શું કર્મ બદલી શકાય?

આ સૃષ્ટિમાં દરેક પદાર્થની ચાર લાક્ષણિકઓ હોય છે-ધર્મ,કર્મ,પ્રેમ અને જ્ઞાન. આમાંથી કર્મ વિશે સૌથી વધારે વાતો થયેલી છે અને તેના વિશે સૌથી વધારે ગેરસમજ પણ છે. કર્મ ત્રણ પ્રકારના હોય છે-પ્રારબ્ધ, સંચિત અને આગામી. કેટલાક કર્મ બદલી શકાતા હોય છે, જ્યારે કેટલાક નહીં.

પ્રારબ્ધ એટલે જે શરુ થઈ ગયું છે તે; એટલે કે જે કર્મની અસર થવા માંડી છે તે. અત્યારે એ પ્રારબ્ધ કર્મનું ફળ મળી રહ્યું છે. તેની અસર થવા માંડી હોવાથી હવે તેને ટાળી કે બદલી શકાય નહીં.

સંચિત કર્મ એ એકત્રિત થયેલા કર્મ છે. તે કોઈ વૃત્તિના સ્વરૂપે સુષુપ્ત અથવા ફળીભૂત થયેલું હોઈ શકે છે. મનમાં રહેલી છાપ એ કર્મનું સુષુપ્ત સ્વરુપ છે. સંચિત કર્મનો નાશ કરી શકાય છે, તે ફળીભૂત થાય તે પહેલા તેને આધ્યાત્મિક પ્રક્રિયાઓ દ્વારા બદલી શકાય છે. જે છાપો ઘેરી હોય તે મનમાં રહેતી હોય છે અને ભવિષ્યમાં કર્મને આકાર આપે છે.

આગામી એટલે જે હજી આવ્યું નથી તે. આગામી કર્મ એટલે એવું કર્મ જે ભવિષ્યમાં પ્રગટ થવાનું છે. જો તમે કોઈ ગુનો કરો છો અને આજે પકડાયા નથી. પરંતુ એ શક્યતા સાથે જીવશો કે એક દિવસ તમે પકડાઈ શકો છો.

પ્રાણીઓને માત્ર પ્રારબ્ધ કર્મ હોય છે. એટલે કે પ્રાણીઓનું તેમના કર્મો પર કોઈ નિયંત્રણ હોતું નથી. કુદરત તેમનું સંચાલન કરે છે. પ્રાણીઓ આગામી કર્મો પણ એકત્રિત નથી કરતા. જો તમે તદ્દન પ્રાણી જેવા છો તો તમે કોઈ કર્મ સંચિત કરતા નથી. એક માણસ તરીકે આ અશક્ય છે, કારણ કે તમારા મનમાં ઘણી બધી છાપો પડતી હોય છે.

કર્મ હંમેશાં સમય સાથે સંકળાયેલું હોય છે કારણ કે દરેક કર્મ સામેનો પ્રતિભાવ મર્યાદિત હોય છે, શાશ્વત નહીં. ધારો કે કોઈ વ્યક્તિ કોઈ ગુનો કરે છે અને તેને જેલની સજા થાય છે. આ સજા 5,10 કે 20 વર્ષોની હોઈ શકે છે. તેવી રીતે દરેક કર્મની,સારી કે ખરાબ, અસર પ્રગટ થવા માટે એક મર્યાદા હોય છે. જો તમે લોકો માટે કંઈક સારું કરો છો તો તેઓ તમારો આભાર વ્યક્ત કરશે; તેમને જ્યાં સુધી તમારી મદદની અસરનો અનુભવ થશે ત્યાં સુધી તેઓ તમારા પ્રત્યે કૃતજ્ઞ રહેશે.

કર્મને ઘણી વાર પુર્નજન્મ સાથે સાંકળવામાં આવે છે. આપણું મન એક પ્રકારની ઊર્જા છે અને થર્મોડાયનેમિક્સના નિયમ અનુસાર ઊર્જા નષ્ટ કરી શકાતી નથી. મન એક ઊર્જા છે તો જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે આ ઊર્જાનું શું થાય છે?મૃત્યુ નિંદ્રાને ઘણું મળતું આવે છે. નિંદ્રાવસ્થામાં તમારી ચેતના, તમારી એકાગ્રતા, તમારું મન સંકોચાય છે અને પછી એક એક કરીને તમે બાહ્ય અનુભવોથી અલિપ્ત થાવ છો અને પોતાની અંદર ઉતરો છો. તો પછી તમે સવારે કેવી રીતે જાગી જાવ છો? એ જ ઊર્જા, એ જ ચેતના, જે સંકોચાઈ ગઈ હતી તે વિસ્તૃત થવા લાગે છે અને તમે જાગી જાવ છો. જો તમે ધ્યાનથી જોશો તો ઊંઘ આવતા પહેલા તમને જે વિચાર આવ્યો હતો તે તમે જાગી જાવ છો તે પછીનો પહેલો વિચાર હોય છે.

 

આ બાબત તમને તમારા પુર્નજન્મ વિશે સંકેત આપે છે. જે મન વિવિધ છાપોથી ભરપૂર છે તે દેહ ત્યજી દે છે પણ છાપો એમ જ રહે છે અને એ મન નવા દેહ થકી આવવા માટે યોગ્ય સંજોગોની રાહ જુએ છે. માનવ જન્મ પછી પ્રાણી તરીકેનો જન્મ બિલકુલ અશક્ય છે. તેવું જવલ્લે જ થઈ શકે. જો કોઈ વ્યક્તિ જીવનની અંતિમ ક્ષણોમાં કોઈ પ્રાણી વિશે વિચાર્યા કરે છે ,તો તેનો તેવા સ્વરૂપે જન્મ થઈ શકે છે. આવું થવાનું કારણ મનમાં રહેલી છેલ્લી છાપ સૌથી ઘેરી હોય છે અને તે મન એવો દેહ ધારણ કરે તે માટેના સંજોગો ઊભા કરે છે.

કર્મ એ છે જે પુર્નજન્મ માટે પ્રેરિત કરે છે. મનમાં રહેલી છાપ જેટલી ઘેરી, તેને અનુરુપ પછીના જન્મમાં કેવું હશે તેનું અનુમાન લગાવી શકાય. પોતાના વિચાર-વાણી-વર્તન પ્રત્યેની જાગૃતિ તથા જ્ઞાન તમારા કર્મોને કાપી શકે છે. જો તમે સર્વ પ્રત્યે પ્રેમભાવ રાખો છો, જ્ઞાનમાં જીવો છો, સંપૂર્ણપણે જાગૃત છો તો તમે કર્મોથી મુક્ત હોવ છો. બુધ્ધ અને અન્ય પ્રાચીન ઋષિઓએ પણ આવું કહ્યું છે. જન્મ-મરણના ચક્રમાંથી નીકળી જવા તમારી પાસે વિકલ્પ છે. તમે મનમાંની કોઈ છાપને લીધે બંધાયેલા નથી રહ્યા. તમે મુક્ત છો.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)