આ ક્ષણમાં ખુશ રહેવાનો સંકલ્પ કરો

ઈશ્વર ઈચ્છે છે કે તમે ખુશ રહો. ઈશ્વર તમને ઉત્સાહ, આનંદ, કરુણા અને ખુશીથી ભરેલા જોવા માંગે છે. પણ આપણે શું કરીએ છીએ? આપણે હતાશ થઈ જઈએ છીએ, આના કે તેના વિશે ચિંતા કરીએ છીએ. એમાં શું મજા છે? જીવન આ માટે નથી. તે (ઈશ્વર) પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે; તેમણે તમારા ખુશ રહેવા માટે ઘણી બધી વસ્તુઓ બનાવી છે. ઈશ્વર ફક્ત તેમને જ મદદ કરે છે જેઓ પોતાની જાતને મદદ કરે છે. તેથી, દરરોજ એક સંકલ્પ લો. “આજે, ગમે તે થાય, હું ખુશ રહીશ. હું મારી ખુશીમાં કોઈ પણ વસ્તુને ખલેલ પહોંચાડવા નહીં દઉં. હું તૃપ્ત રહીશ, હું ખુશ રહીશ.”

તમે તૃપ્ત થવા માટે શેની રાહ જોઈ રહ્યા છો? ખુશ રહેવા માટે તમારી પાંચ વર્ષની યોજના શું છે? દરેક વ્યક્તિ પોતાની ખુશી મુલતવી રાખે છે. એક બાળક વિચારે છે કે તે કોલેજ જશે ત્યારે ખુશ થશે. કોલેજ ગયા પછી, તે વિચારે છે કે જ્યારે તે કમાવાનું શરૂ કરશે ત્યારે તે ખુશ થશે. પછી તે વિચારે છે કે જ્યારે તે લગ્ન કરશે ત્યારે તે ખુશ રહેશે. અને વાર્તા આગળ વધે છે અને તે ખાસ દિવસ ક્યારેય આવતો નથી! છેલ્લે, તમારા જીવનનો અડધો ભાગ ઊંઘવામાં પસાર થાય છે. તો તમારી પાસે ખુશ રહેવાનો સમય નથી. આતો એવું છે કે તમે આખી રાત માટે તમારો પલંગ તૈયાર કરી રહ્યા છો અને જ્યારે તમે સૂવા માટે તૈયાર હો છો, ત્યારે સવાર થઈ ગઈ હોય છે. હંમેશા ખુશ રહેવાની તૈયારી કરવાને બદલે, હમણાં જ તમારા અંતરાત્માને ખુશ કરો અને બાળકોની જેમ સ્વાભાવિક રીતે ખુશ રહો. ભગવાન બુદ્ધે કહ્યું છે કે દુઃખી થવાનું કારણ હોય છે. કોઈ પણ વ્યક્તિ કારણ વગર દુઃખી ન થઈ શકે. જ્યારે તમે દુઃખી હોવ, ત્યારે તેમાંથી પસાર થાઓ અને અનુભવો, અને પછી ભગવાનને યાદ કરો. બીજાના દુઃખ જુઓ અને જાણો કે તે પ્રકારનું દુઃખ પણ અસ્તિત્વમાં છે. પછી તમે ક્યારેય દુઃખી નહીં થાઓ. હસો ઔર હાસાઓ, મત ફંસો ઔર મત ફંસાઓ. આ જીવનનો સાર છે.

સામાન્ય રીતે લોકો નિરાશામાંથી નિરાશા તરફ, “અપૂર્ણતા” થી “અપૂર્ણતા” તરફ આગળ વધે છે, પરંતુ આધ્યાત્મિક માર્ગ પર વ્યક્તિ પૂર્ણતાથી પૂર્ણતા તરફ આગળ વધે છે. એક “અપૂર્ણતા” થી બીજી “અપૂર્ણતા” તરફ જવાને બદલે, કૃતજ્ઞતા સાથે પૂર્ણતામાં જીવો. પરંતુ પૂર્ણતાના નામે આળસ ન કરવી એ મહત્વનું છે. સામાન્ય રીતે, આત્મસંતુષ્ટ લોકો સુસ્ત બની જાય છે; આ બરાબર નથી. સંતોષ અને ગતિશીલતા એકસાથે જાય છે. જ્યારે હતાશા અને ગતિશીલતા એક સાથે આવે છે ત્યારે તે વિનાશક બની જાય છે. હતાશ લોકો ગતિશીલ બને છે અને તેથી જ દુનિયામાં અરાજકતા ફેલાય છે. સંતોષી લોકો આળસુ બની જાય છે, તેથી જ દુનિયામાં અરાજકતા છે. એક નાજુક સંતુલનની જરૂર છે.

