બે દિવસ પહેલાં દેશ-વિદેશનાં અખબારોમાં 17 વર્ષી ડી. ગુકેશના સમાચાર હતા. કેનેડાના ટોરન્ટો શહેરમાં પ્રતિષ્ઠિત કેન્ડિડેટ ચેસસ્પર્ધા જીતીને ચેન્નઈનો ડી. ગુકેશ વર્લ્ડ ટાઈટલને પડકારનારો સૌથી યુવા ચેસખેલાડી બન્યો. દંતકથા સમા રશિયન ચેસ ચૅમ્પિયન ગૅરી કાસ્પારોવે કહ્યું કે “ટોરન્ટોમાં સર્જાયેલો આ ભારતીય ભૂકંપ છે”. આવતા મહિને અઢાર વર્ષનો થનારો ગુકેશ સાત વર્ષની વયથી ચેસ રમે છે. એ વયે ગુકેશે નક્કી કરી લીધેલું મારે શતરંજમાં જ આગળ વધવું છે. આ એના જીવનનો ઉદ્દેશ હતો.
બૉબ રિચર્ડ્સ તેમના પુસ્તક ‘હાર્ટ ઑફ અ ચૅમ્પિયન’માં ઑલિમ્પિક્સ ચૅમ્પિયન ચાર્લી પેડોકની વાત કરે છે. અમેરિકન એથ્લીટ ચાર્લીનો જન્મ 1900માં થયો અને અવસાન 1943માં. આટલા અલ્પાયુમાં એ બબ્બે વાર ઑલિમ્પિક ચૅમ્પિયન બન્યો.
એક વાર અમેરિકાના ક્લિવલૅન્ડમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતાં ચાર્લીએ કહેલું, “જો તમે ધારો કે મારે આ કરવું જ છે, તો તમે કરી જ શકો. જો તમે દઢતાથી કોઈ લક્ષ્ય નક્કી કરો તો તે તમારા જીવનમાં સિદ્ધ થાય જ”. સંબોધનના અંતે તેણે કહ્યું, “શી ખબર, કદાચ અત્યારે આપણી વચ્ચે ભવિષ્યનો ઑલિમ્પિક્સ ચૅમ્પિયન પણ બેઠો હોય.”
થોડી વાર બાદ એક દૂબળો-પાતળો બાળક ચાર્લીની પાસે આવ્યો ને ઉત્સાહથી કહ્યું, “મિસ્ટર પેડોક, હું પણ તમારા જેવો ઑલિમ્પિક્સ ચૅમ્પિયન બનવા માગું છું અને તે માટે હું કંઈ પણ કરવા તૈયાર છું”. તે બાળકને પ્રેરણા મળી ગઈ અને એનું જીવન બદલાયું. ૧૯૩૬માં તેણે બર્લિન ઑલિમ્પિક્સની ટ્રૅક ઍન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ચાર ગોલ્ડ મેડલ મેળવ્યા. તેનું નામઃ જેસી ઓવેન્સ. જેસી ઓવન્સના વિજય સરઘસ દરમિયાન એક બાળક તેની પાસે આવ્યો અને કહ્યું, “મિસ્ટર ઓવેન્સ, હું તમારા જેવો ઑલિમ્પિક્સ ચૅમ્પિયન બનવા માગું છું અને તે માટે હું કંઈ પણ કરવા તૈયાર છું”.
ઓવન્સે કહ્યું, “બેટા, હું તારાથી સહેજ મોટો હતો ત્યારે હું પણ આવી જ અદમ્ય ઈચ્છા રાખતો હતો. જો તું મહેનત કરીશ અને ધારીશ તો એક દિવસ જરૂર તારા લક્ષ્યને વીંધી શકીશ”.
૧૨ વર્ષ પછી લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં છ દૌડવીરો ૧૦૦ મીટરની દોડ માટે મેદાનમાં ઊતર્યા… અને જે દૌડવીર જીત્યો તે બીજો કોઈ નહીં, વિજય સરઘસમાં જેસી ઓવેન્સ પાસેથી પ્રેરણા લાનાર પેલો બાળક જ હતો. તેનું નામ હૅરિસન બોન્સ ડિલેર્ડ.
આજે માણસની એક મોટી સમસ્યા એ છે કે તેને ખૂબ જ કંટાળો આવે છે, કંઈ કરવાનું સૂઝતું નથી. તેથી ટીવી પર ચૅનલો બદલ્યા કરે છે અથવા મોબાઈલ મચડ્યા કરે છે, કાં રીલ જોયા કરે છે કાં રીલ બનાવ્યા કરે છે. ટૂંકમાં, નિરર્થક પ્રવૃત્તિમાં એ સમય વ્યય કરે છે, કારણ એના જીવનનો ઉદ્દેશ શું છે એની તેને ખબર નથી. માત્ર એક જીવન-ઉદ્દેશની કમીને કારણે આજે માણસ પાસે બધું હોવા છતાં પણ તે જીવનમાં આગળ વધી શકતો નથી.
તેથી જ કોઈકે લખ્યું છે કે ઑન્લી ધોઝ હુ કૅન સી ધ ઈન્વિસિબલ કૅન ડુ ઈમ્પોસિબલ અર્થાત્ જે અદ્શ્ય જોઈ શકે, તે અશક્ય વસ્તુ કરી શકે.
કુદરતી બક્ષિસ કે સ્રોત કે માણસમાં ધરબાયેલી પ્રતિભામાં ખામી નથી, જે તેને સુખી, સમૃદ્ધ અને સફ્ળ થતાં રોકે. ક્યારેક ખોટા, નકારાત્મક વિચારો તેને સર્વોચ્ચ સિદ્ધિથી વંચિત રાખે છે. તેવા નકારાત્મક વિચારોને અળસાવવાનો અને આપણી સુષુપ્ત ક્ષમતાને વિસ્તારવાનો મુખ્ય રસ્તો છે જીવન-ઉદ્દેશનો નિર્ણયઃ તમારા જીવનનો ઉદ્દેશ શું છે? જીવનમાં તમે શું કરવા માગો છો? અથવા ભવિષ્યમાં અમુક સમયે તમે ક્યાં હોવાનું ઈચ્છો છો? તેનું સ્પષ્ટ ચિત્ર. સંકલ્પનું ચિત્ર જેટલું સ્પષ્ટ તેટલું તેનું કાર્ય સહેલું અને ત્વરિત સિદ્ધ થાય. દુનિયામાં જે મહાન પુરુષોએ ઈતિહાસ સરજ્યા છે, તેનું એક કારણ તેમની પાસે જીવનનો એક ઉદ્દેશ હતો.
આપણને જીવન-ઉદ્દેશની પસંદગી કરવાની આઝાદી આપવામાં આવી છે. તે પસંદગીને સાકાર કરવા જેટલા પ્રયાસ કરીને આપણા ભવિષ્ય પ્રતિ આપણી સંપૂર્ણ તાકાતને જેટલી કામે લગાડીએ તેટલું આપણે આપણા તેમ જ આપણી આસપાસના લોકો માટે એ ભાવિનું નિર્માણ કરીએ છીએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)