જો તમને લાગે કે તમને કોઈ પ્રેમ નથી કરતું તો તમે ચોક્કસ પણે જાણી લો કે તમને પ્રેમ કરવામાં આવી રહ્યો છે. પૃથ્વી તમને પ્રેમ કરે છે, તેથી જ તે ધરતી પર તમને સીધા ટકાવી રાખે છે. પૃથ્વીનો પ્રેમ એ તેનું ગુરુત્વાકર્ષણ બળ છે. હવા તમને પ્રેમ કરે છે, તેથી જ જ્યારે તમે સૂતા હોવ ત્યારે પણ તે તમારા ફેફસાંમાંથી પસાર થયા કરે છે. દિવ્યતા તો તમને ખૂબ જ પ્રેમ કરે છે, અસીમ. એકવાર તમે આ અનુભવ્યા પછી, તમને ક્યારેય એકલું લાગશે નહીં.
કોઈનો સંગ પણ તમારી એકલતા ભરી શકતી નથી. જો કોઈ કરે તો પણ તે ખૂબ જ અલ્પકાલ માટે હોય છે. તમે સંગમાં હોવા છતાં પણ એકલતા અનુભવી શકો. ખરા અર્થમાં એકલતા એકલા રહેવાથી જ ભરી શકાય. જો તમે થોડા સમય માટે એકલા રહેવામાં સહજતા અનુભવો છો, તો પછી તમને એકલતા નહીં લાગે. જ્યારે તમે એકલતા અનુભવતા નથી, ત્યારે તમે તમારી આસપાસ લોકોના જીવનમાં આનંદ ફેલાવવા સક્ષમ બનો છો.
લોકો મહેફિલો અને પ્રસંગો પાછળ દોટ મૂકે છે, પણ જે એની પાછળ નથી દોડતો, તે જ્યાં પણ જાય ત્યાં ઉત્સવ એની પાછળ પાછળ જાય છે. જો તમે ઉત્સવ પાછળ દોડો છો તો તમારી પાછળ એકલતા આવે છે, અને જો તમે સ્વકેન્દ્રીત હોવ તો, બધી ઉજવણી ના કેન્દ્ર તમે હોવ છો.
જો તમને સ્વની (પોતાની) સાથે રહેવામાં આનંદ આવે છે તો તમારું વ્યક્તિત્વ કંટાળાજનક નહિ હોય. પણ જો તમે એકલતામાં છો તો, એ તમને વધારે એકલ બનાવશે! જો તમને તમારો જ સંગ કંટાળા જનક લાગે છે તો એ બીજાં માટે તો કેટલો કંટાળા જનક હશે?
કોઈ પણ સંગત દૂર થી તો ખૂબ સારી લાગે છે પણ જેમ એની નજીક જાઓ ત્યારે તે તમારા ઘણા બટન પ્રેસિંગ કરે છે અને જેથી ઘણી અણગમતી લાગણીઓ ઉદ્ભવે છે. જો તમને લાગતું હોય કે કોઈ સંગત સારી છે તો એનો અર્થ એ છે કે તમે પૂર્ણ રૂપે એ સંગતિમાં નથી. જ્યારે તમે સંગતિનો ભાગ હોવ ત્યારે તમને થોડી રકજક જરૂર જોવા મળશે.
જે પૂરો સમય સંગમાં હોય છે તે એકાંતમાં સુખ શોધે છે અને જે એકલાં હોય છે તેઓ સંગમાં રેહવા માંગે છે. દરેક પૂર્ણ સંતુલન શોધી રહ્યા છે. આ પૂર્ણ સંતુલન તલવારની ધાર જેવું છે. જો તમે એક વર્ષમાંથી એક અઠવાડિયાનો સમય કાઢી શકો, અને પોતાના વિચારો અને પોતાની લાગણીઓનું અવલોકન કરો, તો તમને અનુભવાશે કે શાંતિ શું છે.
એકલતાની લાગણીમાંથી છુટકારો મેળવવાનો એક ઉપાય છે થોડી “સેવા” કરવી અને તમારી આસપાસના લોકો માટે ઉપયોગી બનવું. એવા દિવસોમાં જ્યારે તમે હતાશ હો, ભયભીત હો કે સારું ના લાગી રહ્યું હોય ત્યારે તમારા રૂમમાંથી બહાર નીકળો અને લોકોને પૂછો, “હું તમારા માટે શું કરી શકું? તમારા દ્વારા કરવામાં આવેલી સેવા તમારી અંદર ક્રાંતિ લાવશે. સેવા હંમેશા તમને લોકો સાથે જોડે છે.
