દુનિયાઆખીના મૅનેજમેન્ટગુરુ, કૉર્પોરેટના ખેરખાંઓની સમજમાં ન આવે એવું હમણાં કંઈ બની ગયું. ઓપનએઆઈના સૅમ અલ્ટમૅનને કંપનીના બોર્ડે કાઢી મૂક્યો, એમના સ્થાને નવાં સીઈઓ આવ્યાં. બીજા દિવસે એ સીઈઓએ પણ રાજીનામું આપી દીધું અને ત્રીજા સીઈઓ આવ્યા. આ દરમિયાન ઓપનએઆઈમાં 49 ટકા હિસ્સો ધરાવતા માઈક્રોસોફ્ટે મૅનેજમેન્ટને કહ્યું કે સૅમ જ બરાબર છે એટલે ચોથા દિવસે સૅમ અલ્ટમૅન પાછા પોતાના પદ પર બિરાજિત થઈ ગયા.
થોડા સમય પહેલાં અમેરિકાની કાર્નેગી યુનિવર્સિટીના અધિકારીઓએ માણસની સફળતા-નિષ્ફળતાના વિષયનો અભ્યાસ કરવા ૧૦ હજાર વ્યક્તિઓની મુલાકાત લીધી. મુલાકાતોનું તારણઃ ‘માણસની સફળતાનો આધાર જ તેની બુદ્ધિ, કામ કરવાની આવડત અને હુન્નરીય કળા-કૌશલ્ય ઉપર છે. તે પછીના ક્રમે આવે છે તેના લોક– સંપર્કો પર, સંબંધો પર.’
સંચાલન, વ્યવસ્થાપન કે પ્રબંધનનાક્ષેત્રમાં આગળ વધી રહેલા સંચાલકો, વ્યવસ્થાપકોને કદાચ આ તારણ ઘડીક આંચકો આપી જાય એવું છે. માણસ એ બુદ્ધિશાળી પ્રાણી છે. ભગવાને આપેલા બુધિશક્તિથી જ તે પૃથ્વી પરનાં અન્ય પ્રાણીઓ કરતાં અલગ સાબિત થયો છે. વિશ્વના માનવઈતિહાસ સામે નજર કરીએ ત્યારે જણાય છે કે માનવજીવનને લગતાં તમામ ક્ષેત્રોમાં પોતાના બુદ્ધિબળ માણસ અનેકવિધ સંશોધનો કરી ખૂબ પ્રગતિ સાધી છે. પોતાની સંચાલન-વ્યવસ્થાપન શક્તિથી માણસે ઘણો વિકાસ પણ કર્યો છે.
ગામડાની છાપરાંવાળી પ્રાથમિક શાળાથી લઈ વિરાટ વિશ્વવિદ્યાલયોનું, નાની લુહારી કોઢથી મહાકાય કારખાનાં અને રિફાઈનરીઓનું, શેરીના પાનના ગલ્લાથી લઈ વિરાટકાય શૉપિંગમૉલનું સંચાલન કરવું તે આજે માણસ માટે ડાબા હાયની રમત છે. સાથે સાથે ખ્યાતનામ વિશ્વવિદ્યાલયોમાં અનુભવી અધ્યાપકો દ્વારા પીરસાતું સંચાલન કે પ્રબંધનનું જ્ઞાન જે તે વ્યક્તિની સંચાલનકળાને વધુ ધારદાર બનાવી રહ્યું છે. મૅનેજમેન્ટ ક્ષેત્રમાં એક સાચી, પરંતુ કડવી વાસ્તવિક્તા સંચાલકોએ સ્વીકારવી પડી છે કે ધંધા-વ્યાપારમાં યંત્ર અને નાણાંના પ્રબંધન કરતાં માનવ-પ્રબંધનનું, હ્યમુન મૅનેજમેન્ટનું મહત્ત્વ વિશેષ છે.
એક વાર એક વિશાળ બહુરાષ્ટ્રીય કૉર્પોરેશનના પ્રમુખને પૂછવામાં આવ્યું કે, તેમની કંપની શું બનાવે છે ત્યારે તેમણે કહેલું ‘હું કાંઈ વાહનો કે પગરખાંની દોરી બનાવતો નથી. હું માત્ર માણસો તૈયાર કરું છું, કારણ કે માણસો આ બધી વસ્તુઓ બનાવે છે. કૉર્પોરેશનના એક સંચાલકની આ નિખાલસ કબૂલાત જ જણાવે છે કે પ્રબંધનમાં માનવનું અસ્તિત્વ મહત્ત્વનું છે. મહાપુરુષોનાં જીવનમાં ડોકિયું કરીએ તો તેમણે આ વાસ્તવિકતાને ક્યારેય વિસારી નથી.
અમેરિકન પ્રમુખ રુઝવેલ્ટે કહ્યું છે કે, સફ્ળતાના સૂત્રમાં મહત્ત્વનું તત્ત્વ જો કોઈ હોય તો તે માણસ સાથે કઈ રીતે રહેવું, એની સાથે કાર્ય કેવી રીતે એ છે.
બી.એ.પી.એસ. સંસ્થાનું ૬૫ વર્ષ સુધી સંચાલન કરનાર પ્રમુખસ્વામી મહારાજે માનવસંબંધો અને માનવ લાગણીઓને મહત્ત્વ આપ્યું છે. 2009ના જુલાઈમાં સ્વામીશ્રી બોચાસણમાં હતા ત્યારે એમનાં દર્શન કરવા માટે આઈઆઈએમ-ઈન્દોરના ડાયરેક્ટર રવિચંદ્રન્ પધારેલા. પ્રમુખસ્વામી મહારાજ સાથેની પ્રથમ મુલાકાતમાં જેતેઓને સ્વામીશ્રીની વિનમ્રતા, સરળતા અને સાધુતા સ્પર્શી હતી. રવિચંદ્રનજી ઈન્દોરથી મોટરમાર્ગે આખી રાતની મુસાફરી કરીને પધાર્યા છે તે જાણ થતાં જ પ્રમુખસ્વામી મહારાજે વ્યવસ્થાપક સંતોને જણાવ્યું કે, ‘સાહેબને કહેજો કે ઉજાગરો કરીને આવ્યા છે. તો આરામ કરીને નીકળે, જેથી તેમને અને વિશેષ તેમના ડ્રાઈવરને આરામ મળી જાય. તેણે સતત ગાડી ચલાવી હશે.’
સંતોએ આ સંદેશો રવિચંદ્રનને આપ્યો ત્યારે એ બોલી ઊઠ્યા કે ‘આ એવી બાબત છે, આઈઆર્ઈએમમાં નથી ભણાવતા. અમે વિદ્યાર્થીઓને બીજું ઘણું શીખવીએ છીએ, પરંતુ લોકોની સંભાળ લેવાનું મહત્ત્વનું કામ ચુકાઈ જાય છે.’
સંચાલનની સાચી સફળતા માનવીની સારસંભાળમાં છે. એક ચિંતકે કહ્યું છે એમ, ‘નોબડી કૅર્સ હાઉ મચ યૂ નો, અન્ટિલ ધે નો હાઉ મચ યૂ કૅર અર્થાત્ તમે કેટલી દરકાર કરો છો એની જાણ ન થાય ત્યાં સુધી તમે કેટલા જ્ઞાની છો તેની કોઈને પડી નથી.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
