એક પથ્થર અથડાય ને મકાન તૂટી પડે?

વિક્રમ સંવત 2081ના આરંભમાં આ સમાચાર વાંચવામાં આવ્યા. મધ્ય પ્રદેશના ભોપાળની ઘટના. એક સજ્જન પત્ની સાથે દિવાળીની ખરીદી કરવા શહેરના સ્ટોરમાં ગયા. દુકાનદાર સજ્જનને એમનું બજેટ પૂછ્યું. સજ્જને કહ્યું કે હજારેક રૂપિયા સુધી ચાલે. જો કે વસ્તુ સારી હોય તો વધુ પૈસા આપવાનો વાંધો નહીં. જવાબમાં દુકાનદારે એટલું જ કહ્યું કે, “કાકા, હું તમને અલગ અલગ રેન્જની વસ્તુઓ બતાવીશ.”

દુકાનદારે ‘કાકા’ સંબોધન કરતાં સજ્જન ગુસ્સે ભરાયા. એમણે ચેતવણી આપી કે “ફરીથી કાકા ન કહેતો.” અને એ ખરીદી કર્યા વિના નીકળી ગયા. થોડી વારમાં એ કેટલાક મિત્રો સાથે એ જ દુકાન ગયા, દુકાનદારને સ્ટોરની બહાર ખેંચીને ઢોરમાર માર્યો.

આ કેવું? એક પથ્થરનો ઘા કરીએ ને મકાન તૂટી પડે તો એના બાંધકામને કેટલું મજબૂત ગણવું? એક જ વાર ધોવાથી કપડું ચડી જાય કે રંગ ઊતરી જાય તો એને કેટલું ટકાઉ ગણવું? એક પંખી બેસે અને ડાળ તૂટી જાય તો એ ઝાડ કેટલું બરડ કહેવાય? આજના મૉડર્ન યુગમા જીવતા માણસનાં જીવન પણ મહદ અંશે આવા જ થઈ ગયાં છે.

લેખના પ્રારંભમાં સજ્જન-દુકાનદારની સત્ય ઘટના ટાંકી એવી તો દરરોજ અસંખ્ય ઘટે છે. નજીવી વાતે મારપીટની ઘટનામાં સહનશક્તિ, માફી, જતું કરવું જેવી વાતોને બાજુ પર રાખીને કેવળ આઘાત સામે પ્રત્યાઘાતનો નિયમ વિચારીએ તો પણ અહીં નુકસાન કોનું થયું?

આજે સમય એવો બારીક છે કે સંતાનને અભ્યાસ પર ધ્યાન આપવાનું કહેતાં મા-બાપને ડર લાગે છે. આપણા વડીલો કહેતા કે સોટી વાગે ચમચમને વિદ્યા આવે ઝમઝમ, પરંતુ આજે શિક્ષકથી થોડું વધારે કહેવાઈ જાય, માતા-પિતાથી ઠપકો અપાઈ જાય તો બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ મૃત્યુ વહાલું કરે છે. અરે, સુખ-શાંતિભર્યાં ગૃહસ્થજીવન પણ સહેજ અમથી વાતમાં છૂટાછેડા અને આત્મહત્યા સુધી પહોંચી જાય છે, સુખી સંસાર વેરવિખેર થઈ જાય છે.

‘દુર્લભો માનુષો દેહ’ અર્થાત્ અતિશય દુર્લભ એવા મનુષ્યદેહની કિંમત જણાવતા અમેરિકન પ્રોફેસર મોરોવિટ્સ કહે છે કે, ‘આત્મા વગરના કેવળ મનુષ્યદેહની કિંમત 6000 ટ્રિલિયન ડૉલર છે’. શું અમુક વેણ, એક મોબાઈલ ન અપાવવો કે કાકાનું સંબોધન જેવાં કારણ દુર્લભ જીવતરને ટૂંકાવી દેવા માટે યોગ્ય છે? આવી રીતે રજનું ગજ કરવું યોગ્ય છે? થોડો વિચાર તો કરો.

આજનો માનવી સજ્જનતા અને માનવતાનો ભવ્ય વારસો ભૂલી, અસંયમિત અને અનિયંત્રિત એવા જીવનમાં ફસાઈ રહ્યો છે. કડવા શબ્દો બોલાઈ ગયા, ખાવાનું ખૂટી પડ્યું, મોબાઈલ જોવા ન દીધો, જેવા નાના નાના પ્રશ્નો માટે જીવન વેડફતાં પહેલાં સહેજ વિચારવું તો જોઈએને.

મહારાષ્ટ્રના એક ગામમાં થોડાક મશ્કરા યુવકોએ કોઈ મહાત્માનું મૂંડન કરી, એમના માથે ચૂનો ચોપડી, ગળામાં શાકભાજીનો હાર પહેરાવી ગધેડા પર ઊંધા બેસાડી આખા ગામમાં ફેરવ્યા. છતાં એમનું રૂવાડુંય ન ફરક્યું. એ તો ઘરે જઈ પત્નીને કહે કે, “જમવા માટે શાકભાજી આવી ગયાં, આપણાં લગ્ન વખતે ફુલેકું નહોતુ થયું તે આજે થઈ ગયું, માથાનો ખોડો પણ વગર ખર્ચે મટી ગયો.”

એ મહાત્મા એટલે સંત તુકારામ. તેઓ આવું વર્તી શક્યા, કારણ કે તેઓના શાણપણયુક્ત વિચારો સ્પષ્ટ હતા.

મહેલમાં રહેનારને એકાદ દિવસ મચ્છર કરડે તો તે મહેલનો ત્યાગ નથી કરતો. ગાડીના વાઈપર ન ચાલતાં હોય તો કોઈ ગાડી નથી ફેંકી દેતું. તેમ આપણે પણ નાની સરખી વાતનો શોરબકોર કરવાને બદલે વિચારપૂર્વક, જાત પર થોડો સંયમ કેળવી સાચા અર્થમાં જીવન જીવતાં અને માણતાં શીખીએ તો?

એક અંગ્રેજી કાવ્યનો સાર છેઃ “આઈ કૅન ટેલ યૂ હાઉ ટુ લિવ બટ ઈટ્સ અપ ટુ યૂ ટુ લિવ ઈટ” અર્થાત્ કેવી રીતે જીવવું તે વિશે બોધપાઠ હું આપી શકું, પરંતુ કેમ જીવવું તે તો તમારા હાથમાં છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)