વિજ્ઞાન અને આધ્યાત્મિકતા એક સિક્કાની બે બાજુઓ જેવા છે. આપણને સર્જનના રહસ્યમાં ઊંડા ઉતારે એ છે વિજ્ઞાન. આત્માના રહસ્યમાં ઊંડા ઉતારે એ છે આધ્યાત્મિકતા. રહસ્યમાં તરબોળ થઈ જવું એ ભક્તિ છે. જો વિજ્ઞાન અથવા આધ્યાત્મિકતા તમારામાં આશ્ચર્ય અને ભક્તિ જગાવી શકતા નથી તો તમે ઘેરી નિદ્રામાં છો. જીવન અને આ સર્જનના રહસ્યમાં સંપૂર્ણપણે તરબોળ થઈ જવું એ છે સમાધિ.
આ સર્જન એક અગાધ રહસ્ય છે! એક શાણો માણસ રહસ્યને છુપાવવા કોઈ પ્રયત્ન કરતો નથી. પરંતુ તે રહસ્યને અનાવરણ કરવા માટે પણ પ્રયત્ન કરતો નથી. દા.ત.,આપણે પાંચ વર્ષના બાળક સાથે જન્મ, મૃત્યુ વિગેરેની પ્રક્રિયા વિશે વાત કરતા નથી. જેમ જેમ તેઓ મોટા થાય છે તેમ તેમ આ બાબતો તેમનાથી છુપી પણ રહેતી નથી.
પાંચ એવી ગુપ્ત બાબતો છે જે પવિત્ર છે અને આ સર્જનમાં તેમનું સૂક્ષ્મ તત્વો તથા દેવદૂતો દ્વારા રક્ષણ થઈ રહ્યું છે. આ પાંચ છે:
જન્મ રહસ્ય: જન્મ એક રહસ્ય છે. એક આત્મા કેવી રીતે શરીર ધારણ કરે છે, જન્મના સ્થળ અને સમય, શરીરનો પ્રકાર, માતા-પિતા વિગેરે તમામ રહસ્ય છે.
મૃત્યુ રહસ્ય: મૃત્યુ એ એકદમ રક્ષિત ગુપ્ત બાબત છે. મૃત્યુ એક રહસ્ય રહે છે. આત્માનું સ્થુળતાથી અલગ થવું અને તેની તે પછીની યાત્રા એક રહસ્ય છે.
રાજ રહસ્ય: સર્જનમાં કયા સિધ્ધાંતોથી તંત્ર ચાલી રહ્યું છે; કયા સિધ્ધાંતોથી નિયમબદ્ધતા જળવાઈ રહી છે તે રહસ્ય છે.
પ્રકૃતિ રહસ્ય: કુદરત એક રહસ્ય છે. તમે તેના વિશે જેટલું વધારે જાણો તેટલું રહસ્ય વધતું જાય છે. એક વૈજ્ઞાનિક જેટલું વધારે જાણતા જાય છે તેમ તેમ લાગે છે કે હજી ઘણું વધારે જાણવાનું બાકી છે. વિજ્ઞાન સર્જનના રહસ્યને ઉકેલતું હોય તેમ લાગે છે,તેનાથી રહસ્ય વધારે ગહેરું થયું છે. અણુઓ, સ્પંદનો, બ્લેક હોલ્સ, શૂન્યાવકાશની સ્થિતિ, વિગેરેએ રહસ્યને વધારે ગહેરું જ કર્યું છે.
મંત્ર રહસ્ય: મંત્રો અને તેમની અસરો, પ્રભાવ, તેમની કાર્ય કરવાની પધ્ધતિ આ તમામ રહસ્ય છે. મંત્રો ચેતનાને લયબદ્ધ હોય છે,પરંતુ ચેતના પોતે જ એક રહસ્ય છે.
સામાન્ય રીતે પશ્ચિમમાં રહસ્યને શરમજનક અને અપ્રમાણિક માનવામાં આવે છે. પરંતુ પૂર્વમાં તેને સન્માનપૂર્વક જોવાય છે અને પવિત્ર માનવામાં આવે છે. જ્યારે પણ તમે કોઈ ચિહ્ન, સ્થળ, સમય, વ્યક્તિ કે ક્રિયાને પવિત્ર માનો છો ત્યારે તે પ્રત્યે તમારું ધ્યાન સંપૂર્ણપણે રહે છે. જ્યારે કોઈ ક્રિયા વારંવાર કરવામાં આવે છે ત્યારે તેની પવિત્રતા ગુમાવે છે કારણ કે પુનરાવર્તનથી બેધ્યાનપણું અને જડતા આવી જાય છે. જ્યારે તમારી સ્મૃતિ તમારી ચેતના કરતાં બળવતર થયેલી હોય અને તમે તમારી સંવેદનશીલતા ગુમાવી દો છો ત્યારે આવું થાય છે. વર્તમાન ક્ષણમાં રહેવાથી અને આધ્યાત્મિક પ્રક્રિયાઓથી આપણે આપણી ક્રિયાઓમાં પવિત્રતાની ભાવના જાગૃત રાખી શકીએ છીએ અને રહસ્યમય જીવનને જીવી શકીએ છીએ.
વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનું લક્ષી સમાન છે. ટેકનોલોજીનો ઉદ્દેશ મનુષ્યોને અનુકૂલન આપવાનો છે. જ્યારે આધ્યાત્મિક મુલ્યો-માનવીય મુલ્યોની અવગણના કરવામાં આવે છે ત્યારે ટેકનોલોજી ડર અને વિનાશ નોંતરે છે.
માનવીય મુલ્યો વગરની ટેક્નોલોજી કુદરતને એક નિર્જીવ પદાર્થ તરીકે જુએ છે. વિજ્ઞાન કુદરતના જીવન પર પ્રકાશ ફેંકે છે અને આધ્યાત્મિકતા કુદરતને જીવંત બનાવે છે.દા.ત.,બાળકોની નજરે દુનિયામાં કશું નિર્જીવ નથી- પ્રાણીઓ, વૃક્ષો, સૂર્ય અને ચંદ્ર-બધામાં જીવન છે, ભાવનાઓ છે. એક તનાવગ્રસ્ત કે અજ્ઞાની વ્યક્તિની નજરે માણસો પણ રોબોટ કે પદાર્થો જેવા છે!
આધ્યાત્મિકતા વગરની ટેક્નોલોજી વિનાશકારી છે. આધ્યાત્મિકતા ચેતનાની ટેક્નોલોજી છે અને આખી દુનિયા ચેતનાનો ખેલ અને અભિવ્યક્તિ છે. જે વ્યક્તિ આ સર્જનથી અભિભૂત નથી થતી તેની આંખો હજી ખુલી નથી હોતી. આ સર્જનમાં એવું કંઈ છે જે રહસ્યમય નથી? જન્મ રહસ્ય છે; મૃત્યુ રહસ્ય છે અને જીવન પોતે એક મોટામાં મોટું રહસ્ય છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)