ગઈ કાલે (30 એપ્રિલે) એસએસસીનાં રિઝલ્ટ આવ્યાં. મુંબઈથી એક કિશોરનો ફોન આવ્યોઃ “સ્વામી, મેં 98 પર્સેન્ટ ધારેલા, પણ 94 આવ્યા… મારું કેલક્યુલેશન ક્યાં ખોટું પડ્યું?”
કિશોર, યુવાન, કૉર્પોરેટ ક્ષેત્રે કે પછી ખેલકૂદ ક્ષેત્રે- માણસ માત્ર જીવનમાં સારો, વધુ પર્ફોર્મન્સ આપવા, સારા માનવી બનવા તરફ સહેજે પ્રયત્નશીલ રહે છે. દરેક વ્યક્તિ પરફેક્ટ બનવાનો પ્રયત્ન કરે છે, પણ પરફેક્શનની વ્યાખ્યા શું? સર્વગુણસંપન્ન કોને કહેવાય?
ખરું જોતાં પરફેક્શનનો અંત જ નથી. સમાજમાં આજે એક જાતની સ્પર્ધા ચાલે છે શ્રેષ્ઠતા પુરવાર કરવાની. પરંતુ એક વાસ્તવિકતા તો સ્વીકારવી જ રહી કે, દુનિયાની આશરે સાત અબજની વસતીમાં શેરને માથે સવાશેર બેઠો જ હોય છે. એટલે પરફેક્શન જ્યાં સુધી પોતાની જાત માટે હોય ત્યાં સુધી તે આશીર્વાદરૂપ છે, પરંતુ જ્યારે સ્વયંને અન્ય કરતાં શ્રેષ્ઠ પુરવાર કરવા માટે કે બીજા માટે હોય ત્યારે હતાશા, ગ્લાનિ, સ્ટ્રેસ અને અફસોસ સિવાય કંઈ હાથમાં આવતું નથી, કારણ કે આપણે શ્રેષ્ઠતાના સર્ટિફિકેટ બીજા પાસેથી ઝંખતા હોઈએ છીએ, જેના કારણે તેની અસર માનવ સંબંધો ઉપર પણ પડે.
માની લો કે તમે પરફેક્શનિસ્ટ છો- તો તમારી આંખો સતત ઑફિસની સ્વચ્છતામાં, કર્મચારીઓનાં કાર્યોમાં, ઘરની રસોઈમાં, સંતાનોના અભ્યાસ આદિમાં દરેક જગ્યાએ ઊણપ જ શોધતી ફરશે, જેના કારણે સામેવાળી વ્યક્તિએ જે ભાવથી, મહેનતથી, સમયનો ભોગ આપી સારું કામ કર્યું હશે તેને તમે વધાવી નહીં શકો. સમયાંતરે લોકોને પણ ખ્યાલ આવી જશે કે તમારી પાસેથી પ્રોત્સાહનની અપેક્ષા રાખવી વ્યર્થ છે, પરંતુ મહાન પુરુષો એ સત્યને સ્વીકારે છે કે આ દુનિયામાં કોઈ માણસ પૂર્ણ નથી. હું સ્વયં પૂર્ણ નથી, તે વિચારથી તેઓ બીજાની અપૂર્ણતાનો સ્વીકાર કરી શકે છે અને મધ્યમ માર્ગો કાઢી જીવનનું માધુર્ય અકબંધ રાખે છે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે કલામ સાહેબના બાળપણનો એક સુંદર પ્રેરક પ્રસંગ છે. એ લખે છે કે એક રાતે અમે જમવા બેઠાં ત્યારે માતાએ મારા પિતાના ભાણામાં શાક અને બળી ગયેલી રોટલી મૂકી. બળેલી રોટલી જોઈને પિતા શું કહેશે, કરશે એ જોવા હું આતુર હતો. પિતાએ શાક-રોટલી મેંમાં મૂકીને મારા અભ્યાસ વિશે પૃચ્છા કરવા માંડી. વચ્ચે એમને અટકાવીને માતાએ બળેલી રોટલી બદલ માફી માગી. પિતાએ સહજતાથી કહ્યું કે “મને તો બળેલી રોટલી ભાવે છે, તમે જરાયે ચિંતા ન કરશો.”
એ રાતે મેં સૂતી વેળાએ મેં પિતાને પૂછ્યું કે, “શું ખરેખર તમને બળેલી રોટલી ભાવે છે?”
પિતાનો જવાબ હતોઃ “જો, તારી મા આખો દિવસ કામ કરીને થાકી ગઈ હોય… એ ભાણું પીરસે તે સમયે બળેલી રોટલી દિલને દઝાડતી નથી, પણ બળેલા શબ્દો હૃદયને દઝાડે છે. જીવન ભૂલોથી ભરેલું છે. હું પોતે સંપૂર્ણ નથી અને વર્ષોના અનુભવ પરથી હું એક વસ્તુ શીખ્યો છું કે એકબીજાની ભૂલોને સ્વીકારી આપણે સંબંધોનો આનંદ માણવો જોઈએ.”
આપણે સંપૂર્ણ નથી તે સત્યને લક્ષમાં રાખીને બીજાની અપૂર્ણતાને પ્રેમથી સ્વીકારી લઈએ તો જીવન મધુર બને છે. ગુજરાતમાં ગાંધીનગરમાં રહેતો મા-બાપ વગરનો દીકરો અક્ષરેશ. તેના દાદાએ તેને સારો અભ્યાસ થાય તે માટે વિદ્યાનગર છાત્રાલયમાં મૂક્યો. ફી નજીવી હતી, પણ ૧૬-૧૭ વર્ષના આ યુવાને ફીની રકમ મોજશોખમાં ઉડાડી દીધી. પછી છાત્રાલયના સંચાલકો તરફથી ફીની માગણી થતાં એ મૂંઝાયો. પોતાની મૂંઝવણ તેણે પત્ર દ્વારા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ આગળ પત્ર લખીને વ્યક્ત કરી. એમાં એણે ભૂલની માફી માગી અને ભવિષ્યમાં આવું નહીં બને તેવી ખાતરી આપી. સ્વામીશ્રીએ સામે પત્ર લખી અભ્યાસમાં ધ્યાન આપવા જણાવ્યું. પુનઃ ભૂલ ન થાય તે માટે જાગૃતિ આપી.
અક્ષરેશ કહે છે કે આ ઘટના બાદ છાત્રાલયમાં કોઈએ તેની પાસે ફી ન માગી. બે વર્ષ પછી જ્યારે તે ઘરે ગયો ત્યારે તેના દાદાએ તેને એક પત્ર વંચાવ્યો. પત્ર પ્રમુખસ્વામી મહારાજે દાદાજી પર લખ્યો હતો. ‘ઠાકોરભાઈ, તમારા પૌત્રથી ભૂલ થઈ છે, પણ તેને ભૂલનું ભાન થયું છે તો તેને માફ કરી દેજો. ફીની સહેજ પણ ચિંતા ન કરતા. ભગવાન બધું સારું કરશે.’ પ્રમુખસ્વામી મહારાજ તો પૂર્ણ પુરુષ હતા, છતાં બીજાની અપૂર્ણતાઓને સ્વીકારી શકતા હતા. એટલે જ લોકો તેમણે ચાહતા હતા.
રવીન્દ્રનાથ ટાગોર કહેતા, મારા જીવનની છેલ્લી સલામ એ વ્યક્તિઓને જે જાણતી હતી કે હું અપૂર્ણ છું છતાં મને પારાવાર પ્રેમ આપ્યો.
(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
