મનમાં દરેક ક્ષણે શું ચાલતું હોય છે તેના પર તમે ધ્યાન આપ્યું છે?હવે પછી શું થશે તેના પર મન અટકળો લગાવ્યા કરે છે.જ્ઞાનમાં રહેવું એટલે મનની આ ગતિવિધિ વિશે; અત્યારે મનમાં શું ચાલી રહ્યું છે, એ બાબતે સજાગ બનવું. બધી માહિતી અને ભણતર ચોપડીઓ વાંચવાથી મળી શકે છે.તમે જન્મ,મરણ, આહારની ટેવો એવા કોઈ પણ વિષયનું પુસ્તક મેળવી શકો છો; અગણિત વિષયો પર અનેક ભાગમાં પુસ્તકો પ્રાપ્ય છે. પરંતુ આપણા પોતાના મનને કેવી રીતે સજગ રાખવું એ પુસ્તક વાંચવાથી ના શીખી શકાય.
આપણું મન શું કરે છે? તે ભૂતકાળ અને ભવિષ્યની વચ્ચે ઝોલા ખાય છે. દરેક ક્ષણે તે ભૂતકાળની કોઈ વાતને લીધે ગુસ્સામાં છે અથવા ભવિષ્યને લઈને ચિંતિત છે. મનની બીજી એક વૃત્તિ પણ છે- નકારાત્મકને વળગી રહેવું. જો દસ સકારાત્મક કિસ્સા કે ઘટનાઓ પછી એક નકારાત્મક બનાવ બને તો આપણે તેને વાગોળ્યા કરીએ છીએ. આપણે પેલા સકારાત્મક દસને તો ભૂલી જ જઈએ છીએ.
મનની આ બે વૃત્તિઓમાં પરિવર્તન લાવીને તમે પોતાની જાતને સૌથી મોટી મદદ કરી શકો છો. મનની આ બે વૃત્તિઓ વિશેની સજગતા તમને સહજ અને સરળ બનાવશે. આ બન્ને બહુ કિંમતી મુલ્યો છે જે તમને અંદરથી ખીલવા સક્ષમ બનાવશે. આપણે હકીકતમાં આપણી અંદર આ નિર્દોષપણા સાથે જન્મ્યા છીએ; પરંતુ આપણે જેમ જેમ પુખ્ત અને બુધ્ધિશાળી બનતા જઈએ છીએ તેમ તેમ એ નિર્દોષપણું ગુમાવતા જઈએ છીએ અને અંતે અક્કડ બની જઈએ છીએ. અક્કડપણું પડતું મુકો અને પછી જુઓ કે જીવન કેટલું ફળદાયક,વધારે માણી શકીએ તેવું અને રસપ્રદ બને છે. આ જ જ્ઞાન છે અને આરાધના પણ.
એક બાળક તરીકે તમને કોઈ સમસ્યા નહોતી; તમારે એક દિવસ ઝગડો થયો અને બીજે દિવસે તો સુલેહ કરી નાંખી. પરંતુ જેમ જેમ તમે મોટા થતા જાવ છો તેમ તેમ તમે ગુંચવણો ઊભી કરો છો અને પોતે ગુંચવાતા પણ જાવ છો. તમે ગુંચવણોમાં ફસાવ છો,આખો સમાજ ગુંચવણોમાં ફસાયેલો હોય છે. આવા સમયે કાંસકારુપી જ્ઞાનની જરૂર હોય છે. જો તમારી પાસે સારો કાંસકો હોય તો તેનાથી તમને વાળ ગુંચ વગરના અને વ્યવસ્થિત રાખવામાં સહાય રહે છે. આવું જ સમાજમાં થાય છે. જ્ઞાન અને વિવેકબુધ્ધિ વગર આપણે એકબીજા સાથે ગુંચવાઈએ છીએ; આપણા મન ધિક્કાર,દ્વેષ અને ઈચ્છાઓથી ભરેલા રહે છે. કોઈના પણ મનને જુઓ;તેમાં કોઈને માટે વ્યાકુળતા, ભવિષ્ય સંબંધિત કોઈ ઈચ્છા કે ભૂતકાળને લઈને કંઈક દ્વેષ જોવા મળે છે.જ્ઞાન અને વિવેકબુધ્ધિના સંયુક્ત ઉપયોગથી આપણે સમાજમાં સંવાદિતા વધારી શકીએ છીએ.
આપણે આપણા પોતાના મનનો, પોતાની જાતનો અભ્યાસ કરવો જોઈએ. આપણે જીવન માટે બધું શીખવા ઘણો સમય ફાળવ્યો છે,પરંતુ આપણા જીવનને જ સમજવા માટે ઘણો ઓછો. આપણે આ દુનિયામાં આવ્યા ત્યારે પહેલું કામ એક ઊંડો શ્વાસ લેવાનું કર્યું હતું અને દુનિયામાં જે છેલ્લું જે કામ કરીશું તે શ્વાસ બહાર કાઢવાનું હશે. આ પહેલા શ્વાસ અને છેલ્લા ઉચ્છવાસ વચ્ચે જે છે તેને જીવન કહીએ છીએ.આપણે આપણા શ્વાસ પર ક્યારેય ધ્યાન આપતા નથી. શ્વાસ શરીર અને મનને સાંકળતી કડી છે અને તેના દ્વારા તમે મનને સાચે જ વર્તમાન ક્ષણમાં લાવી શકો છો. મનને સાચવવા માટેનો બીજો વિકલ્પ છે સેવા. જ્યારે તમે સેવાને જ જીવનનો એક માત્ર ઉદ્દેશ બનાવો છો તો તે તમારા કોઈ પણ ડરને નાબૂદ કરે છે,તમારા મનને કેન્દ્રિત કરે છે,તમે સારા ઉદ્દેશસભર કાર્યો કરતા થાવ છો અને તમને દીર્ઘકાલીન આનંદ મળે છે.
જો સમાજમાં દરેક વ્યક્તિ વર્તમાન ક્ષણમાં જીવતી હોય અને આપણે લોકો જેવા છે તેવાનો સ્વીકાર કરી શકતા થઈએ તો કોઈ સમસ્યા કે ઝગડા નહીં રહે. આપણામાં જ્ઞાન અને વિવેકબુધ્ધિ હોવા જ જોઈએ; આપણામાં સજગતા હોવી જ જોઈએ. એ બહુ જરૂરી છે.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)