પ્રકાશપર્વએ અંતરમાં પ્રકાશ પ્રગટાવીએ…

હિંદુ પંચાંગ પહેલાં સંવત 2079એ વિદાય લીધી અને આપણે સંવત 2080માં પ્રવેશી ગયા. નવા વર્ષના મંગળ પ્રભાતે હજારો-લાખો શ્રદ્ધાળુઓ સવારના પહોરમાં ઊઠીને પોતપોતાના ઈષ્ટદેવનાં દર્શને જતા હોય છે. સામાન્ય રીતે ભક્તો મંદિરે દર્શને કરીને સંતોના આશીર્વાદ લેવા આવે ત્યારે પોતાની-પોતાના પરિવારનાં સુખશાંતિ, આરોગ્ય સારાં રહે એવા આશીર્વાદ લેતા હોય છે. આ નૂતન વર્ષે એક ભાઈએ મને કહ્યું, સ્વામી, આમ તો હું દર વર્ષે એક ચોક્કસ રકમ દાનધર્માદા પાછળ ખર્ચતો હોઉં છું. મને આશીર્વાદ આપો કે આ વર્ષે એ રકમમાં વૃદ્ધિ થાય, સંપત્તિનો અહંકાર ન આવે, નાનામોટા દરેક પ્રત્યે સમાદર દાખવું. આટલું કહી, આશીર્વાદ લઈ એ સજ્જન જતા રહ્યા.

કેટલો સરસ સંકલ્પ. અલબત્ત, એવું નથી કે આવા સંકલ્પ માત્ર આ ભાઈએ જ કર્યો હશે. પણ મને આ સમાદરવાળી વાત સ્પર્શી ગઈ. મોટા ભાગના લોકો પોતાનામાં સજ્જનતા પ્રગટાવવાનો પ્રયત્ન કરતા રહેતા હોય છે; અને એ પામવા માટે વિવિધ પ્રેરણાસ્રોતનો આશરો પણ લેતા હોય છે. પરંતુ આ સજ્જનતા, જ્યાંથી આવી છે, એવા ભગવાન અને ભગવાનના ધારક સંત જ્યારે આ પૃથ્વી ઉપર આપણા જેવા માનવ થઈને ૫ધારે છે ત્યારે તેઓનું વર્તન જ આપણને એ સજ્જનતા શીખવી જતું હોય છે.

ભગવાન શ્રીરામ વનયાત્રા દરમિયાન સીતા-લક્ષ્મણની સાથે એક સાંજે શૃંગબેરપુર પહોંચ્યા. શૃંગબેરપુર ભીલોની નગરી, અભાવમાં જીવનારી પ્રજા. નગરીના રાજા હતા નિષાદરાજ ગૃહ. એમને ખબર પડી કે અયોધ્યાના રાજકુમારનું આગમન થયું છે તો તેઓ દોડીને આવ્યા, ફળ, ફૂલની ભેટ ધરી ભગવાનને દંડવત્ પ્રણામ કર્યાં. તેના પ્રેમને નીરખતાં ભગવાને ગુહને પોતાની પાસે બેસાડી તેના ક્ષેમકુશળ પૂછ્યા. ત્યાર બાદ ગૃહે પોતાની નગરીમાં પધારીને સેવાનો લાભ આપવા ભગવાન શ્રીરામને વિનંતી કરી ત્યારે પ્રભુ શ્રીરામે પ્રેમસભર પ્રત્યુત્તર આપ્યોઃ ‘મિત્ર! તારો પ્રેમ અદભુત છે, પણ પિતાની આજ્ઞાથી મારે વનમાં જ નિવાસ કરવાનો હોવાથી, તારા નગરમાં નહીં આવી શકું.’

ભગવાન શ્રીરામે વનવાસી ગૃહને પોતાના મિત્ર કહ્યા! પોતાની નજીક બેસાડ્યા! આ જોઈ સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કહે છે કે રામરાજ્યનો પ્રારંભ અહીંથી જ થઈ ગયો હતો; જયાં રાજા અને પ્રજા પરસ્પર મિત્ર બની રહે, જ્યાં રાજા નાનામાં નાની વ્યક્તિને પણ પોતાની સમીપ બેસાડે, તેના ખબરઅંતર પૂછે અને તેને પ્રેમ કરે તે જ રામરાજ્ય.

ભગવાનને મન કોઈ નાનું નથી અને કોઈ મોટું નથી. સૌને તેઓ સમાનભાવે પ્રેમ આપે છે. એ જ રીતે ભગવાનના ધારક સંતની પણ આ જ પ્રકૃતિ હોય છે.

વળી સજ્જનતાનું પહેલું લક્ષણ જ એ કે તે વ્યક્તિમાં વિનમ્રતા જન્મ, તેને વ્યક્તિ વ્યક્તિ પ્રત્યે ઘૃણા તો લેશમાત્ર હોય જ નહીં, ઉપરથી તેને સૌમાં ભગવાનનાં દર્શન થતાં હોય. ભગવાન અને સંતના જીવનમાં રહેલી નમ્રતા અને સૌ પ્રત્યેના પ્રેમનું વલણ જો આપણા જીવનમાં વણાઈ જાય તો વગર પ્રયત્ને સજ્જનતા આપણામાં નિવાસ કરીને રહે! આપણા ઘરમાં, અડોશ-પડોશમાં, ઑફિસ-દુકાનમાં કે સમાજમાં… વ્યક્તિ ભલે પદ-હોદ્દાની દૃષ્ટિએ નાની હોય, પણ આપણા તરફથી તેને અપાયેલો આદર સામેની વ્યક્તિમાં આત્મવિશ્વાસનો અને આપણામાં નમ્રતા-સજ્જનતાનો અનેક ગણો ગુણાકાર કરી આપે છે.

તો ચાલો, આ નૂતન વર્ષે આપણે પણ સૌનો આદર કરીએ, જે સમાજે આપ્યું તેને પાછું વાળી ઋણસ્વીકાર કરીએ, સૌમાં ભગવાનનાં દર્શન કરીએ તથા ભગવાન અને સંતના માર્ગે ચાલી, સ્વયંમાં સજ્જનતાનો સૂર્યોદય પ્રગટાવીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)