કહેવાતી સફળતા કે માનસિક શાંતિ આ બંને માંથી તમે શું પસંદ કરશો?

કોઈ પણ ક્ષેત્રમાં મળતી કહેવાતી સફળતા અને સાચી માનસિક શાંતિ – આ બંને વિકલ્પોમાંથી જો એક પસંદ કરવાનો હોય તો વર્તમાન સમયમાં વિશ્વ શું પસંદ કરશે? ટોકિયો ઓલિમ્પિક્સ -૨૦૨૧ દરમ્યાન અમેરિકન જિમનાસ્ટિક ખેલાડી સાયમન બાઈલના આંતરિક-માનસિક સંઘર્ષની ઘટનાનાં સંદર્ભમાં સમગ્ર વિશ્વ અને રમતગમત ક્ષેત્ર માંથી જે પ્રતિભાવ મળ્યો, તે ઉપરથી ચોક્કસ કહી શકાય કે આજે વિશ્વ માનસિક શાંતિને સૌથી વધુ પ્રાધાન્ય આપી રહ્યું છે. એક તરફ ઓલિમ્પિક્સમાં મળતા જુદા જુદા ચંદ્રકોની યશોગાથાઓ તથા ઉત્સવ, અને બીજી તરફ એક ઉજ્જવળ કારકિર્દી ધરાવતાં ખેલાડીનું માનસિક રીતે ભાંગી પડવું: જેવી ઘટનાઓ દ્વારા, જીત હાંસલ કરવા માટે રમતવીરો કેવી તીવ્ર વેદના અને માનસિક સંઘર્ષમાંથી પસાર થતાં હોય છે, તે સત્ય ઉજાગર થયું છે અને તે ખરેખર ચિંતાજનક છે.

તંદુરસ્ત સ્પર્ધા, આનંદ, સંવાદિતા અને સ્વાસ્થ્ય એ રમતગમતનો ઉદ્દેશ્ય છે. પરંતુ, જે પ્રવૃત્તિનો ઉદ્ભવ જ માનવ મનનાં ઊર્ધ્વીકરણ અને પ્રસન્નતા માટે છે તે જ અત્યારે પીડાનો સ્ત્રોત બનવા લાગી છે. પરિણામ લક્ષી તાલીમ, અપેક્ષાઓનો બોજ અને ખેલાડીની પ્રગતિની સતત વિવેચના જેવાં પરિબળોને કારણે ખેલાડીના માનસિક સ્વાસ્થ્ય અને સંતુલન ઉપર ઊંડી નકારાત્મક અસર પડે છે.

આટલું ધ્યાન રાખો:

રમતનું મેદાન, યુદ્ધ ભૂમિ નથી: રમતગમત ક્ષેત્રે, જેમ જેમ સ્પર્ધાનું વાતાવરણ વધતું જાય છે, તેમ તેમ જાણે રમતનું મેદાન, રણભૂમિમાં ફેરવાતું જાય છે. જીતવાનું દબાણ, ખેલાડીઓની નીતિમત્તા ઉપર પણ અસર કરે છે. સ્પર્ધા દરમ્યાન વધુ સારો દેખાવ કરવા માટે ખેલાડીઓ ઉતેજનાત્મક પદાર્થો: ડ્રગ્સનું સેવન કરે છે. આ બધાંની પાછળનું મુખ્ય કારણ સ્ટ્રેસ છે.

રમત પૂરેપૂરી રમો: ખેલાડીઓને અપાતી ટ્રેનિંગ સંપૂર્ણ નથી. શારીરિક તાલીમ માટે તથા રમતગમતની અન્ય કુશળતાઓ માટે ખેલાડીઓને વર્ષો સુધી, પ્રતિદિન સઘન તાલીમ આપવામાં આવે છે. પરંતુ આ તાલીમ દરમ્યાન તેમનાં આંતરિક પાસાંને દ્રઢ બનાવવા માટે શું કરવું જોઈએ તે પરિમાણ પ્રત્યે લક્ષ્ય આપવામાં આવ્યું જ નથી.

એક દ્રઢ મન, નિર્બળ શરીરનું સંચાલન કરી શકશે પરંતુ જો મન નિર્બળ હશે તો શરીર ગમે તેટલું સુદ્રઢ હશે તો પણ તેનું યોગ્ય સંચાલન નહીં થઈ શકે. રમતગમતની સ્પર્ધાની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે તો એક સ્વસ્થ, સંતુલિત અને સ્થિર મન આવશ્યક જ નહીં, અનિવાર્ય છે. અને તે માટે શરીરની જેમ મનને કેળવવાનો અભ્યાસ કરવો પડશે. રમત પૂરેપૂરી રમો: શરીર અને મન બંનેને તાલીમ આપો અને બંનેનો ઉપયોગ કરો. માત્ર શરીરથી રમાતી રમત અધૂરી છે.

