બે પેઢી વચ્ચેની મજબૂત સીડીઃ પરસ્પર સમજૂતિ

અંગ્રેજીના બે શબ્દ છે, જેનો આપણે અવારનવાર ઉપયોગ કરતા હોઈએ છીએઃ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અર્થાત્ પરસ્પર સમજૂતિ. એક પ્રસંગ છેઃ સરદાર વલ્લભભાઈ પટેલના પૌત્ર બિપિને અમેરિકાથી આવીને દાદાજીને એટલે વલ્લભભાઈને મળવા જવાની ઈચ્છા વ્યક્ત કરી. પિતા ડાહ્યાભાઈએ તેને કહ્યું, ‘તું આવાં મિલમાં બનેલાં કપડાં પહેરીને દાદાને મળવા જાય તો એમને કેવું લાગશે? તે તો ખાદીનાં વસ્ત્રના આગ્રહી છે.’ પરંતુ બિપિને એમની વાત ગણકારી નહીં ને એ વલ્લભભાઈ પાસે પહોંચી ગયો. તેનાં કપડાં જોઈને સરદારની સંભાળ રાખતાં તેમનાં પુત્રી અને બિપિનનાં ફઈ મણિબહેન પણ ખિજાયાં- ‘આવાં કપડાં પહેરીને દાદા પાસે જઈશ તો એ તને વઢશે, પણ બિપિને એમની વાત પણ કાને ન ધરી.

સરદારની ચકોર નજરે બિપિનનાં આધુનિક કપડાંની નોંધ લઈ લીધી. હવે બિપિનને જરા બીક લાગી, પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે સરદાર આ બાબતે કંઈ જ ન બોલ્યા. મણિબહેને એનાં વિદેશી કપડાં અંગે ટકોર કરી તો સરદારે શાંતિથી કહ્યું, ‘બિપિન હવે નાદાન બાળક નથી કે આપણે એને લખી વાત સમજાવવો પડે. એને શ્રદ્ધા ન હોય તો એ ખાદી ન પહેરે… એમાં વળી શું મોટી વાત છે? શ્રદ્ધા વગર પરાણે ખાદી પહેરવાનો અર્થ નથી.’

દાદાજી પોતાને સમજી શકે છે એ જાણીને બિપિન રાજી થઈ ગયો. તે પછી એણે ખાદી પહેરવી શરૂ કરી કે નહીં એ લખીને વાત લંબાવવાનો અર્થ નથી, પણ મૂળ વાત છે પરસ્પર સમજૂતિ. વાલીઓ ઘણી વાર પોતાના વિચારો સંતાનો ઉપર પરાણે ઠોકી બેસાડવાના પ્રયત્ન કરે છે. સંતાનોની પસંદ-પસંદને, એની સમજૂતિને જાણવા-સમજવાનો પ્રયાસ પણ કરતાં નથી. આથી બન્ને વચ્ચે એક ખાઈ રચાય છે, અંતર વધવા માંડે છે.

એક સમયે સંતાન માતા-પિતાથી જુદું પડતાં હીજરાતું હોય તે સંતાન પછીથી તેમની સાથે વાત કરવામાં પણ નામરજી બતાવવા માંડે, મિત્રો સાથે કલાકો સુધી ગપ્પાં મારે, પણ વાલી સાથે જરૂર પૂરતી પણ વાત નથી કરતું. આમ થવાનું કારણ શું? સંતાનોને એવું લાગે છે કે વાલી અમને સમજતા જ નથી. પરિણામે ખાઈ વધુ ને વધુ ઊંડી થતી જાય છે.

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં દર્શને એક વાર અમદાવાદમાં કેટલાક કિશોરો આવ્યા. તેમાંના એકે કાનમાં બૂટિયાં પહેર્યાં હતાં તેથી તે વરણાગી જેવો દેખાતો હતો. એના વડીલે સ્વામીશ્રીને કહ્યું, ‘જુઓને, આ બૂટિયાં પહેરે છે. કેવો લાગે છે. એણે બૂટિયાં પહેરવાં જોઈએ?’

 

સ્વામીશ્રી કહે, ‘કેમ, એમાં શું વાંધો છે? તમને આ નવું લાગે છે, પણ પહેલાં તો ચરોતરમાં અને બધે પહેરતા હતા.’

સ્વામીશ્રી પોતાના પક્ષમાં હતા એટલે યુવક રાજી થયો. એવામાં પેલા વડીલે ફરી પૂછ્યું, ‘એટલે પહેરી રાખે તો વાંધો નહીંને?’

ત્યારે સ્વામીશ્રી કહે, ‘આપણે પહેરી રાખીએ ને એ મેળવવા ચોર કાન ફાડી નાખે, એવું ઘરેણું શા કામનું?’ એમની વાણીમાં આગ્રહ નહોતો, પણ કેવળ એક સમજણ હતી. આ સાંભળીને પેલા યુવાને તરત જ યરિંગ્ઝ કાઢી નાખ્યાં.

પરસ્પર આદર, પરસ્પર મરજી ન હોય છતાં કંઈ કરાવવું તેમાં ભલીવાર ન આવે. આનો અર્થ એ નહીં કે દરેક વાતે અનુકૂળ થઈ જ જવું. જરૂર પડ્યે સંતાનોને ટોકવાં, પણ તે પહેલાં સંતાનો સાથે સ્નેહતંતુથી જોડાઈ જવું. સ્નેહ એવો હોવો જોઈએ કે સંતાનો પોતાના અવિચારી નિર્ણયો છોડીને તમે  કહો તેમ અનુસરવા તૈયાર થઈ જાય.

-અને આ વાત માત્ર સંતાનો પૂરતી જ સીમિત નથી. બીજાને સમજતા શીખીએ, સ્નેહપૂર્વક સમજાવતા અને અનુકૂળ થતા શીખીએ. બીજાને સમજતાં શીખીશું તો બને કે તમને લોકો સાથે જે સમસ્યા હોય તે આપોઆપ દૂર થઇ જાય. કંઇ કેટલાંય સંબંધાએ આ જ રીતે સચવાઇ જશે અને બગડ્યાં હોય તો સુધરી જશે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)