તાજેતરમાં 31 ઑક્ટોબરે, દિવાળીના સપરમા દિવસોમાં સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મ જયંતી દેશભરમાં ઊજવાઈ. રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઊજવાતા આ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઑફ યુનિટી પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં.
લોખંડી પુરુષનું બિરુદ પામનાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું એક વિઝન હતું કે ભારત અખંડ રાષ્ટ્ર બને. આ માટે નાનાં નાનાં રજવાડાંને ભારતીય સંઘમાં ભળી જવા સમજાવવામાં તેમણે નોંધપાત્ર ભૂમિકા ભજવી. મહત્વની વાત આ છેઃ વિઝન, દીર્ઘદ્રષ્ટિ. દેશ-દુનિયાના ઈતિહાસપુરુષો પાથબ્રેકર તરીકે પંકાયા એનું કારણ એમનું વિઝન, દૂરંદેશી છે.
સરદાર વલ્લભભાઈ પટેલ અને મોહનદાસ કરમચંદ ગાંધીજી આદિ સ્વાતંત્ર્યસેનાનીનું એક સુસ્પષ્ટ વિઝન હતું તેથી આજે આપણે સ્વતંત્ર ભારતમાં આઝાદીનો શ્વાસ લઈએ છીએ. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે પોતાની આત્મકથામાં એક વાત નોંધી છેઃ “હું ભારતના ઘણા યુવાનોને મળ્યો છું. તેઓમાં અસાધારણ શક્તિ હોવા છતાં તેઓ તે શક્તિનાં યોગ્ય ફળ પ્રાપ્ત નથી કરી શકતા. આનું એક કારણ એ છે કે તેમની પાસે વિઝન અર્થાત્ દૂરંદેશી નથી. શું કરીશું? શું થશે? ફેઈલ જઈશું તો? એવા ને એવા વિચારોમાં જ એ અટવાઈને યુવાની વેડફી નાખે છે.”
વર્ષો પહેલાં ચીનના સ્પૉર્ટ્સ કમિશનના ચૅરમૅન માઓ ઝેદોન્ગે નક્કી કર્યું કે ઑલિમ્પિક્સની રમતમાં ચીન અગ્ર ક્રમાંકે હોવું જોઈએ. આ દૂરંદેશી સાથે તેમણે બાસ્કેટ બૉલની રમત પસંદ કરી. આ રમતમાં ખેલાડીની ઊંચાઈ છ ફૂટથી વધુ હોય તો સારો દેખાવ કરી શકે, જ્યારે ચીનની પ્રજાનાં શરીરનાં બંધારણ જ ઠીંગણા કદનાં. તો શું કરવું? આના ઉપાય રૂપે માઓ ઝેદોન્ગે ચીનમાં સૌથી ઊંચું કદ ધરાવતી એક કન્યા ફેંગ ઝ્ડગીને પસંદ કરી. 15 વર્ષની એ છોકરીને દેશ માટે બાસ્કેટ બૉલ રમવાનું કહ્યું. ફેંગે પ્રૅક્ટિસ શરૂ કરી. તે 28 વર્ષની થઈ ત્યારે ચીનનો એક ઊંચામાં ઊંચો પુરુષ સ્પૉર્ટ્સ કમિશને શોધી ફેંગને કહ્યું કે ‘દેશના ભવિષ્ય માટે તું આની સાથે લગ્ન કર.’
ફેંગ ઝડગીએ કમિશનની વાત માની પેલા ઊંચી હાઈટવાળા યુવાન સાથે લગ્ન કર્યાં. 1980ની 12 સપ્ટેમ્બરે ચીનમાં એક અસાધારણ બાળકનો જન્મ થયો. જેનું નામ હતું યાઓમિંગ (Vao ming). જન્મ સમયે તેના શરીરનું બંધારણ અને વજન જોઈ સૌ આશ્ચર્યચક્તિ થઈ ગયા. તે પળે ચીન સ્પૉર્ટ્સ કમિશનના વડા કહે, આ બાળકની અમે વર્ષોથી રાહ જોતા હતા. આ બાળક યુવાન થયો ત્યારે તેની ઊંચાઈ થઈ સાડાસાત ફૂટ, તે યાઓ મિંગે બાસ્કેટ બૉલમાં અનેક મેડલ મેળવ્યા, ચીન ઑલિમ્પિક્સમાં ચીનનું પ્રતિનિધિત્વ કર્યું. આને કહેવાય વિઝન, વિઝનનું પરિણામ.
કોઈ પણ કાર્ય માટે જ્યારે એક વિઝન અથવા લક્ષ નક્કી કરવામાં આવે છે, ત્યારે આપણને આપણી સુષુપ્ત શક્તિનો પરિચય થાય છે. આગળ જતાં આ જ શક્તિ આપણી સિદ્ધિનું મુખ્ય ચાલકબળ બની જતું હોય છે. તેથી સંકલ્પને સાકારત્વ સત્વર પ્રાપ્ત થાય છે.
અમેરિકન લેખક અને ઉદ્યોગપતિ જૅક વેલ્સ કહે છે, ‘સારા નેતા એક ભવિષ્યમાં દષ્ટિ કરે છે, દષ્ટિને સ્પષ્ટ બનાવ છે, પૂરી લગન સાથે દષ્ટિના માલિક બની જાય છે, અને કરેલો સંકલ્પ પૂર્ણ કરીને જ જંપે છે. આમ વ્યક્તિ માત્રની દૂરંદેશી તેને સફ્ળતા સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે.
માટે યુવાને પોતાની યુવાનીના ટૂંકા ગાળામાં જ સંકલ્પસિદ્ધિનું મિશન પાર પાડવાનું છે અને તેના માટે વિઝન નિશ્ચિત કરવાનું છે. જો એમાં મોડું થશે તો એ જીવનનું મૂરત ચૂકી જવાશે. ભરતી ભાળીને ખલાસી હોડી પાણીમાં તરતી મૂકે છે, જો ભરતી ચૂકે તો પૂરા ચોવીસ કલાક રાહ જોવી પડે.
બસ તો, યુવાનો, ઊભા થાઓ, હિંમત રાખો, મજબૂત બનો અને દૂરંદેશી સાથે પુરુષાર્થ કરવા મંડો. કેમ કે તમારા ભાગ્યના દ્રષ્ટા તમે જ બની શકો છો.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)