સંજય ઉવાચઃ ‘શા માટે?’

મહાભારત હવે નિશ્ચયભાવિ બન્યું છે. કુરુક્ષેત્રના મેદાન પર બંને સેનાઓ સામસામી ગોઠવાઈ ગઈ છે. યુદ્ધનો ઉન્માદ છવાતો જાય છે. ધૃતરાષ્ટ્ર દિવ્યાંગ છે અને એટલે જેને દિવ્યદૃષ્ટિ અને શ્રવણશક્તિ પ્રાપ્ત છે એવા સંજયને એ યુદ્ધનો અહેવાલ પોતાને સંભળાવવાનું કામ સોંપે છે, જે ફરજ સંજય સુપુરે બજાવે છે તે આપણે જાણીએ છીએ.

સામાન્ય રીતે આટલા બધા મહાયોદ્ધા અને આવડી મોટી સેના સાથે કુરુક્ષેત્રના મેદાનમાં લડવા ઉતરેલા કૌરવોના વિજય બાબત કમસે કમ ધૃતરાષ્ટ્રને તો વિશ્વાસ હોવો જોઈએ. તો પછી આ વિશ્વાસ નથી અને ક્યાં શું થઈ રહ્યું છે તેની પળેપળની વિગતો જાણવાની આતુરતા ધૃતરાષ્ટ્રને કેમ છે?

જ્યારે કોઈ પણ માણસનો આત્મવિશ્વાસ દૃઢ ના હોય ત્યારે એ પોતાને જે કોઈ બાબતની ચિંતા હોય તે અંગે જાણવા આતુર રહે છે. ધૃતરાષ્ટ્રની પરિસ્થિતિ પણ કાંઈક આવી છે. આમ, મહાભારતના યુદ્ધમાં એક મુખ્ય સ્ટેકહોલ્ડર આત્મવિશ્વાસના અભાવથી પીડાતો હોય એવું લાગે છે. આમ તો એક કહેવત પણ છે કે, ‘જેનો સેનાપતિ આંધળો તેનું લશ્કર કૂવામાં.’ ધૃતરાષ્ટ્ર કૌરવ કુટુંબનો વડો છે. એટલા પૂરતો એનો મુખ્ય સ્ટેકહોલ્ડર બની શકે. આ કારણથી ધૃતરાષ્ટ્રે કદાચ સંજયને કામે લગાડ્યો. યુનિવર્સિટીમાં પ્રથમ આવનારને પાસ થવા માટે બહુ આતુરતા ના હોય પણ એટીકેટી કે બાઉન્ડ્રીલાઇન પર પાસ થના૨નું હૃદય પરિણામ જાણતાં પહેલા બે વાર વધુ ધબકે તેવું બને, ખરું ને?

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)