નવી દિલ્હીઃ પાકિસ્તાની ટીમના દિગ્ગજ ક્રિકેટર શોએબ મલિક અને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ વર્ષ 2008માં લગ્ન કર્યા હતા. શોએબે સાનિયા સાથે લગ્ન કરવાને લઈને આજે એક સ્પષ્ટતા કરી છે. આ બંન્નેના લગ્ન હૈદરાબાદની તાજ કૃષ્ણા હોટલમાં થયા હતા. સૌથી પ્રસિદ્ધ સ્પોર્ટ્સ કપલ પૈકી એક હોવા છતાં તેમને એક-બીજા સાથે સમય પસાર કરવાનો ટાઈમ મળતો નથી. કારણ કે સાનિયા ભારતના હૈદરાબાદમાં રહે છે જ્યારે શોએબ મલિક મોટાભાગે પાકિસ્તાનના સિયાલકોટમાં રહે છે. એક ઈન્ટરવ્યુમાં શોએબે સ્પષ્ટતા કરી કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી ચાલી રહી હોવા છતાં પણ તે સાનિયા સાથે લગ્ન કરતા ગભરાયો નહોતો. લગ્ન કરવા માટે પ્રેમનું મહત્ત્વ હોય છે, રાષ્ટ્રીયતાનું એટલું બધું નહીં. લગ્ન કરતી વખતે આપ એ વાતની ચિંતા નથી કરતા કે આપની જીવનસાથી કયા દેશની છે.
શોએબ અને સાનિયા લગ્નના દસ વર્ષ બાદ વર્ષ 2018માં માતા-પિતા બન્યા હતા. એમને એક દીકરો છે, જેનું નામ છે ઈઝાન મિર્ઝા મલિક.
માતા બન્યા બાદ સાનિયા મિર્ઝાએ ટેનિસની રમતમાંથી બ્રેક લીધો હતો. આ વર્ષની શરુઆતમાં જ તેણે દમદાર કમબેક કર્યું હતું અને WTA હોબાર્ટ ઈન્ટરનેશનલ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. તો બીજી તરફ પાકિસ્તાન માટે લાંબા સમયથી ક્રિકેટ રમી રહેલા શોએબ મલિકે પાકિસ્તાનની ટીમમાંથી ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. હવે શોએબની નજર ટી-20 વર્લ્ડ કપમાં રમવા પર છે. લોકડાઉનના કારણે પાકિસ્તાનના સિયાલકોટમાં ફસાયેલો શોએબ મલિક પાંચ મહિના બાદ પત્ની સાનિયા અને દીકરા ઈઝાનને મળશે. બાદમાં તે ઈંગ્લેન્ડ જશે.