સુખનો અનુભવ ત્રણ સ્તરે થઈ શકે છે. એક છે સમાજમાં, પર્યાવરણમાં ખુશી. આને જ દરેક વ્યક્તિ સુખ માને છે. સુખી સંજોગો – આ કેવી રીતે લાવી શકાય? એવી જગ્યાએ તમને કેવું લાગશે જ્યાં તમારી આસપાસના બધા લોકો ફક્ત પોતાના વિશે જ વિચારે છે? શું તમે એવા સમૂહમાં રહેવા માંગો છો જ્યાં વહેંચણીની ભાવના ન હોય, પોતાનુંપણું ન હોય અને ખુશી ન હોય?

બીજું મનનું સુખ છે. જ્યારે કોઈ વસ્તુ સ્વીકારે છે અને જ્ઞાનમાં પ્રગતિ કરે છે, ત્યારે મનમાં ખુશી હોય છે. ક્યારેક તમારી આસપાસના દરેક લોકો ખુશ હોય છે અને તમે પણ બીજાઓની સેવા કરી રહ્યા છો પણ તમે તમારા અંદરથી ખુશ નથી હોતા; કોઈ તૃપ્તિ નથી હોતી. શરણાગતિ ખુશીનો બીજો સ્તર છે.

ત્રીજું સ્તર આત્મામાં સુખ છે. આ સ્તરનું સુખ ત્યારે થાય છે જ્યારે આત્મા પરમાત્મા સાથે એક થઈ જાય છે. જ્યારે આત્મા સમગ્ર બ્રહ્માંડ સાથે એક થઈ જાય છે, ત્યારે સંપૂર્ણ સુખ હોય છે. જ્યારે બે ન હોય, ત્યારે ઊંડા ધ્યાનમાં, તમે આંતરિક આનંદનો અનુભવ કરો છો.

સુખના ત્રણેય સ્તર એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે તમે ભગવાન સાથે સંપૂર્ણપણે એક થઈ જાઓ છો, ત્યારે તમે બીજા સ્તર પર સંતુષ્ટ થાઓ છો અને ત્રીજા સ્તર પર તમે ક્યારેય સેવા કરવાની તક ગુમાવતા નથી કારણ કે દરેક વ્યક્તિ તમારો એક ભાગ છે. જ્યારે તમે સેવા કરવાનું શરૂ કરશો અને હંમેશા પોતાના વિશે વિચારવાનું બંધ કરશો, ત્યારે માનસિક સંતોષ આવશે. મન પણ ખુશ અને તણાવમુક્ત અનુભવશે, આનાથી આવું વાતાવરણ બને છે.

જ્યારે તમે ખુશ હોવ છો, ત્યારે મન વિસ્તરે છે અને જ્યારે તમે ઉદાસ હોવ છો, ત્યારે મન સંકોચાય છે. તો જ્યારે પણ તમે વિચારો છો, ‘મારું, મારું, મારું’, ત્યારે મન સંકોચાઈ જાય છે. જ્યારે પણ મન સંકોચાય છે, ત્યારે તે દુઃખ લાવે છે. અને જ્યારે મન વિસ્તરે છે, ત્યારે તે આનંદ લાવે છે.

જ્યારે તમે ખુશીની સીમાઓથી આગળ વધો છો ત્યારે શું થાય છે? મન વિસ્તરે છે અને તે જ સમયે વ્યક્તિ સભાન હોય છે. સામાન્ય રીતે, જ્યારે તમે ખુશ હોવ છો, ત્યારે તમે કેન્દ્રિત નથી હોતા, તમે એકાગ્ર હોતા નથી. જ્યારે તમે ઉદાસ હોવ છો, ત્યારે તમે ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરો છો. પરંતુ ખુશ, સજાગ અને એકાગ્ર રહેવાનું એક સુંદર મિશ્રણ – આધ્યાત્મિક જીવનમાં અનુભવી શકાય છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)