જગતની વ્યવસ્થા જળવાઈ રહે અને બધા જીવોનું કલ્યાણ થાય તે માર્ગ ધર્મનો માર્ગ કહેવાય છે. અનેક શાસ્ત્રો, પુરાણ કથાઓ અને અન્ય નીતિ ગ્રંથો વગેરેમાં ધર્મ બાબતે ઘણી માહિતી છે. મનુષ્ય પૂર્વે જંગલમાં જીવન જીવતો હતો, સમાજ વ્યવસ્થા બાદમાં અસ્તિત્વમાં આવી. આજે પણ મનુષ્યમાં મૃત્યુનો ભય તથા શારીરિક આકર્ષણ વગેરે તેના જુના અનુભવો કે તેનો પૂર્વકાળનો અનુભવ રજુ કરે છે. ઘણું ખરું મનુષ્ય હવે તેના મનના વિષયોનો ખુબ સારી રીતે ઓળખી શકે છે. સારું ખરાબ ત્વરિત રીતે અલગ કરી શકે છે. ઈશ્વરે મનુષ્યની અંદર બુદ્ધિ મૂકી છે. આ બુદ્ધિ જ છે, જે મનુષ્ય માટે વરદાન સાબિત થઇ છે.
ધાર્મિક સાહિત્યમાં દેવી-દેવતા વગેરેની વાત આવે છે. શું દેવી દેવતાઓ ખરેખર હતાં? મનુષ્ય સિવાય પણ સૃષ્ટિનું અસ્તિત્વ હશે? કદાચ મન જ બીજી દુનિયાનો દ્વાર હશે! મૃત્યુ પછી પણ દુનિયાને જોઇને પાછા ફરેલા લોકો આ વાતની પુષ્ટિ કરે છે, તેઓએ અદ્દલ આજ પ્રકારની બીજી દુનિયા મૃત્યુ બાદ પણ જોયેલી છે. એવું કહી શકાય કે મનના અનુભવ કે વિચારએ ચોક્કસ કોઈ ઘટના કે ભૂતકાળનું જ બીજું સ્વરૂપ હશે, મન જયારે તેને ફરીવારપ્રગટ કરે છે ત્યારે હોઈ શકે કે આપણે તેને ભૂલી ચુક્યા હોઈએ.
તો પછી દેવી-દેવતાઓ કોણ છે? દુનિયાના પ્રાચીન ગ્રંથોનું રહસ્ય એમ કહે છે કે દેવી દેવતાઓ એ મનની અવસ્થાઓ છે. મન દ્વારા જ બધું સર્જાય છે અને મન દ્વારા જ તેનો અનુભવ થાય છે. કોઈ પણ કાર્ય શરૂઆતમાં મનમાં જ ‘બીજ’ સ્વરૂપે રહે છે, પછી જ તે ‘અસ્તિત્વ’માં આવે છે.
દેવએ મનમાં ઉદભવતા ગુણોનું શારીરિક સ્વરૂપ (રૂપક) હોઈ શકે, જયારે દાનવએ મનમાં ઉદભવતા અવગુણોનું શારીરિક સ્વરૂપ (રૂપક) હશે. ગુસ્સો, લોભ અને અજ્ઞાનએ મોટા દાનવ છે, તેઓ મનુષ્ય પર સતત હુમલો કરતા રહે છે. કામદેવએ કામરૂપી અગ્નિનું પ્રતિક છે, કામ પણ મનુષ્યને મોહિત કરે છે. જયારે અવગુણો વધી જાય છે ત્યારે મનુષ્ય પોતે જ અવગુણોને લીધે અધમ અવસ્થામાં ચાલ્યો જાય છે. તેના જીવનમાં અવગુણોને લીધે માનસિક શાંતિનો નાશ થાય છે, તેનું એક પછી એક એમ કરતા સર્વસુખનષ્ટ થાય છે, તે પૃથ્વી પર જ નર્કનો અનુભવ કરે છે. શું આઅવગુણના રૂપમાં દાનવનો પ્રહાર છે?
સામે પક્ષે જયારે મનુષ્યની અંદર ક્ષમા, ધીરજ, સત્ય, જ્ઞાન અને ઉત્તમ ચારિત્ર્યનો વિકાસ થાય છે, તેમાં દેવ તત્વનો વિકાસ થાય છે. ગુણના સ્વરૂપમાં સાક્ષાત દેવો તેને આશિર્વાદ આપે છે અને તેનું બધે જ ભલું થાય છે. જેમ જેમ ગુણોનો સંચાર થાય છે તેમ તેમ મનુષ્ય દેવ અવસ્થામાં આવી જાય છે, સર્વમાં પૂજનીય બની જાય છે.
દરેક મનુષ્યની અંદર સારા ગુણો અને અવગુણો વચ્ચે સતત મંથન ચાલ્યા કરતું હોય છે. મનુષ્ય ક્યારેક લોભ લાલચમાં ખેંચાય છે તો ક્યારેકઇચ્છાઓથી વિરામ પામીને પણસુખનો અનુભવ કરવા લાગે છે.મનની કશ્મકશજ સમુદ્રમંથન હશે?જો અવગુણો વધી જાય તો મનરૂપી સમુદ્રમાંથીવિષ નીકળે છે, તેને માત્ર ત્યાગ અને વિરાગરૂપી શિવ દ્વારા જ શાંત કરી શકાય છે. મનરૂપીવિષનો પ્રભાવ સીધો વાણી પર પડે છે, શિવજીએ પણ વિષને કંઠમાં જ સ્થાન આપ્યું હતું.
મનરૂપી સમુદ્રમાં જો દેવરૂપી ગુણોનો સતત વધારો થાય તો અમૃતને પામી શકાય. આઅમૃતનું પાન કર્યા બાદ મનુષ્યની અંદર જ મોક્ષ અને સંસારથી વિરક્તિની ભાવના જન્મે છે. મનુષ્ય જગત અને દેહને અનિત્ય સમજવા લાગે છે અને આત્મભાવમાં સ્થિર થાય છે અમર બની જાય છે, મનરૂપી દરિયાના વંટોળથી મુક્ત બનીને સ્વયં દેવસ્વરૂપ બની જાય છે. કથાઓમાંજયારે પણ કોઈ દાનવનો પ્રહાર થાય છે ત્યારે તે અવગુણોનું રૂપક છે, તેમ સમજી શકાય છે. જીવનમાં આપણે લોભ, ઈર્ષ્યા, હિંસા, અજ્ઞાન અને ક્રોધ જેવા દાનવોનો સતત સામનો કરી રહ્યા છીએ, તેમને પ્રેમ, કરુણા અને ત્યાગની ભાવનાથી જ જીતી શકાય છે.
નીરવ રંજન