(શ્રી શ્રી રવિશંકરજી)
સફળતા એટલે સંજોગો કપરા હોય, છતાં પણ મનની અવસ્થા શાંત અને પ્રસન્ન હોય! તમારું હાસ્ય, આત્મવિશ્વાસ અને અન્યની કાળજી લેવા માટેની હૃદયની વિશાળતા કઠિન થી કઠિન પરિસ્થિતિમાં પણ નિરંતર જળવાઈ રહે તો એ જ સફળતા છે. આ સફળતા મળી જાય પછી જીવનમાં અન્ય ધ્યેય સહજતાથી પ્રાપ્ત થઇ જતાં હોય છે. મનની આ અવસ્થા કઈ રીતે મળે? યોગાસન, ધ્યાન અને પ્રાણાયામના નિત્ય અભ્યાસથી ચેતના ખીલી ઉઠે છે. મહર્ષિ પતંજલિ અભ્યાસની વ્યાખ્યા આ રીતે કરે છે: નિરંતર, લાંબા સમય સુધી, અને પૂરાં સન્માન સાથે જે કરવામાં આવે છે તે અભ્યાસ છે અને આ રીતે કરેલો અભ્યાસ દ્રઢ બને છે. તો યોગાભ્યાસ અને કોઈ પણ અભ્યાસને દ્રઢ બનાવવાના માર્ગમાં કેટલાક અવરોધ આવે છે, આ અવરોધોને મહર્ષિ પતંજલિએ નવ પ્રકારમાં વર્ણવ્યા છે.
વ્યાધિ: સૌથી પહેલો અવરોધ છે માંદગી, શારીરિક અસ્વસ્થતા. શરીરમાં કઈં પણ અસ્વસ્થતા છે તો અભ્યાસમાં તે બાધારૂપ બને છે. જયારે તમે યોગાભ્યાસ શરુ કરો છો ત્યારે તમને શરીરમાં દુખાવો થાય છે, પરંતુ જો તમે ટીવી જુઓ છો તો શરીરમાં દુખાવો થતો નથી. કોઈ પણ અભ્યાસ માટે સ્થિર ન બેસી શકવું તે અવરોધ છે. શારીરિક વ્યાધિ અભ્યાસમાં બાધારૂપ બની શકે છે.
સ્ત્યાન: અર્થાત માનસિક અસ્વસ્થતા. જ્ઞાન સમજવાની અને તેને વ્યવહારમાં લાવવાની અસમર્થતા. મનની જડતા કોઈ પણ અભ્યાસ માટે મોટો અવરોધ છે.
સંશય: ત્રીજો અવરોધ છે સંશય. મન શંકાઓથી ભરાઈ જાય છે. ત્રણ પ્રકારના સંશય છે. સૌથી પ્રથમ પ્રકારનો સંશય છે, પોતાની જાત પર, પોતાની ક્ષમતા-આવડત પર સંશય! મારાથી આ થઇ શકે? બીજાથી થઇ શકે, બીજા કરી પણ રહ્યા છે કોઈ કાર્ય, પણ મારામાં એ આવડત નથી, કુશળતા નથી. હું તો કદાપિ સફળ થઇ શકું નહીં. તો આ પ્રથમ પ્રકારનો સંશય છે.
બીજા પ્રકારનો સંશય એ ખુદ જ્ઞાન પરનો સંશય છે. જે જ્ઞાનનો હું અભ્યાસ કરી રહ્યો છું તે સત્ય છે કે નહીં? ક્યાંક ખોટા જ્ઞાન માટે મારો સમય વેડફાઈ તો નથી રહ્યો? આ બીજા પ્રકારનો સંશય છે. ત્રીજા પ્રકારનો સંશય છે શિક્ષક/ગુરુ પર સંશય! મારામાં આવડત છે, જ્ઞાન પણ સાચું છે, પૂર્ણ છે, પણ શિક્ષક સાચી રીતે શીખવાડી રહ્યા છે? શું શિક્ષકને પોતાને પૂરું જ્ઞાન છે ખરું? આ ત્રીજા પ્રકારનો સંશય છે. આ ત્રણમાંથી કોઈ પણ એક સંશય ઉઠે છે, તો તે અભ્યાસમાં બાધારૂપ બને છે. અને સંશય હંમેશા સકારાત્મક બાબતો ઉપર જ ઉઠે છે. તમે ઉદાસ છો એ માટે તમને પાક્કી ખાતરી હોય છે, પણ તમે ખુશ છો ને , એમ કોઈ પૂછે તો તમારે વિચારવું પડે છે. થોડા સમય માટે સંશય ઉઠે એ સ્વાભાવિક છે, પરંતુ જો તે તમારા સ્વાભાવમાં ઉતરી જાય છે તો એ હાનિ કરે છે. તો સંશય એ અભ્યાસમાં, સફળતા પ્રાપ્ત કરવામાં ત્રીજો અવરોધ છે.
પ્રમાદ: જાણી જોઈને એવું કાર્ય કરવું જે તમને નુક્શાનદાયી છે તે પ્રમાદ છે. એ જ રીતે તમે જાણો છો કે કોઈ ચોક્કસ કાર્ય તમારી પ્રગતિ માટે, ધ્યેય પ્રાપ્તિ માટે કરવું જરૂરી છે, છતાં પણ ન કરવું તે પણ પ્રમાદ છે. જંક ફૂડ ન ખાવો જોઈએ તે તમે જાણો છો છતાં ખાઓ છો તે પ્રમાદ છે. તો પોતાના માટે કલ્યાણકારી હોય તે જાણવા છતાં ન કરવું એ પ્રમાદ છે. ધ્યેય પ્રાપ્તિમાં પ્રમાદ એ ચોથો અવરોધ છે.