જ્યારે તમે સેવાને જીવનમાં તમારું એકમાત્ર ધ્યેય બનાવો છો ત્યારે તે તમારા ભયને દૂર કરી, મનને કેન્દ્રિત કરે છે. કાર્યમાં હેતુપૂર્ણતા અને ચિરકાલીન આનંદ લાવે છે.
જ્યારે તમે ઉદાસ, હતાશ કે એકલા હોવ ત્યારે તમે ફક્ત તમારી સીમાઓ થી ઘેરાયેલા હોવ છો. આ સીમાઓ અને મર્યાદા જ તમારી બેચેનીનું સાચું કારણ છે. જ્યાં સુધી તમે તમારી મર્યાદાઓના સંપર્કમાં ન આવો ત્યાં સુધી તમે શાંતિપૂર્ણ અને ખુશ હો છો. જે ક્ષણે તમે તેના સંપર્કમાં આવો છો, મન બહાર ભટકવા લાગે છે અને તમે તમારા કેન્દ્રની બહાર જતા રહો છો. તે ક્ષણે તમે શું કરી શકો? તમે ફક્ત કૃતજ્ઞ થઈ શકો છો અને સ્થિરતા માટે પ્રાર્થના કરી શકો છો. પ્રાર્થના દ્વારા તે ક્ષણે તમારૂ મન સ્થિર થશે અને ચેહરા પર સ્મિત હશે અને પરિસ્થિતિ ગમે તેટલી નિરાશાજનક હોય તમે તેમાંથી પસાર થઈ જશો.
તમે કેવી રીતે શાંતિ મેળવી શકો જે સ્થિર હોય? વ્યક્તિગત રીતે ખુશ રહેવું પૂરતું નથી. આપણી ઈચ્છા એવી હોવી જોઈએ કે આપણે જેને મળીએ તે ખુશ રહે અને ખુશી ફેલાવે. નિરાશ માણસ નિરાશા પેદા કરશે; ઈર્ષ્યા કરનાર વ્યક્તિ ઈર્ષ્યા પેદા કરશે. ખરાબ સંગતમાં રહેવા કરતાં એકલા રહેવું વધુ સારું છે. ખરાબ સંગત શું છે? જે સંગત તમારી નકારાત્મકતા વધારે તે ખરાબ સંગત છે. ઉદાહરણ તરીકે, તમને કોઈ સમસ્યા છે અને તમે કોઈની સાથે વાત કરો છો અને જે તમારી નકારાત્મકતા વધારી દે છે, તો તે ખરાબ સંગત છે. તમે એજ સમસ્યા, એજ નકારાત્મકતા સાથે બીજા કોઈ પાસે જાઓ છો, અને જેઓ તમને હળવાશ અનુભવ કરાવે અને જ્યારે તમે ત્યાંથી દૂર જાઓ છો ત્યારે તમને લાગે છે કે સમસ્યા એટલી મોટી નથી જેટલી તમે વિચારી હતી. તે યોગ્ય સંગત છે. ખરાબ સંગત મહત્વાકાંક્ષા, ઇચ્છા, નિરાશા, ક્રોધ અને મૂંઝવણ લાવે છે. જે સંગત તમને ગેરમાર્ગે દોરે છે, અને તમને તમારા અનુભવમાંથી શીખવા દેતી નથી તે ખરાબ સંગત છે.
એવું ન વિચારો કે જે લોકો તમારી ફરિયાદો સાથે સહમત હોય અને મુશ્કેલીમાં સાથે હોય તે તમારા મિત્રો છે. જે લોકો તમારી નકારાત્મક લાગણીઓ, તમારી હતાશામાં વધારો કરે છે, તેઓ તમારા મિત્ર દેખાઈ શકે છે, પરંતુ તેઓ તમારા દુશ્મન છે. ઘણીવાર, તમારું પોતાનું મન તમારું સૌથી મોટું શત્રુ હોય છે. તમારા મનની નકારાત્મક વૃત્તિઓ તમારી શત્રુ છે.
એકલતામાંથી બહાર આવવા માટે તમારે એવા લોકો સાથે મિત્રતા કરવી જોઈએ જે તમારી સાથે કંઈક સામ્ય ધરાવે છે. પરંતુ જ્ઞાનમાં સાથે રહેવું દુર્લભ છે. જ્ઞાનમાં મિત્ર બનો અને એકબીજાને ઉત્થાન આપો. ભૂતકાળને ભૂલો અને તેમાંથી શીખો અને સર્જનાત્મક ઉત્સાહ અને ખંત સાથે આગળ વધો. પ્રયાસ કરવાનો સમય તમારામાંથી શ્રેષ્ઠતમ બહાર લાવે છે. સમય તમને ભેટ સ્વરૂપે શ્રેષ્ઠતમ આપશે. જીવન બંનેનું મિશ્રણ છે.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)