તમે સ્કૂલમાં આ પાઠ ભણ્યા જ હશો. ધાર્યા નિશાન પર તીર તાકીને ઊભેલા અર્જુનને ગુરુ દ્રોણાચાર્ય પૂછે છે કે “તને તારી આસપાસ શું દેખાય છે”?
અર્જુન કહે છેઃ “હે ગુરુવર્ય, મને તો પક્ષીની એક આંખ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી”.
શ્રી અર્જુનનો જ એક બીજો પ્રસંગઃ દ્રૌપદી-સ્વયંવરમાં ત્રાજવાંનાં બે પલ્લાંમાં પગ સ્થિર કરી એમણે મત્સ્યવેધ કર્યો.
આવી ચપળ એકાગ્રતા ધરાવતા અર્જુને પણ શ્રી કૃષ્ણને કહ્યું હતું: “પ્રભુ, ચંચળ મનને હું સ્થિર કરી શકતો નથી”.
આ વ્યગ્રતા પાંચ હજાર વર્ષ પૂર્વેના માત્ર અર્જુનની જ નહીં, પણ પૃથ્વી પર વસતા કાળા માથાના દરેક માનવીની છે. માણસનાં શક્તિ-સામર્થ્યની વંદના કરતાં કહેવાયું છે કે એ ધારે તે કરી શકે. એણે વિરાટ કદનાં ઈલેક્ટ્રોનિક પંખી બનાવ્યાં. ટનબંધ એલ્યુમિનિયમના બનેલા પંખીની પાંખમાં સમાઈને હજારો કિલોમીટરનાં અંતર એ ગણતરીના સમયમાં કાપતો થયો. હજારો ટનની સામગ્રી સાથે સમુદ્ર પર સરકવા લાગ્યો, પવનવેગ દોડતી બૂલેટ ટ્રેનમાં ફરતો થયો. મોબાઈલ નામની અજાયબીથી એ આખી દુનિયા સાથે કનેક્ટેડ રહે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની તો દુનિયા જ જુદી.
આવી અપાર સિદ્ધિ મેળવનારો માણસ પોતાના મન સામે કેમ હારી જતો હશે? જંગલી પશુને આંગળીના ઈશારે નચાવનારો માણવ મન આગળ કેમ નાચવા લાગે છે? ભૂકંપમાં પણ અડીખમ રહે તેવા નિવાસ રચનારો માણસ મનના એક ઝપાટે કેમ ભોંયભેંગો થઈ જાય છે?
વરસ પૂરું થતાં માણસ જાતજાતના સંકલ્પ લે છેઃ સવારે વહેલો ઊઠીશ, દોડવા જોઈશ, ચાલવા જઈશ, યોગાસન કરીશ… પણ મન એમને એવા રમાડે કે અબી બોલા અબી ફોક.
કુવિચાર હોય, વ્યસન હોય, કુટેવ હોય કે ક્રોધી સ્વભાવ- મન સામે માણસ કાયમ હારી જાય છે. અભ્યાસ કે ખેલકૂદમાં મળેલી નિષ્ફળતાને અને પ્રેમ કે પરિવારમાં થયેલા કડવા અનુભવને મન ભૂલી જ શકતું નથી. કોઈનું મન સાવ ભાંગી જાય તો કોઈકનું થાકી જાય. એટલે જ, આજે મનોચિકિત્સકોના બારણે ભીડ લાગે છે.
તબિયત ફાઈન રાખવા આપણે ઘણું બધું કરીએ છીએ, પણ વધારે અગત્યનું એ છે કે મન પણ દુરસ્ત રહે. કહે છેને કે, મન જ મનુષ્યનાં બંધન અને મુક્તિનું કારણ છે.
સર્વે સુખ-દુઃખનું કારણ એવા અશાંત અને અસ્થિર મનને વશ કરવાનો ઉપાય બતાવતાં શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે: “મન ચંચળ છે, એને વશ કરવું મુશ્કેલ છે, પણ જ્ઞાનની પ્રાપ્તિ અને વૈરાગ્ય વડે તેને વશ કરાય છે”.
કેવું જ્ઞાન? મનને વશ કરવાનું જ્ઞાન. કૌશલ. આ કૌશલ પમાડે આપણાં મંદિરો, શાસ્ત્રો અને પવિત્ર સંતો. સનાતન સમસ્યાના ઉકેલ હંમેશાં આધ્યાત્મિક જગતમાંથી જ મળશે, બાકી તો માનવીના અસ્તિત્વનો હેતુ સમજવો જ અશક્ય છે.
માનવમનની શુદ્ધિ, સંવૃદ્ધિ, સ્થિરતા અને સલામતી માટે આધ્યાત્મિકતા જરૂરી છે અને આધ્યાત્મિકતાની સર્વાંગ સંપૂર્ણ સિદ્ધિ થાય તે માટે મંદિરો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા: “મનને સ્થિર કરે તે મંદિર. ઉચ્ચ જીવનની પ્રેરણા આપે તે મંદિર.”
પ્રમુખ સ્વામી મહારાજે મંદિરોનું માત્ર મહિમામંડન નથી કર્યું, પરંતુ પોતાના સંતો દ્વારા શાસ્ત્રજ્ઞાનની સરવાણી વહાવી શાસ્ત્રોને અનુમોદન આપ્યું. આમાં કોઈ હરીફાઈ કે કોઈને બતાવી આપવાનો આશય નહોતો. હેતુ એમનો એક જ હતોઃ લોકો જ્ઞાન પામી મનને સ્થિર રાખી શકે.
તો ચાલો, મનને અસ્થિર કરનારાં અનિષ્ટોથી દૂર રહીને મનને મજબૂત કરે તેવાં મંદિરો અને એ રીતે ગમે તેવી પરિસ્થિતિમાં આપણને સ્થિર રાખે તેવા ગુણિયલ સંતો તથા શાસ્ત્રોના સંગે રહી મનનું ઘડતર કરીએ, મનને મજબૂત બનાવવા કમર કસીએ.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
