તમે એકલા નથી!

આ સમયમાં એકલતાનો વૈશ્વિક રોગચાળો વ્યાપેલો છે, જે માનસિક સ્વાસ્થ્યને નોંધપાત્ર રીતે અસર કરી રહ્યો છે. આપણામાંના ઘણાને જીવનની ઘણી ઘટનાઓમા પોતે પ્રેમથી વંચિત હોય તેવું લાગે છે અને એકલતા જણાય છે. તમને તમારા સાથી, બાળકો અથવા તમને જે જે મેળવવાની આકાંક્ષા હતી તે તમામ વસ્તુઓની વચ્ચે પણ એકલતા લાગી શકે છે. લોકો એવું વિચારે છે કે,”જો હું લગ્ન કરી લઉં તો મારી એકલતા જતી રહેશે.” પરંતુ તમારે પરિવાર હોય તો પણ એકલતાની ભાવના કાયમ માટે જતી રહેતી નથી. એવા સમય હોય છે જ્યારે માતાઓ, પતિઓ કે પિતાઓને એકલવાયું લાગતું હોય છે. આમ થવાનું કારણ એ છે કે કોઈનો સહવાસ તમારી એકલતા દૂર કરી શકતી નથી. જો કરી શકે તો પણ તે ટૂંકા સમય માટે જ હોય છે.

જો તમને એવું લાગતું હોય કે મને કોઈ પ્રેમ કરતું નથી તો જાણી લો કે તમે આલિંગન કરો તે માટે સૃષ્ટિ તમારી રાહ જુએ છે. તેના સર્વ સ્વરૂપોમાં — વાયુ, જળ, કલબલાટ કરતા પક્ષીઓ, ખીલતા પુષ્પોમાં તમે પ્રેમી જોઈ શકશો. આ પૃથ્વી તમને પ્રેમ કરે છે; માટે તો તે તમને તેના ગુરુત્વાકર્ષણ બળથી સીધા ઊભા રાખે છે. હવા તમને પ્રેમ કરે છે; આથી જ તમે ઊંઘતા હોવ ત્યારે પણ તે તમારા ફેફસામાંથી પસાર થાય છે. ઈશ્વર તમને ખૂબ પ્રેમ કરે છે. એક વાર તમને આ માન્યતાની પ્રતીતિ થઈ જાય તો તમને ક્યારેય એકલું નહીં લાગે.

જાગ્રત થવાનો સમય આવી ગયો છે!

જ્યારે તમે કામ કરતા કરતા ખૂબ થાકી જાવ છો ત્યારે તમારી પાસે બેસીને એકલતા વિશે વિચાર કરવાનો સમય હોય છે? જાગો! મારા વ્હાલા, તમે એકલા નથી! કદાચ તમારી પાસે સમયની ઘણી મોકળાશ છે. પોતાની જાતને વ્યસ્ત રાખો, કેટલાય કામ અને પ્રવૃત્તિઓ કરવાના હોય છે. જ્યારે તમે અન્યો પાસેથી કોઈ અપેક્ષા રાખો છો ત્યારે તમને એકલતા લાગે છે. પરંતુ જ્યારે તમે ‘જોઈએ છે’ ને બદલે ‘આપવું છે’ એવો બદલાવ લાવો છો ત્યારે તમે અન્યોને ખુશી આપતા થાવ છો. તમારો પ્રેમ પામવા માટે દુનિયા રાહ જોઈ રહી છે. જો તમે પ્રેમની ભીખ માંગતા ભટક્યા કરશો તો તમને માત્ર વધારે લપડાક મળશે. પરંતુ જો તમે કહેશો કે,”હું અહીં બધાને મદદ કરવા ઈચ્છું છું, હું તમને ખુશ કરવા માટે આવ્યો છું” તો તમે અનુભવશો કે તમે એક તદ્દન અલગ અવકાશમાંથી ક્રિયાશીલ હોવ છો.

તમને એકલું લાગે છે કારણ કે તમે ક્યારેય તમારા પોતાના ઊંડાણમાં ઉતર્યા નથી.જે ક્ષણે તમે સજાગ થાવ છો અને પોતાના આંતરિક સાચા સ્વરૂપને પિછાણો છો ત્યારે તમામ ડર અને નકારાત્મકતાઓ અદ્રશ્ય થઈ જાય છે. ઘણા લોકોને એ ખ્યાલ નથી આવતો કે એકલવાયું લાગવું એ આશીર્વાદ હોઈ શકે છે–કારણ કે એનો અર્થ એ થાય છે કે તમે અન્ય યાત્રા કરવા માટે,કંઈક વિશિષ્ટ છે તેને જોવા માટે,તૈયાર છો.

પરંતુ જો તમે એકલતાની ભાવનામાંથી સહેલાઈથી બહાર નથી આવીશ શકતા તો બેસીને આંખો બંધ કરો અને એ અવકાશમાં પહોંચો જ્યાં તમે, માત્ર તમે જ, છો. એ એકાંતમાંથી તમે સમસ્ત સૃષ્ટિ સાથે સંકળાઈ શકશો. તમે પરમાનંદ બની જાવ છો અને આવું માત્ર ધ્યાન થકી જ કરી શકાય છે. ધ્યાન ઉચ્ચતમ કક્ષાની ખુશી આપે છે. તે એ આનંદ છે જે એક ઊંડા, રહસ્યમય સ્રોતમાંથી ઉદ્દભવે છે–જે ઈન્દ્રિયજન્ય તથા સર્જનાત્મક ખુશીથી પણ ચઢી જાય છે. આ આનંદ ગહેરો હોય છે અને સૃષ્ટિ સાથે ઐક્યની ભાવના આપે છે. આ આનંદ માત્ર ગહેરા ધ્યાનની અવસ્થામાંથી જ ઉદ્ભવે છે જ્યાં વ્યક્તિ શાંતિ, મુક્તિ અને મનની મર્યાદાઓથી પણ અધિક સમજણનો અનુભવ કરે છે. શાસ્ત્રોમાં પણ વર્ણવ્યું છે કે આ આનંદ કોઈ પણ શારીરિક આનંદના કરતાં હજારો ઘણો વધારે હોય છે.

હંમેશા યાદ રાખો કે તમે અહીં માત્ર આનંદનો પ્રસાર કરવા આવ્યા છો. તમારી સાથે કંઈક સમાનતા હોય તેવા લોકોને મિત્રો બનાવો અને એકબીજાની ઉન્નતિ કરો. જ્ઞાન સાથે મિત્રતા કેળવો. પડકારભર્યા સમયમાં તમારામાંથી શ્રેષ્ઠ નીપજે અને સારો સમય તમને દુનિયાનું શ્રેષ્ઠ આપે છે. જીવન આ બન્નેનું સંયોજન છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)