તાજેતરમાં 31 ઑક્ટોબરે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલની જન્મજયંતી દેશભરમાં એકતા દિવસ તરીકે ઊજવાઈ. લોખંડી પુરુષનું બિરુદ પામનાર સરદારનું એક વિઝન હતું કે ભારત એક અખંડ રાષ્ટ્ર બને. આ માટે નાનાં નાનાં રજવાડાંને ભારતીય સંઘમાં ભળી જવા સમજાવવામાં તેમણે નોંધપાત્ર ભૂમિકા ભજવી.
દેશ-દુનિયાના મહાન પુરુષોએ ઈતિહાસ સર્જ્યો છે તેનું એક કારણ તેમનું વિઝન, દૂરંદેશી છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી આદિ સ્વાતંત્ર્યસેનાનીનું એક વિઝન નિશ્ચિત હતું તો આજે આપણે સ્વતંત્ર ભારતમાં આઝાદીનો શ્વાસ લઈએ છીએ. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે પોતાની આત્મકથામાં એક વાત નોંધી છેઃ ‘હું ભારતના ઘણા યુવાનોને મળ્યો છું. તેઓમાં અસાધારણ શક્તિ હોવા છતાં તેઓ તે શક્તિનાં યોગ્ય ફળ પ્રાપ્ત નથી કરી શકતા. આનું એક કારણ એ છે કે તેમની પાસે વિઝન અર્થાત્ દૂરંદેશી નથી, કરેલા સંકલ્પોનું એક સ્પષ્ટ ચિત્ર નથી. આથી બને છે એવું કે શું કરીશું, શું થશે ફેઈલ જઈશું તો જેવા વિચારોમાં એ અટવાયા કરે છે અને પોતાની યુવાની વેડફી નાખે છે.’
વર્ષો પહેલાં ચીનના સ્પૉર્ટ્સ કમિશનના ચૅરમૅન માઓ ઝેદોન્ગે નક્કી કર્યું કે ઑલિમ્પિક્સની બધી જ રમતમાં ચીન અગ્ર ક્રમાંકે હોવું જોઈએ. આ વિઝન સાથે તેમણે બાસ્કેટ બૉલની રમત પસંદ કરી. આ રમતમાં ખેલાડીની ઊંચાઈ છ ફૂટથી વધુ હોય તો સારો દેખાવ કરી શકે, જ્યારે ચીનની પ્રજાનાં શરીરનાં બંધારણ જ ઠીંગણા કદનાં છે. તો શું કરવું? આના ઉપાય રૂપે માઓ ઝેદોન્ગે ચીનમાં સૌથી ઊંચું કદ ધરાવતી એક કન્યા ફેંગ ઝ્ડગીને પસંદ કરી. 15 વર્ષની એ છોકરીને દેશ માટે બાસ્કેટ બૉલ રમવાનું કહ્યું. ફેંગે પ્રૅક્ટિસ શરૂ કરી. તે 28 વર્ષની થઈ ત્યારે ચીનનો એક ઊંચામાં ઊંચો પુરુષ સ્પૉર્ટ્સ કમિશને શોધી ફેંગને કહ્યું કે ‘દેશના ભવિષ્ય માટે તું આની સાથે લગ્ન કર.’
ફેંગ ઝડગીએ કમિશનની વાત માની પેલા ઊંચી હાઈટવાળા યુવાન સાથે લગ્ન કર્યાં. 1980ની 12 સપ્ટેમ્બરે ચીનમાં એક અસાધારણ બાળકનો જન્મ થયો. જેનું નામ હતું યાઓમિંગ (Vao ming). જન્મ સમયે તેના શરીરનું બંધારણ અને વજન જોઈ સૌ આશ્ચર્યચક્તિ થઈ ગયા. તે પળે ચીન સ્પૉર્ટ્સ કમિશનના વડા કહે, આ બાળકની અમે વર્ષોથી રાહ જોતા હતા. આ બાળક યુવાન થયો ત્યારે તેની ઊંચાઈ થઈ સાડાસાત ફૂટ, તે યાઓ મિંગે બાસ્કેટ બૉલમાં અનેક મેડલ મેળવ્યા, ચીન ઑલિમ્પિક્સમાં ચીનનું પ્રતિનિધિત્વ કર્યું. આને કહેવાય વિઝન, વિઝનનું પરિણામ.
કોઈ પણ કાર્ય માટે જ્યારે એક વિઝન અથવા લક્ષ નક્કી કરવામાં આવે છે, ત્યારે આપણને આપણી સુષુપ્ત શક્તિનો પરિચય થાય છે. આગળ જતાં આ જ શક્તિ આપણી સિદ્ધિનું મુખ્ય ચાલકબળ બની જતું હોય છે. તેથી સંકલ્પને સાકારત્વ સત્વર પ્રાપ્ત થાય છે.
અમેરિકન લેખક અને ઉદ્યોગપતિ જૅક વેલ્સ કહે છે, ‘ગુડ લીડર્સ ક્રિયેટ એ વિઝન, આર્ટિક્યુલેટ ધ ઝન, પૅશનેટ્લી ઓન ધ વિઝન ઍન્ડ રિલેન્ટલેસ્લી ડ્રાઈવ ઈટ ટુ કમ્પ્લિશન’ અર્થાત્ સારા નેતા એક વિઝન બનાવે છે, વિઝનને સ્પષ્ટ કરે છે, પૂરી લગન સાથે એ વિઝનના માલિક બની જાય છે, અને તેને સતત પૂર્ણ કરીને જંપે છે. ખરેખર, વ્યક્તિ માત્રે જોયેલું વિઝન તેને સફ્ળતા સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે.
માટે યુવાને પોતાની યુવાનીના ટૂંકા ગાળામાં જ સંકલ્પસિદ્ધિનું મિશન પાર પાડવાનું છે અને તેના માટે વિઝન નિશ્ચિત કરવાનું છે. જો એમાં મોડું થશે તો એ જીવનનું મૂરત ચૂકી જવાશે. ખલાસી ભરતીની તક લઈને હોડી પાણીમાં તરતી મૂકે છે, પરંતુ એક ભરતી ચૂક્યો તો પૂરા ચોવીસ કલાકની રાહ જોવી પડે.
તો, ઊભા થાઓ, હિંમત રાખો, મજબૂત બનો, તમારા પર પૂરેપૂરી જવાબદારી લો અને વિઝન સાથે પુરુષાર્થ કરવા મંડી પડો. તમારા ભાગ્યના દ્રષ્ટા તમે જ બની શકો છો.
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)