લાખો વર્ષો વીતી ગયા અને લાખો વીતી જશે. તેની સરખામણીમાં તમારું જીવન કેટલું છે: ફક્ત 60, 70 કે 100 વર્ષ? તે સમુદ્રમાં એક ટીપા જેટલું પણ નથી. ફક્ત લાબું જીવન જીવવું મહત્વપૂર્ણ નથી.
બ્રહ્માંડના સંદર્ભમાં, તમારું અસ્તિત્વ કંઈ જ નથી! આ સમજણ સાથે અહંકાર વિલીન થઈ જાય છે. અહંકાર એ તમારી વાસ્તવિકતા અને તમારા અસ્તિત્વ વિશેનું અજ્ઞાન છે. તમારી આંખો ખોલો અને પૂછો, “હું કોણ છું? હું આ પૃથ્વી પર કેવી રીતે આવ્યો? મારા જીવનનો સમયગાળો કેટલો છે?” આ મનમાં જિજ્ઞાસા લાવે છે અને તમે નાની નાની બાબતો વિશે ચિંતા કરવાનું બંધ કરો છો જેમ કે – “આ વ્યક્તિએ મને આવું કહ્યું અને તે વ્યક્તિએ મારી સાથેનો સંબંધ તોડી નાખ્યો અને તે વ્યક્તિ સાથે આ બન્યું અને હું તેને આવું કહીશ…”
બધી ક્ષુદ્રતા દૂર થઈ જશે અને તમે તમારા જીવનની દરેક ક્ષણ જીવી શકશો. તમારું જીવન તમારા સંદર્ભની આસપાસ ફરે છે. તમારે જીવનમાં ખુશ રહેવું જોઈએ. અન્ય બધી પ્રવૃત્તિઓમાં ઉતાર-ચઢાવ આવે છે, જે સ્વાભાવિક છે.
જો કોઈ શરીર હોય, તો તેને શરદી, ખાંસી, તાવ કે બીજી કોઈ સમસ્યા હોઈ શકે છે અને એક દિવસ આ શરીર નાશ પામશે, પરંતુ એવું સુનિશ્ચિત કરો કે જેથી ખુશી તમારી અંદર કાયમ માટે સ્થાપિત રહે. એને જ પુરુષાર્થ કહ્યો છે.
આપણા પ્રેમ, શ્રદ્ધા અને વિશ્વાસના મૂળ ખૂબ ઊંડા હોવા જોઈએ, બાકીનું બધું આપમેળે થવાનું શરૂ થાય છે. શું તમે તમારી સ્વભાવમાં રહી શકો છો? આ દુનિયામાં બધું જ સારું-સારું નથી. જો તમે શ્રદ્ધામાં દ્રઢ છો, તો તમે ચોક્કસ પ્રગતિ કરશો.
દરેક પરિસ્થિતિમાં તમારા મનને શાંત રાખો. તમારા જીવનના સંદર્ભની સમીક્ષા કરો, તેને સમજો અને દરેક દિવસ આનંદ, શાંતિ અને સંતોષ સાથે જીવવાનો પ્રયાસ કરો. આ જ જીવન જીવવાની સાચી કળા છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
