મીનાક્ષી શેષાદ્રી માટે ‘શહેનશાહ’ ના ગીતોનું સંગીત બદલાયું

મનોજકુમારની ફિલ્મ ‘પેઇન્ટર બાબુ’ (1983) થી હીરોઈન તરીકે કારકિર્દી શરૂ કરનાર મીનાક્ષી શેષાદ્રીને સુભાષ ઘઈ નિર્દેશિત ‘હીરો’ (1983) થી સફળતા મળી હતી. પણ એમની સાથેની બીજી ફિલ્મ પછી ગેરસમજ થતાં એ પછી કોઈ ફિલ્મ કરી શકી ન હતી. મીનાક્ષી શેષાદ્રીએ એક મુલાકાતમાં પોતાની કેટલીક ફિલ્મો વિષેની આવી નાની-મોટી અનેક રસપ્રદ વાતો કરી હતી. મીનાક્ષી પહેલી ફિલ્મ ‘પેઇન્ટર બાબુ’ માં કામ કરી રહી હતી ત્યારે સુભાષ ઘઈને માહિતી મળી કે તે એક સારી ડાન્સર અને અભિનેત્રી લાગી રહી છે. તેમણે મનોજકુમારને વિનંતી કરી કે એનું જે શુટિંગ થયું છે એ જોવા માગે છે.

ફિલ્મના બે-ત્રણ ગીતો તૈયાર થયા હોવાથી ઘઈએ એ જોયા પણ પછી થયું કે એમને ‘હીરો’ માટે આવી પશ્ચિમી લુકની અને ગ્લેમરસ અભિનેત્રી કામ લાગે એમ નથી. જોકે, લાંબો વિચાર કર્યા પછી થયું કે મીનાક્ષી ભરતનાટ્યમ જાણતી હોવાથી ‘રાધા’ ની ભૂમિકાને ન્યાય આપી શકશે અને એને કામ સોંપ્યું હતું. બીજી ફિલ્મ ‘મેરી જંગ’ (1985) માં મીનાક્ષીની બહુ નાની ભૂમિકા હતી પણ મુખ્ય વાર્તામાં એવી રીતે વણી લીધી હતી કે એ મહત્વની લાગે છે. પણ આ ફિલ્મ વખતે મીનાક્ષીને સુભાષ ઘઈ સાથે એવી ગેરસમજ થઈ કે એમણે ફરી એની સાથે કામ કર્યું નહીં.

મીનાક્ષીને સની દેઓલ સાથેની પહેલી ફિલ્મ ‘ડકૈત’ (1986) માં લેતી વખતે નિર્દેશક રાહુલ રવૈલે પહેલાં જ કહી દીધું હતું કે એમાં સની અને એના પરિવારનું મહત્વ છે પણ તને પાંચ-છ દ્રશ્યો અને બે-ત્રણ સારા ગીતો આપીશ. મીનાક્ષીએ રાહુલ સાથે કામ કરવું હોવાથી હા પાડી હતી. પરંતુ જ્યારે પૈસાની વાત આવી ત્યારે એમણે નિરાશ કરી હતી. રાહુલે સ્પષ્ટ કહી દીધું હતું કે હું તને હીરોઈનને મળે છે એટલી ફી આપીશ નહીં. જેટલા રૂપિયા આપું એટલા સ્વીકારી લેવા પડશે. કેમકે તું મારી સાથે કામ કરી રહી છે એ જ તારી કિંમત છે. મીનાક્ષી નવી હોવાથી માની ગઈ હતી.

નિર્દેશક ટીનુ આનંદ જ્યારે અમિતાભ સાથે ફિલ્મ ‘શહેનશાહ’ (1988) બનાવી રહ્યા હતા ત્યારે એક નવી હીરોઈનની જરૂર હોવાથી મીનાક્ષીને પસંદ કરી હતી. એમાં મીનાક્ષી પર બે ગીત ‘હે યુ’ અને ‘જાને દો જાને દો મુઝે જાના હૈ’ ફિલ્માવવાના હતા. ટીનુએ જ્યારે ગીતોનું સંગીત સાંભળ્યું ત્યારે એ ધીમા લાગ્યા હતા. મીનાક્ષી એક સારી ડાન્સર હોવાથી ટીનુએ બંને ગીતને ફરી તૈયાર કરાવ્યા હતા અને ઝડપી સંગીતવાળા બનાવડાવ્યા હતા.

રાજકુમાર સંતોષી સાથેની ફિલ્મ ‘દામિની’ (1993) વખતે અનેક સમસ્યા આવી હતી. ફિલ્મનું શુટિંગ શરૂ થયું એ દિવસે મીનાક્ષીના પગમાં એવી તકલીફ થઈ અને સોજો આવ્યો કે ચાલી શકે એમ ન હતી તેથી શુટિંગ રદ કરવું પડ્યું હતું. એ પછી મીનાક્ષી અને નિર્માતા વચ્ચે કેટલીક સમસ્યા ઊભી થઈ એમાં ફિલ્મ જ અટકી ગઈ હતી. પરંતુ બહુ જલ્દી સમસ્યાનું નિવારણ આવી જતાં ફરી શુટિંગ શરૂ થયું હતું. ફિલ્મના અંતમાં કોર્ટરૂમના દ્રશ્યોનું ફિલ્માંકન થતું હતું એમાં પહેલાં સનીના દ્રશ્યો લેવામાં આવ્યા હતા. મીનાક્ષીના બીજા દિવસે દ્રશ્યો લેવાના હતા. પણ ખબર પડી કે બીજા દિવસે સ્ટુડિયો ઉપલબ્ધ ન હોવાથી એ જ દિવસે શુટિંગ કરવું પડે એમ હતું અને વળી બહુ લાંબા સંવાદના દ્રશ્યો હતા. મીનાક્ષીએ ઓછા સમયમાં બહુ મહેનત કરી અને સંતોષીએ છ ટુકડામાં એ દ્રશ્યો ફિલ્માવ્યા હતા. મીનાક્ષીએ એક જ ટેકમાં એ દ્રશ્યો આપ્યા હતા.