શ્રધ્ધા એ માનવજાતના અસ્તિત્વનો મુખ્ય મર્મ છે. શ્રધ્ધા જીવન ટકાવી રાખે છે અને મુશ્કેલ સમયમાં વ્યક્તિને આગળ ધપાવે છે. શ્રધ્ધા આચ્છાદિત રહેલી હિંમત અને ક્ષમતાને એક કરતાં વધુ રીતે વ્યક્ત કરે છે. શ્રધ્ધા હોવી એનો અર્થ એ થાય કે ઈશ્વર તમારી રક્ષા કરી રહ્યો છે તેવી ખાતરી હોવી. જીવનમાં આગળ વધવા માટે આ ખાતરી હોવી પૂરતું છે.
શ્રધ્ધા ત્રણ પ્રકારની છે: પોતાનામાં શ્રધ્ધા, દુનિયામાં શ્રધ્ધા અને ઈશ્વરમાં શ્રદ્ધા. આ બધા પ્રકારની શ્રધ્ધા સંકળાયેલી હોય છે.
ઈશ્વર તમારી પાસે માત્ર એક અપેક્ષા રાખે છે: તમારી અડગ શ્રધ્ધા. અણધારી આફત આવતાં જેની શ્રધ્ધા ડગી જાય છે તે મુશ્કેલ સમય દરમ્યાન સ્મિત જાળવી શકતા નથી. જો તમારામાં શ્રધ્ધાનો અભાવ હોય અને જો સંજોગો તમને ડરાવતા હોય તો તમે ફોંતરાની જેમ ફેંકાઈ જાવ છો, ભટક્યા કરો છો અને ઠરીઠામ થઇ શકતા નથી. પરંતુ જો તમને શ્રધ્ધા હોય કે બધું બરોબર થઈ જશે તો તમને દ્રઢતા મળે છે અને બધું થાળે પડી જાય છે.
જે સામાન્ય માન્યતા છે તેનાથી વિપરીત, શ્રધ્ધા તર્કનો વિરોધ નથી કરતી. જો વ્યક્તિના જીવનમાં જ્ઞાન દ્રઢ રીતે સ્થપાયું હોય તો તેને શ્રધ્ધા કહેવાય.”મને આશીર્વાદ મળતા રહે છે” એ જ્ઞાનને તમારું સાથી બનાવો અને જે અનંત છે તેનામાં શ્રધ્ધા રાખો.
“મને આશીર્વાદ મળતા રહે છે” નો અહેસાસ તમને કોઈ પણ અડચણ પાર કરવામાં સહાય કરી શકે છે. એક વાર તમને
ખાતરી થઈ જાય કે તમને આશીર્વાદ મળતા રહે છે તો ફરીયાદો, કચવાટ અને અસલામતી જતા રહે છે. દુનિયામાં હંમેશા બધું જ સીધુ સાદુ નથી રહેતું. જો તમે દ્રઢ શ્રધ્ધા ધરાવતા હોવ તો તમે વિકાસ સાધી શકો છો અને સમતા જાળવી શકો છો.
શ્રધ્ધા પ્રાર્થના તરફ દોરી જાય છે અને તમારા જીવનને બહેતર બનાવવા માટે પ્રાર્થના એક અગત્યનું સાધન છે. પ્રાર્થના વફાદારી અને પ્રમાણિકતા જેવા મુલ્યોને પોષે છે. પ્રાર્થના બે પરિસ્થિતિઓમાં થતી હોય છે અથવા પરિસ્થિતિઓના સંયોજનને લીધે થતી હોય છે. તમને કૃતજ્ઞ લાગે ત્યારે તમે પ્રાર્થના કરો છો અથવા તમને સાવ નિઃસહાય લાગે ત્યારે. બન્ને વખતે તમારી પ્રાર્થનાને પ્રતિભાવ મળે છે. જો તમે કૃતજ્ઞ કે પ્રાર્થનામય નથી થઈ શકતા તો તમે દુખી થશો.
આપણા પ્રેમ, શ્રધ્ધા અને માન્યતાના મૂળ ઊંડા હોવા જોઈએ. દુનિયા એક ઉત્સવ છે અને તમે જીવનમાં ખુશ રહેવા જોઈએ. જીવનના તમામ પાસામાં ચડ ઉતર થતી હોય છે. વ્યક્તિએ સુનિશ્ચિત કરવું પડે કે પોતાનામાં ખુશી હંમેશા જળવાયેલી રહે. આવી બિનશરતી ખુશી માત્ર ઊંડા મૂળ ધરાવતા પ્રેમ, શ્રધ્ધા અને માન્યતાઓથી સંભવી શકે.
વ્યક્તિના જીવનને ઘડવામાં શ્રધ્ધા અગત્યનો ભાગ ભજવે છે.”હું કશામાં નથી માનતો” કહેનાર પોતાના શબ્દોમાં તો વિશ્વાસ રાખે છે!તમે તમારો વિશ્વાસ શેના પર રાખો છો તે અગત્યનું છે.એક નાસ્તિકની પદાર્થો પ્રત્યેની શ્રધ્ધા દેખાઈ આવે છે,લોકો પ્રત્યેની તેની શ્રધ્ધા તરલ હોય છે અને આ સર્જન કરનારી અદ્રશ્ય શક્તિ પરની સંશયાત્મક હોય છે.પરંતુ એક આસ્તિકની અદ્રશ્ય શક્તિ પ્રત્યેની શ્રદ્ધા ઉચ્ચતમ હોય છે, લોકો પ્રત્યે મામૂલી અને પદાર્થોની તેને કોઈ રીતે પડી નથી હોતી.
ભૌતિકવાદી દુનિયામાં શ્રધ્ધાનું મહત્વ ઘણું વધારે દ્રશ્યમાન હોય છે. શ્રધ્ધા વ્યક્તિને આત્મઘાતી વૃત્તિથી બચાવે છે અને જે સ્પષ્ટ જણાય છે તેની પણ પેલે પાર લોકોને જોઈ શકવામાં સહાય કરે છે. જ્યારે જીવન શ્રધ્ધા પર આધારિત હોય છે ત્યારે વ્યક્તિ બદલો લેવાની ભાવના અને ધિક્કારમાં ફસાઈ જવાને બદલે માનસિક સ્વસ્થતા જાળવે છે. જો એવી શ્રધ્ધા હોય કે બધું બરોબર થઈ જશે તો બધું વ્યવસ્થિત થઈ જાય છે. શ્રધ્ધા એટલે તમને જે વસ્તુની જરૂર છે તે હંમેશા મળી જશે એવો વિશ્વાસ. શ્રધ્ધા એટલે ઈશ્વરને કામ કરવા એક તક આપવી.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)