સર્જન એ કેવળ નાની ઘટના છે

પ્રકાશ એ કામચલાઉ ઘટના છે, તે સમયે કોઈ વસ્તુ પ્રજ્વલિત થાય છે. પછી તે લેમ્પ હોય, બલ્બ હોય કે પ્રકાશનો સૌથી મોટો સ્રોત જેને સૂર્ય તરીકે ઓળખીએ છીએ તે હોય – તે બધું પ્રજ્વલિત છે. તમે ઇલેક્ટ્રિક બલ્બ ચાલુ કરશો, ત્યારે કદાચ તે સો-બસો કલાક સુધી ચાલુ રહેશે. સૂર્ય કદાચ અબજો વર્ષ સુધી પ્રજ્વલિત રહેશે. જ્યારે બધું જ સળગી જશે, ત્યારે કેવળ અંધકાર બચશે.

માનવી પ્રકાશની સ્તુતિ કરે છે કારણ કે આપણી ઈન્દ્રિયો તે પ્રમાણે કામ કરે છે. સૂર્ય આથમે અને અંધારૂં છવાય, ત્યારે નિશાચર જંતુઓ, પક્ષીઓ અને પ્રાણીઓ આખી રાત અવાજ કરે છે. જો તમારી આંખો અને દ્રષ્ટિનું અર્થઘટન નિશાચર જીવો જેવું હોત, તો તમે “પવિત્ર પ્રકાશ” નહીં, બલ્કે “પવિત્ર અંધકાર”  વિશે વિચારતા હોત. પ્રકાશ પ્રત્યે તમે પક્ષપાત ધરાવો છો તેનું કારણ એ છે કે, અસ્તિત્વની તમારી વ્યવસ્થા તે રીતે સર્જાયેલી છે.

પ્રકાશ ઘણો જ મર્યાદિત છે, પછી તે ઈલેક્ટ્રિક બલ્બનો પ્રકાશ હોય કે આ પૃથ્વી પર જીવનનો સ્રોત – સૂર્ય પ્રકાશ હોય – હું હથેળી વડે ચહેરો ઢાંકીને પ્રકાશનો પ્રવાહ અટકાવીને અંધકારનો ઓછાયો લાવી શકું છું. પણ અંધકાર કરવાથી શું મળશે?

સમગ્ર અસ્તિત્વ સંપૂર્ણ અંધકાર છે. તમે આકાશમાં જોશો, તો દિવસ દરમિયાન સૂર્ય હોવાથી તમને આકાશ જેવું હોય તેવું નથી દેખાતું. પણ તમે રાત્રે જુઓ, તો ઘણા તારા દેખાય છે, પણ તારા તો નાના ટપકાં માત્ર છે. આકાશનું વિશાળ ફલક સંપૂર્ણપણે અંધકારમય છે. અંધકારના અમર્યાદિત ખોળામાં કેવળ જરા અમથો પ્રકાશ અહીં-તહીં મોજૂદ છે, પણ અંધકારની વિશાળતામાં નહીં, તમે નાના અમથા પ્રકાશમાં સ્વયંને ઓળખો છો, નહીં કે અંધકારની વિશાળતામાં, કારણ કે તમે એક નાની ઘટના છો. તમે એક નાનુ અમથું અસ્તિત્વ છો આથી તમે અસ્તિત્વનાં અન્ય સ્વરૂપો સાથે ઓળખાઓ છો. પરંતુ અંધકારની અસ્તિત્વહીનતા સૌથી વિશાળ ક્ષેત્ર ધરાવે છે.

દરેક ધર્મમાં તમને કહેવામાં આવે છે કે ઈશ્વર સર્વત્ર છે. જો તેમાં તથ્ય હોય, તો તમે જેને પણ ભગવાન કહો છો, તે સર્વત્ર હોવા જોઈએ. સર્વત્ર અસ્તિત્વ ધરાવતી કોઈ ચીજ હોય, તો તે છે – સંપૂર્ણ અંધકાર. આથી જ આપણે કહીએ છીએ કે શિવ અંધકાર છે. કેવળ શિવ જ સર્વત્ર હોઈ શકે. “શિવ” શબ્દનો વાસ્તવિક અર્થ થાય છે, “તે કે જે નથી” અથવા તો, “ખાલીપણું”. અસ્તિત્વના વિશાળ ફલકમાં ખાલીપણું છે અને ખાલીપણું એટલે અંધકાર. “તે કે જે છે,” – તે સર્જન છે અને સર્જન એ નાની ઘટના છે.

સર્જનનો અભાવ એ વિશાળ ક્ષેત્ર છે. કશું પણ ન હોવાની સ્થિતિમાં જ કશુંક બને છે – તે બને છે અને અદ્રશ્ય થઈ જાય છે. સમગ્ર આકાશગંગાઓ (ગેલેક્સી) પડી ભાંગે છે અને તેમનું અસ્તિત્વ નાશ પામે છે. આથી જ આપણે કહીએ છીએ કે બધું શિવમાંથી આવે છે અને શિવમાં જ વિલીન થાય છે. અન્ય ભગવાનો અને દેવીઓ પણ શિવમાંથી જ આવે છે અને શિવ પાસે જ જાય છે. આ કોન્ટમ ફિઝિક્સ છે, જે સુંદર વાર્તામાં વર્ણવાયું છે. બધું અસ્તિત્વહીનતામાંથી આવે છે અને અસ્તિત્વહીનતામાં પરત જાય છે. આ જ અસ્તિત્વની વાસ્તવિકતા છે.

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)

(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)