એક બીજા માટે કાળજી લેવાની ભાવના વિકસાવો

એક સંશોધન અનુસાર એક બાળક દિવસમાં 400 વાર હસે છે, તરુણ 17 વાર અને પુખ્ત તો હસતા જ નથી! વ્યક્તિ જેટલી સફળ થાય છે તેટલી તે વધારે અક્કડ અને કઠોર થઈ જાય છે. શું કઠોરતા એ સફળતાની નિશાની છે? શું તનાવમાં રહેવું એ સમૃધ્ધિ,વિકાસ કે મહત્તાની નિશાની છે? હું નથી માનતો કે અર્થોપાર્જનમાં અડધું સ્વાસ્થ્ય ગુમાવી દેવું અને પછી અડધી સંપત્તિ એ સ્વાસ્થ્ય પાછું મેળવવા ખર્ચવી એ સફળ અર્થશાસ્ત્ર છે!

તમારે વધારે હસતા રહેવું જોઈએ. દરરોજ સવારે જ્યારે તમે જાગી જાવ ત્યારે અરીસામાં જુઓ અને પોતાને એક સરસ સ્મિત આપો. જ્યારે તમે સ્મિત કરો છો ત્યારે તમારા ચહેરાના બધા સ્નાયુઓ હળવા થાય છે. તમારા મગજમાં નસોને વિશ્રામ મળે છે અને તમને જીવનમાં આગળ વધવા માટે આત્મવિશ્વાસ, હિંમત અને તાકાત મળે છે.

જીવન હંમેશા સરળ નથી હોતું. કંઈક સારું હોય છે; સારા નરસા બનાવો બને છે; જુદી જુદી પરિસ્થિતિઓ ઉદ્દભવે છે. આપણને જીવનના ચઢાવ ઉતારમાંથી પસાર થવા તાકાત, ઉત્સાહ અને હિંમતની જરૂર પડે છે. જે આપણે પોતે જ મેળવવાના હોય છે.

આપણે ચિંતન કરવાની જરૂર છે કે એવું શું છે જે માનવજાતના નૈસર્ગિક ઉપહારો–સ્મિત, મૈત્રીભાવ, કરુણા અને વિશાળ વિચારસરણી છીનવી લે છે. આ મુલ્યોને જે રૂંધી રહ્યું છે તે હકીકતમાં તણાવ છે. જ્યારે તમે ચિંતાતુર હોવ છો ત્યારે તમારી સમજશક્તિ, અવલોકન અને અભિવ્યક્તિને પ્રતિકૂળ અસર થાય છે. અને ચિંતાથી મુક્ત થવા તમારી પાસે બે વિકલ્પ છે: તમારો કાર્યભાર ઘટાડો અથવા તમારી ઊર્જાનું સ્તર વધારો. આજના જમાનામાં કાર્યભાર ઘટાડવો શક્ય નથી. તે ઉત્તરોત્તર વધતો જશે. તો વિકલ્પ એ છે કે આપણી ઊર્જામાં વધારો કરવો. આ માટે હું સામાન્ય રીતે ઊર્જાના વિવિધ સ્રોતને ધ્યાનમાં લેવા સુચવું છું. ખોરાક ઊર્જા મેળવવા માટેનો પ્રાથમિક સ્રોત છે. યોગ્ય આહાર અને તેનું યોગ્ય પ્રમાણ:બહુ વધારે કે બહુ ઓછો નહીં. બીજો સ્રોત છે યોગ્ય પ્રમાણમાં નિંદ્રા. ત્રીજો સ્રોત સૌથી અગત્યનો છે  શ્વાસ, જેને આપણે અવગણીએ છીએ અથવા તેની અગત્યતા વિસરી જઈએ છીએ.

શરીરમાંથી 90% અશુધ્ધિઓ શ્વાસ દ્વારા બહાર નીકળે છે કારણ કે આપણે 24 કલાક શ્વાસ લઈએ છીએ. પરંતુ આપણે આપણા ફેફસાની માત્ર 30% ક્ષમતાનો ઉપયોગ કરીએ છીએ. આપણે પૂરતા શ્વાસ નથી લેતા. આપણે એક મીનીટમાં 16-17 શ્વાસ લઈએ છીએ. જો તમે વ્યગ્ર છો તો શ્વાસ 20 સુધી જઈ શકે છે, જો તમે સખત ચિંતા કે ગુસ્સામાં છો તો મીનીટમાં 24 શ્વાસ હોઈ શકે છે. જો તમે એકદમ સ્વસ્થ અને ખુશ હોવ તો એક મીનીટમાં 10 શ્વાસ અને ધ્યાનમાં હોવ તો 2-3 શ્વાસ લો છો. ગહન ધ્યાન તમારા શ્વાસની સંખ્યા ઘટાડી શકે છે.

