ગયા રવિવારે ક્રિકેટ વર્લ્ડ કપમાં આપણી હાર થઈ તે પછી એક છબિ અખબારોમાં પ્રકાશિત થઈ, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આપણા ક્રિકેટરોને ભેટીને સાંત્વન આપે છે, અને સમગ્ર ટુર્નામેન્ટમાં આપણી ટીમના દેખાવ માટે અભિનંદન આપે છે. મારા હિસાબે સજ્જનતાનું આ સરસ ઉદાહરણ છે. લોકો પોતાનામાં સજ્જનતા પ્રગટાવવાના સુ-પ્રયત્ન કરતા હોય છે, તેને પામવા માટે વિવિધ પ્રેરણાસ્રોતનો આશરો પણ લેતા હોય છે.
જો કે સજ્જનતા અથવા ખાનદાની જ્યાંથી આવી છે, એવા ભગવાન અને ભગવાનના ધારક સંત જ્યારે આ પૃથ્વી ઉપર આપણી જેવા માનવ થઈને ૫ધારે છે ત્યારે તેઓનું વર્તન જ આપણને એ સજ્જનતા શીખવી જતું હોય છે. ભગવાન શ્રીરામ વનવાસ દરમિયાન ગંગાકિનારે વસેલા શ્રુંગવેરપુર પહોંચ્યા. તે રાજ્ય નિષાદોનું હતું. નિષાદરાજા ગુહને ભગવાન શ્રી રામના આગમનના સમાચાર મળ્યા એટલે એ ફળ-ફૂલ આદિ લઈ એમની પાસે ગયા. પ્રભુને દંડવત્ પ્રણામ કરી નગરમાં પધારવા વિનંતી કરી ત્યારે પ્રભુ શ્રીરામે પ્રેમસભર પ્રત્યુત્તર આપ્યોઃ ‘હે સખા, તારો પ્રેમ અદભુત છે, પણ પિતાની આજ્ઞાથી મારે હમણાં તો વનમાં જ નિવાસ કરવાનો હોવાથી તારા નગરમાં નહીં આવી શકું.’
ભગવાન શ્રીરામે જે રીતે ગુહને પોતાના મિત્ર કહ્યા, પોતાની સમીપ બેસાડ્યા એ જોઈ સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. કહે છે કે રામરાજ્યનો પ્રારંભ અહીંથી જ થઈ ગયો હતોઃ જ્યાં રાજા નાનામાં નાની વ્યક્તિને પોતાની સમીપ બેસાડે, તેના ખબરઅંતર પૂછે તે જ રામરાજ્ય.
ભગવાનને મન કોઈ નાનું નથી અને કોઈ મોટું નથી. સૌને તેઓ સમાનભાવે પ્રેમ આપે છે. એ જ રીતે ભગવાનના ધારક સંતની પણ આ જ પ્રકૃતિ હોય છે. સન 2001માં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં અરવલ્લી જિલ્લાના મોડાસામાં એક સત્સંગસભા યોજાયેલી. આ પ્રસંગે પોશીના તાલુકામાં રહેતા કેટલાક આદિવાસી ભક્તો એમનાં દર્શને આવેલા. એમને પ્રમુખસ્વામી મહારાજને મળવાની ઈચ્છા થઈ આવી, પરંતુ પૂર્વ આયોજિત જાહેર સભામાં શહેરના શ્રેષ્ઠીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહે તે સ્વાભાવિક હતું. આમાં આદિવાસીઓ કઈ રીતે પ્રમુખસ્વામી સુધી પહોંચી શકે? પરંતુ જ્યાં પ્રેમ હોય ત્યાં માર્ગ મળી જ જાય. સ્વામીશ્રીએ વ્યવસ્થાપક સંતને કહ્યું, ‘આદિવાસી ભાઈઓની અલગ સભા આપણા ઉતારાની સામે કરાવો. ત્યાં એક સંતને કથા કરવા મોકલો. આ સભા પતે પછી હું ત્યાં આવું છું, મારે સૌ આદિવાસી ભાઈઓને ખાસ મળવું છે.’ આમ જાહેર સભામાં શહેરવાસીઓને પ્રસન્ન કરી પ્રમુખસ્વામી આદિવાસીઓની સભામાં પધાર્યા અને કહ્યું કે ‘આદિ’ એવા ઈશ્વરની સમીપમાં જેનો ‘વાસ’ છે એવા તમે આદિવાસી કહેવાઓ. આટલું જ નહીં, સૌને નજીકથી, પર્સનલી મળ્યા અને સ્થાનિક સંતને કહ્યું, ‘મને એક એકનો પરિચય કરાવતા જાઓ.’ પેલા વનવાસીઓની આંખોમાં હર્ષનાં આંસુ છલકાઈ ઊઠ્યાં.
સજ્જનતાનું પહેલું લક્ષણ એ જ કે વ્યક્તિમાં વિનમ્રતા જન્મ, તેને વ્યક્તિ-વ્યક્તિ પ્રત્યે ઘૃણા તો લેશમાત્ર હોય જ નહીં, પરંતુ તેને સૌનામાં ભગવાનનાં દર્શન થતાં હોય. ભગવાન અને સંતના જીવનમાં રહેલી નમ્રતા અને સૌ પ્રત્યેના પ્રેમનું વલણ જો આપણા જીવનમાં વણાઈ જાય તો વગર પ્રયત્ને સજ્જનતા આપણામાં નિવાસ કરીને રહે! આપણા ઘરમાં, અડોશપડોશમાં, ઑફિસ-દુકાનમાં કે સમાજમાં… વ્યક્તિ ભલે પદ-હોદ્દાની દૃષ્ટિએ નાની હોય, પણ આપણા તરફથી તેને અપાયેલો આદર સામેની વ્યક્તિમાં આત્મવિશ્વાસનો અને આપણામાં નમ્રતા-સજ્જનતાનો અનેક ગણો ગુણાકાર કરી આપે છે.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)