્રો રમ્યા કરતાં. સર્જક તરીકે આ એમની મોટી સિદ્ધિ.

શ્યામ બાબુ અનેકોના ગુરુ અને માર્ગદર્શક રહ્યા. પુણેની પ્રતિષ્ઠિત ‘ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા’ (‘એફટીઆઈઆઈ’)માં એમણે ચિત્રપટ-સર્જનના પાઠ ભણાવ્યા, બે વાર એના ચેરમેન રહ્યા, શબાના આઝમી અને સ્મિતા પાટીલ અને ઓમ પુરી અને નસીરુદ્દીન શાહ જેવી પ્રતિભાને આપણી સામે મૂકી આપી.

આવી બહુમુખી પ્રતિભા, સ્વભાવે વિનમ્ર અને જન્મભૂમિ સાથેની નાળ અંત સુધી અકબંધ રાખનારા, અતુલનીય સર્જકને છેલ્લા રામ રામ.