આપણા દરેક ઉચ્છવાસમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, શરીરમાંથી વિષ દ્રવ્યો (અશુધ્ધિઓ) બહાર ફેંકાય છે અને રક્તનું શુધ્ધિકરણ થાય છે. ઊર્જાના સ્રોત તરીકે શ્વાસ ખૂબ અગત્યનો છે પરંતુ આપણે તેના વિશે જાણવા અને સમજવા માટે પૂરતા પ્રયાસ કર્યા નથી. શ્વાસ શરીર અને મન વચ્ચે સેતુ છે. મન એક પતંગ જેવું છે અને શ્વાસ દોરી જેવો. મનને શાંત કરવા માટે લાંબા શ્વાસ જરૂરી છે. જો તમે શ્વાસ પર ધ્યાન આપો છો તો તમારે ‘પ્રોઝેક’ લેવાની જરૂર નહીં પડે.

તમે સર્જનાત્મક અને ફલદાયક હોઈ શકો છો,પરંતુ તેની સાથે સાથે જે માયાળુપણા સાથે આપણે સૌ જન્મ્યા છીએ તેને ગુમાવો નહીં.હકીકતમાં માત્ર ભૌતિક વસ્તુઓ કે અનુકૂળતા વ્યક્તિ માટે આરામદાયક નથી હોતા. માણસ પાસે સૂઈ જવા માટે સરસ પથારી હોઈ શકે છે,પરંતુ તે અનિંદ્રા કે ચિંતાને કારણે સૂઈ શકતો નથી. તેણે પોતાની જાત અને પોતાની પ્રાથમિકતાઓ વિશે વ્યાપક જાણકારી મેળવવી જોઈએ. માનસિક સ્પષ્ટતા બાબતોને ઘણી સરળ બનાવી દે છે. માણસની મૂળભૂત લાગણીઓ, જેમ કે, પ્રેમ વિશેની સમજ, પોતાની આસપાસના લોકો સાથેનું આદાનપ્રદાન, પોતાના અહંકાર વિશે તથા પોતાની બુદ્ધિ અને મન પોતાને શું કહી રહ્યા છે તેની સમજ તથા આત્મનિરીક્ષણ, વ્યક્તિને થોડી મીનીટોનો વિશ્રામ આપે છે જે અતિ આવશ્યક છે.

આ માટે આપણી જાત વિશેનું, આપણા મન વિશેનું, આપણી ચેતના અને વિકૃતિઓના ઉદ્ભવ સ્થાન વિશેનું થોડું જ્ઞાન સહાયરૂપ થશે. માટે,આપણા શ્વાસ વિશે થોડી જાણકારી મેળવવી ખૂબ અગત્યની છે. આપણો શ્વાસ આપણને એક અગત્યનો પાઠ ભણાવે છે જે આપણે ભૂલી ગયા છીએ. મનની દરેક લયને અનુરૂપ શ્વાસની પણ લય હોય છે;શ્વાસની દરેક લયને અનુરૂપ લાગણી હોય છે. માટે, જ્યારે તમે તમારા મનને પ્રત્યક્ષ રીતે નિયંત્રિત નથી કરી શકતા ત્યારે તમે શ્વાસ દ્વારા તેમ કરી શકો છો.

આમ, સૌથી અગત્યનું જે છે તે પોતાના જીવન અને તેની ગુણવત્તા કેવી રીતે વધારી શકાય તે બાબતે આત્મનિરીક્ષણ કરવાનું છે. આ માટેની આતુરતા જ તમારા માટે,તમારી જાત માટે બહેતર અનુભવ કરવા,ઘણા દ્વાર ખોલશે. એક બીજા માટે કાળજી લેવાની ભાવના વિકસાવો અને વધારે હસતા રહો!

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)