સાચું હાસ્ય એ સાચી પ્રાર્થના છે. જ્યારે તમે હસો છો ત્યારે સમગ્ર કુદરત તમારી સાથે હસે છે તેના પડઘા પડે છે અને ફરીથી સંભાળાયા કરે એમાં તો જીવનની ખરી યથાર્થતા છે. જ્યારે બધું બરોબર હોય ત્યારે દરેક વ્યક્તિ હસી શકે છે પરંતુ જ્યારે મુસીબતો આવી પડી હોય એવા સમયે જો તમે હસી શકો છો તો તે સાચી ઉત્ક્રાંતિ અને વિકાસ છે. જીવનમાં તમારા હાસ્ય કરતાં વધારે કિંમતી કંઈ નથી. ગમે તે થાય તો પણ એને કશા માટે છોડવો નહીં.
ઘટનાઓ આવે અને જાય છે, કેટલીક થોડી સારી હોય, કેટલીક દુખદ હોય પરંતુ તેઓ તમને સ્પર્શતી નથી. તમારામાં ઊંડાણે કંઈક એવું છે જેને આ કંઈ સ્પર્શતું નથી, એ જે છે તેને પકડો. તો તમે હંમેશા હસતા રહી શકશો. હાસ્યમાં પણ ફેર હોય છે. ક્યારેક તમે વિચારોની પ્રક્રિયાને ટાળવા કે પોતાની જાતને નિહાળવાનું ટાળવા હસો છો. જ્યારે તમે પોતાની અંદર જુઓ છો અને અનુભવ કરો છો કે દરેક ક્ષણે જીવન છે, દરેક ક્ષણે એટલું તો પ્રગાઢ છે અને અજેય પણ, તો કોઈ બાબત તમને પરેશાન નહીં કરી શકે. તમને કશું સ્પર્શી નહીં શકે ત્યારે હાસ્ય એકદમ સાચું હોય છે તે ખરેખરું હાસ્ય હોય છે. તમે છ મહિના કે એક વર્ષના બાળકોનું અવલોકન કર્યું? તેઓ જ્યારે હસે છે ત્યારે તેમનું આખું શરીર ઉછળે અને કુદે છે. હાસ્ય માત્ર તેમના મોંમાંથી નથી નીકળતું. શરીરનો દરેક કોશ હસી રહ્યો હોય છે તે હાસ્ય નિર્દોષ, શુધ્ધ,કોઈ પ્રતિબંધ વગરનું અને કોઈ તનાવ વગરનું હોય છે.
હાસ્ય આપણને ખીલવે છે, હ્રદયને ખીલવે છે. ક્યારેક આપણને એ નિર્દોષપણું અનુભવાતું નથી ત્યારે આપણે શું કરીએ છીએ?તમે પ્રશ્ન પૂછો છો કે -“મને પેલું નિર્દોષપણું કે મુક્તિ નથી લાગતી. મારે શું કરવું જોઈએ?” ત્યારે તમારે તમારા પોતાના અસ્તિત્વના ઘણા સ્તરોને સંભાળવા જોઈએ.
પહેલું, શરીર-જુઓ કે તમને બરોબર આરામ, વ્યવસ્થિત આહાર અને થોડી કસરત મળી રહે. પછી શ્વાસ પર ધ્યાન આપો. શ્વાસની પોતાની લય હોય છે. મનની દરેક અવસ્થા પ્રમાણે શ્વાસની એક ચોક્કસ લય હોય છે. શ્વાસની લય ઉપર ધ્યાન આપીને મન અને શરીરને બહેતર બનાવી શકાય છે. મનમાં ભમતા વિચારો અને અભિપ્રાયો જોવા. સારું, ખરાબ, સાચું, ખોટું, કરવું જોઈએ, ના કરવું જોઈએ, આ બધા તમને બંધનમાં નાંખી શકે છે. દરેક વિચાર કોઈ ને કોઈ સંવેદના સાથે, લાગણી સાથે જોડાયેલો હોય છે. શરીરમાં થતી સંવેદના અને લાગણીનું અવલોકન કરો. લાગણીઓની લયનું અવલોકન કરો-તમે જોશો તો જણાશે કે આપણે ક્યારેય નવી ભૂલો કરતા નથી.
તમારી લાગણીઓની ઢબ એ જ હોય છે પરંતુ તમે જુદા જુદા કારણો, બાબતો, લોકો, સંજોગો અને પરિસ્થિતિઓને લીધે તે ઢબને પકડતા હોવ છો. લાગણીઓની એ લય પર ધ્યાન આપો. વિચારોને વિચારો તરીકે, લાગણીઓને લાગણીઓ તરીકે જોવાથી આપણને આપણું સાચું સ્વરૂપ, આપણામાંની ઈશ્વરતા દેખાય છે. માત્ર અવલોકન કરવાથી દ્રષ્ટિકોણ બદલાય છે. જ્યારે તમે અવલોકન કરો છો ત્યારે જે બધું નકારાત્મક છે તે નીકળી જાય છે. સકારાત્મક લાગણીઓનો સ્વભાવ છે-તે વિકસતી રહે છે. જ્યારે તમે ગુસ્સામાં હોવ ત્યારે જો અવલોકન કરશો તો ગુસ્સો જતો રહેશે. તમે જો એવું અવલોકન કરશો કે પ્રેમ છે કે નહીં તો પ્રેમ વિકસે છે.
એ જ શ્રેષ્ઠ અને એક માત્ર રસ્તો છે.અવલોકન કરો કે વિચારો આવે છે અને જતા રહે છે.નકારાત્મક વિચાર તનાવને લીધે આવે છે. જો તમને પુષ્કળ તનાવમાં મુકવામાં આવે તો એ દિવસે કે બીજે દિવસે તમને નકારાત્મક વિચારો આવશે અને તમે હતાશ થશો. જે વિચારો ઉત્પન્ન થઈ જ ગયા છે અને કોઈ કામના નથી, તેમને લઈને કંઈ કરવાનો પ્રયત્ન કરવા કરતાં જે સ્રોતમાંથી તે ઉદભવે છે તેના પર ધ્યાન આપો. જો સ્રોત શુધ્ધ હોય તો માત્ર સકારાત્મક વિચારો આવે છે. અને જો નકારાત્મક વિચારો આવે તો તમે તેમનું અવલોકન કરો.એમાં શું થઈ ગયું! તે આવે છે અને થોડી જ વારમાં અદ્રશ્ય થઈ જાય છે. આપણે બાબતોને જેવી છે તેવી જોતા થવું જોઈએ, તટસ્થ રીતે અથવા અહેતુલક્ષી બનીને. જીવનમાં એ આવશ્યક છે,જીવન અંદરથી ખીલે છે અને સાચું હાસ્ય ખીલવા દે છે.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)