મનની તાલીમ માટે આટલું કરો:  સ્પર્ધાના ભયથી ગ્રસિત, વ્યગ્ર ખેલાડીઓ, મોકળાશ અને હળવાશ થી રમી શકતાં નથી. શાળાઓ માં પણ એક બાળકને પોતાનાં મન અને ભાવનાઓનું નિયમન કઈ રીતે કરવું તે શિખવાડવામાં આવતું નથી. ઇતિહાસ સાક્ષી છે કે જે ખેલાડીઓ આધ્યાત્મિક છે, તેઓએ વિક્રમો સ્થાપ્યા છે. યોગ, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા મન અને ભાવનાઓનું સહજતાથી નિયમન કરી શકાય છે. આ સાધનો દ્વારા ફોકસ, આત્મવિશ્વાસ, અને સકારાત્મકતા તથા શ્રદ્ધા જેવાં આંતરિક પરિમાણો વિકસે છે. એક પૂર્ણ રમત માટે આ પરિબળો અત્યંત અગત્યનાં છે. કેટલાંક રાષ્ટ્રો એ આ સાધનોનું મહત્વ સ્વીકાર્યું છે અને રમતગમતની તાલીમમાં તેનો સમાવેશ કર્યો છે. જેનાથી ખેલાડી રમત દરમ્યાન અને તેનાં સામાન્ય જીવન દરમ્યાન સ્વસ્થ રહી શકે છે.

આંતરિક જોશ અને જોમનું જતન કરો: એક ખેલાડીએ રમતનું, સ્પર્ધાનું જે પરિણામ આવે છે તેનાથી વિચલિત ન થવું જોઈએ. એક રમતવીર એ સૌથી પ્રથમ પોતાનાં મનનું ધ્યાન રાખવું જોઈએ. માનસિક સ્વાસ્થ્ય પ્રતિ ધ્યાન આપવાથી, આંતરિક દ્રઢતા ઉત્પન્ન થાય છે અને જેના વડે હાર-જીત, શારીરિક પીડા અને ઇજાઓ જેવી ઘટનાઓ, વ્યક્તિગત સમસ્યાઓને કારણે ઉદ્ભવતી, ઉતાર ચડાવ વાળી તીવ્ર લાગણીઓ ઉપર સંતુલન મેળવી શકાય છે. ધ્યાન દ્વારા ભીતરી ઉત્સાહ અને જોશને પ્રજ્વલિત રાખો.

હાર થી હારી ન જાઓ: જીતવાની ઈચ્છા હોવી તે બરાબર છે પરંતુ હાર ને પણ પચાવતાં શીખો. રમતગમત માં બે જ વિકલ્પ હોય છે: ક્યાં તો તમે જીતો છો, અથવા કોઈ બીજું જીતે છે. તો જ્યારે કોઈ બીજું જીતે, ત્યારે તેમની જીત માટે ખુશ થાઓ. એક સ્વસ્થ, તંદુરસ્ત સ્પર્ધા જરૂરી છે, પરંતુ આ સ્પર્ધાથી, તિરસ્કાર અને શત્રુતા ઉત્પન્ન ન થવાં જોઈએ. હાર અને જીતને સમાન દ્રષ્ટિએ જોવાનું ડહાપણ વિકસાવવું, એક ખેલાડી માટે ખૂબ આવશ્યક છે. તમારી હાર થી હારી ન જાઓ. તેને સફળતા સુધી પહોંચવાનાં પગથિયાં રૂપે જુઓ.

દરેક રમતનું અંતિમ ધ્યેય પ્રસન્નતા છે: એક શિશુ બોલવાનું, ભોજન કરવાનું કે ચાલવાનું શરૂ કરે તે પહેલાં રમવાનું શરૂ કરે છે. રમત એ ઉત્સાહપૂર્ણ જીવનની વિશુદ્ધ અભિવ્યક્તિ છે. વિશ્વના કોઈ પણ ખૂણે, કોઈ નાના ગામમાં પણ રમતનું અસ્તિત્વ હોય જ છે. સાયમન બાઈલ અને નાઓમી ઓસાકા જેવાં ખેલાડીઓએ પોતાનાં માનસિક સ્વાસ્થ્યને સૌથી પ્રથમ પ્રાધાન્ય આપ્યું છે. અને તે ખૂબ પ્રશંસનીય અને અનુકરણીય કૃત્ય છે. મેડલ અને માનસિક સ્વાસ્થ્ય આ બે વચ્ચે તેમણે માનસિક સ્વાસ્થ્યની પસંદગી કરી છે. ગમે તેટલી મોટી, નામાંકિત સ્પર્ધા કેમ ન હોય, પરંતુ આંતરિક શાંતિ, હાસ્ય, ઉત્સાહ અને પ્રેમની સ્થિતિમાં જો મન ન હોય તો એ સ્પર્ધા અને તેમાં મેળવેલી જીતનું કોઈ મૂલ્ય નથી. રમતગમત લોકોને પરસ્પર નિકટ લાવવાનું સુંદર સાધન છે, તેનું જતન કરીએ.