આળસ: કોઈ નિશ્ચિત, અગત્યનાં કાર્યને જ ન કરવાની વૃત્તિ એ આળસ છે. તમે બધી બાબતમાં સતર્ક છો, પરંતુ કોઈ એક ઉપયોગી કાર્યને નથી જ કરતાં, તો તે આળસ છે. તમે અન્ય પ્રવૃત્તિઓ કરો છો, પરંતુ વ્યાયામ કે ધ્યાનની વાત આવે ત્યારે તમે દૂર ભાગો છો. અહીં તમારો કોઈ ઈરાદો નથી, પરંતુ ચોક્કસ કાર્ય તમે કરતાં નથી. આ આળસ છે અને અભ્યાસુ માટે તે બાધારૂપ છે.
અવિરતિ: ઇન્દ્રિયજનિત સુખ માટે વધુ પડતી ઈચ્છા એટલે અવિરતિ! તમને ભૂખ લાગે છે અને તમે ભોજન લો છો તે યોગ્ય છે, પરંતુ પેટ ભરાઈ ગયા હોવા છતાં તમે ભોજન અને સ્વાદ વિશે જ વિચાર્યા કરો છો તો તે અવિરતિ છે. તમે કોઈ સુંદર સ્થળની યાત્રા કરવા ઈચ્છો છો. વેકેશન ગાળવા ઈચ્છો છો. તો એક વખત એ સ્થળની મુલાકાત લીધા પછી તમારી ઈચ્છા શાંત થઇ જવી જોઈએ. પરંતુ તમે ફરી ફરી એ સ્થાન પર જવા ચાહો છો, તેના જ વિશે વિચાર્યા કરો છો તો તે અવિરતિ છે. એક જ મુવી વારંવાર જુઓ છો કે કામવાસના વારંવાર વિચારો કરો છો તે અવિરતિ છે, અને અભ્યાસના પથ પર અવિરતિ એ બહુ મોટો અવરોધ છે.
ભ્રાંતિદર્શન: સત્યથી વેગળું વિચારવું અને અસત્યને જ સત્ય માનવું તે ભ્રાંતિદર્શન છે. અચાનક તમને લાગે છે કે તમે લીડર છો, હીરો છો. અધ્યાત્મમાં આ બહુ સામાન્ય છે. તમે ધ્યાન કરો છો, અને તમને લાગે છે કે કોઈ બહાર દરવાજા પાસે આવ્યું છે. તમે દરવાજો ખોલો છો તો ખરેખર તે વ્યક્તિ તમને જોવા મળે છે. આવા કેટલાક અનુભવથી તમે ધારી બેસો છો કે તમારામાં અંત:સ્ફૂરણાની સિદ્ધિ જાગૃત થઇ ગઈ છે. પરંતુ આ સંપૂર્ણ સત્ય નથી. જ્યાં સુધી તમે વિકારોથી સાવ ખાલી થઇ જતા નથી ત્યાં સુધી અંત:સ્ફૂરણા જાગૃત થતી નથી. તમને લાગે છે કે પરીક્ષામાં ચોક્કસ પ્રશ્ન જ પૂછાશે, તમે માત્ર તેટલી જ તૈયારી કરો છો, પરંતુ વાસ્તવમાં આવું બનતું નથી, પ્રશ્નપત્રમાં કઈં બીજું જ આવે છે. ધ્યેય પ્રાપ્તિમાં, અભ્યાસમાં, ભ્રાંતિદર્શન એ સાતમો અવરોધ છે.
અલબ્ધભૂમિકત્વ: તમે જે અભ્યાસ કરી રહ્યા છો, વર્ષોથી કરી રહ્યા છો છતાં તેમાં તમે સ્થિર થયા નથી. તમારો પાયો પાક્કો થયો નથી. તમને કોઈ ઉપલબ્ધી આ અભ્યાસથી થઇ નથી. છતાં પણ તમે અભ્યાસ તો ચાલુ રાખો જ છો. આ સ્થિતિ પણ ધ્યેય પ્રાપ્તિમાં અવરોધ બને છે.
અનવસ્થિતત્વ: અર્થાત સ્થિરતાનો અભાવ. યોગાભ્યાસનુ ઉદાહરણ લઈએ તો, ધ્યાન પછી ક્યારેક બહુ જ સુંદર અનુભવ થાય છે, મન શાંત અને પ્રસન્ન બને છે પરંતુ આ અનુભવ લાંબો સમય રહેતો નથી. શાંતિ અને પ્રસન્નતાના અનુભવનું તરત જ બાષ્પીભવન થઇ જાય છે. જ્ઞાનની અવસ્થા ટકીને રહેતી નથી, તે નવમો અવરોધ છે.
આ અવરોધ આપણા માર્ગમાં પણ છે, તે કઈ રીતે જાણી શકાય? આ અવરોધોને દૂર કઈ રીતે કરી શકાય? આવતા સપ્તાહે તેના વિશે વાત કરીશું.
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)