પૌરાણિક ભારતીય પ્રણાલિકા કુદરતને પવિત્ર ગણવામાં માને છે. તેમાં પર્વતો, નદીઓ, સૂર્ય, ચંદ્ર અને વૃક્ષોને પવિત્ર માનવામાં આવતા હતા અને જે પવિત્ર છે તેનો આદર થાય જ. કમનસીબે આપણે પવિત્ર વિધિઓને નામે નદીઓ અને પર્વતોને પ્રદુષિત કરી રહ્યા છીએ. આપણી એક ગેરસમજ એ પણ છે કે ટેકનોલોજી અને વિકાસને લીધે પર્યાવરણનું પતન એક અનિવાર્ય આડ પેદાશ છે. આ બંને પારસ્પરિક રીતે વૈકલ્પિક હોવા જરૂરી નથી. ટેકનોલોજીનો આશય પ્રકૃતિનો સદુપયોગ કરવાનું, મનુષ્યોને જાણકારી અને અનુકૂલન આપવાનો છે. જયારે આધ્યાત્મિક અને માનવ મુલ્યોને અવગણવામાં આવે છે ત્યારે ટેકનોલોજી અનુકૂલનને બદલે પ્રદુષણ અને વિનાશ આણે છે. ટેકનોલોજી અને વિકાસની સાથે સાથે પર્યાવરણમાં સંવાદિતા જાળવવી એ આધ્યાત્મિકતાનું કાર્ય છે. આજના સમયનો આ પડકાર છે.
આપણે પ્રકૃતિમાંથી પર્યાવરણની જાળવણીના પાઠ ભણી શકીએ છીએ. દરેક વખતે કુદરત કચરાનું પાચન કરીને કંઇક ઉપયોગી વસ્તુ બનાવે છે. ભલે કુદરતમાં તમામ ઉગ્ર લાક્ષણિકતાઓ જોવા મળતી હોય પરંતુ ગમે તેમ રીતે સમતુલન જળવાઈ રહે છે. વિજ્ઞાન કે ટેકનોલોજી નુકસાનકર્તા નથી, પરંતુ જે કચરો ઉત્પન્ન થાય છે તે ઝેરી હોય છે. આ કચરાનું પ્રમાણ ઓછું થવું જોઈએ અને તે ‘રીસાયકલ’ થવો જોઈએ.
અલબત્ત, સૌથી મોટું પ્રદૂષક છે માણસનો લોભ. પર્યાવરણની જાળવણીમાં તે વચ્ચે આવે છે કારણ કે પર્યાવરણને અનુરૂપ ઉત્પાદન પ્રક્રિયાઓને બદલે તે ઝડપી નફો અને પરિણામ રળવાને પ્રાધાન્ય આપે છે. લોભ સુક્ષ્મ વાતાવરણને તથા માણસના મનને નકારાત્મક લાગણીઓ અને માનસિકતા દ્વારા પ્રદુષિત કરે છે. પ્રદુષણ ભૌતિક અને સુક્ષ્મ બન્ને વાતાવરણમાં પ્રવેશે છે. ગુસ્સે થયેલો માણસ ગુસ્સો બહાર ફેકે છે જે તેની આસપાસના અન્યોમાં ફેલાય છે; આ એક સાંકળની જેમ ફેલાય છે. તમામ યુદ્ધોના મૂળમાં એકત્રિત થયેલી નકારાત્મક લાગણીઓ હોય છે. ઘણી વાર આપણે જાગૃત નથી હોતા કે જે પર્યાવરણ માટે પ્રતિકૂળ હોય છે તે સ્વાસ્થ્ય માટે પણ પ્રતિકૂળ હોય છે.
કુદરત માટે પરંપરાગત પૂજ્યભાવ ફરીથી જાગૃત કરવાથી આપણે આપણી આસપાસ શુધ્ધતા ફરીથી સ્થાપિત કરી શકીએ છીએ.આપણે કુદરતમાં ઈશ્વરને જોઈ શકીએ તો આપણે કુદરત સાથે જે કરી રહ્યા છીએ તે બાબતે સંવેદનશીલ બનીશું.પછી તમે પર્યાવરણ માટે જાગૃત બન્યા વગર ના રહી શકો.પૌરાણિક અને આધુનિક બંન્ને પદ્ધતિઓ અપનાવવી જોઈએ.ગાયના મૂત્ર,છાણ અને લીમડાના પાન વડે વેદિક ખેતી કરાતી હતી,અને પાકના ઉત્પાદન માટે હવે એ શ્રેષ્ઠ સાબિત થઈ છે. ભારતમાં તાજેતરના પ્રયોગોએ સાબિત કર્યું છે કે ખાતર અને જંતુનાશકો વગર કરેલી નૈસર્ગિક ખેતીથી ઉત્પાદન ત્રણ ગણું વધ્યું છે.કોઈ વસ્તુ નવી છે તો તે સારી જ હોવી જરૂરી નથી અને કોઈ વસ્તુ જૂની છે તો તેને ફેકી જ દેવી જરૂરી નથી.આ બન્નેનું યોગ્ય સંમિશ્રણ આપણા જીવનને પર્યાવરણ સાથે સંતુલિત કરવામાં સહાયરૂપ થઇ શકે છે અને આ રીતે આપણે પૃથ્વીનું વધારે નુકસાન થતું અટકાવી શકીએ છીએ.આવું ત્યારે જ શક્ય બને જયારે માનવીય ચેતના લોભ,સ્વાર્થી વૃત્તિઓ અને શોષણ કરવાથી ઉપર ઊઠે.
આપણે પોતાની જાતને પૂછવું જોઈએ:આપણે પૃથ્વીનું કેટલું શોષણ કરવું છે?કે આપણે તેને કેટલી સાચવવી છે?આપણે આપણી પૃથ્વીનો તથા તેના તમામ જીવોનો આદર અને કદર કરવા જોઈએ તથા તેમનું એકદમ જતન કરવું જોઈએ. આપણે રસાયણમુક્ત ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ અને પૃથ્વીને પ્લાસ્ટીક,ઝેરી ખાતર તથા રસાયણોથી પ્રદુષિત ના કરીએ તેની ચોકસાઈ રાખવી જોઈએ. આપણે સામુહિક રીતે પર્યાવરણ માટે જાગૃત બનવા માટે જે પગલા લઈશું તે આપણું શ્રેષ્ઠ અર્પણ હશે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)