મોટે ભાગે જે લોકો જવાબદારી લે છે તેઓ પ્રાર્થના નથી કરતા હોતા,અને જે લોકો પ્રાર્થના કરતા હોય છે તેઓ જવાબદારી નથી લેતા. આધ્યાત્મિકતા એક જ સમયે આ બન્નેને શક્ય બનાવે છે. પ્રાર્થના અને જવાબદારીના આ સંયોજને દુનિયાભરમાં લાખોને અન્યોની પરવા કરવા,પોતાનું વહેંચવા અને સેવા કરવા વૈશ્વિક સ્તરે પ્રેર્યા છે. સેવા અને આધ્યાત્મિક પ્રક્રિયાઓ એક બીજાના સંલગ્ન છે. તમે ધ્યાનમાં જેટલા ઊંડા ઉતરો છો તેટલું તમને બીજાઓ સાથે વહેંચવાની ઇચ્છા પ્રબળ થાય છે. જો તમે બીજાની સેવા કરો છો તો તમને મહત્વ મળે છે.
ઘણા લોકો એટલા માટે સેવા કરે છે કારણ કે તેમને તેનાથી ઘણા લાભ થાય છે. જ્યારે લોકો ખુશ હોય છે ત્યારે તેમને સામાન્ય રીતે લાગે છે કે તેમણે ભૂતકાળમાં સેવા કરી હશે. એનાથી વિપરીત,જો તમે ખુશ નથી તો સેવા કરો; તેનાથી તમારા ઉત્સાહમાં વધારો થશે અને તમને ખુશીનો અનુભવ થશે. તમે જેટલું વધારે આપશો તેટલા તમને વધારે તાકાત અને સમૃધ્ધિથી નવાજવામાં આવશે.આ બાબત બેંકના બેલેન્સમાં વધારો કરવા જેવું છે. આપણે આપણી જાતને જેટલી વધુ પ્રગટ કરીએ છીએ તેટલો વધુ અવકાશ ઈશ્વર ભરી શકે એ માટે આપણી પાસે હોય છે.
કોઈ પ્રયોજન માટે સેવા
જો આપણે સેવાને જીવનમાં સૌથી વધારે પ્રાધાન્ય આપીએ છીએ તો તેનાથી ડર નિર્મૂળ થાય છે, મન એકાગ્ર બને છે, કાર્યો ઉદ્દેશસભર બને છે અને દીર્ઘકાલીન ખુશી મળે છે. જ્યારે આપણે સેવા કરીએ છીએ ત્યારે તેનાથી આપણામાં સહજતા અને માનવીય મુલ્યો રોપાય થાય છે અને આપણને ભય તથા માનસિક તણાવમુક્ત સમાજ ઘડવામાં સહાય મળે છે.
યુવાઓ માટે આધ્યાત્મિકતા એટલે અન્યો સાથે વહેંચવાની ભાવના વ્યક્ત થવી અને આત્મવિશ્વાસમાં વૃધ્ધિ. જો તમને અન્યોને મદદ કરવાની, સેવા કરવાની ઈચ્છા છે તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ઈશ્વર તમારી ખૂબ સરસ રીતે સંભાળ લેશે. પૈસા માટે બહુ ચિંતા ના કરો. પ્રેમ તથા કૃતજ્ઞતાથી ભરપૂર રહો અને પ્રેમસભર જીવતાં જીવતાં તમારા ડરથી મુક્ત બનો.
આપવાનો આનંદ
સેવા એ હતાશા સામે સૌથી મોટો અને અસરકારક ઉપાય છે.જે દિવસે તમે નિરાશ કે હતાશ હોવ ત્યારે તમારા રૂમની બહાર આવી જાવ અને લોકોને પૂછો,”હું તમારા માટે શું કરી શકું છું?”તમે જે સેવા કરો છો તે તમારો જીવન પ્રત્યેનો અભિગમ બદલી કાઢશે અને કોઈના જીવનમાં તમે સ્મિત લાવી શક્યા એ માટે આનંદ અનુભવશો.જ્યારે તમે “શા માટે હું?” અથવા “મારું શું?” પૂછો છો ત્યારે તમારામાં હતાશા જન્મે છે.
દરરોજ કોઈ શ્વસન પ્રક્રિયા,જેમ કે, સુદર્શન ક્રિયા કરો અને કેટલીક મીનીટો માટે મૌન રાખો.તેનાથી તમારું મન અને શરીર ઊર્જાસભર બનશે તથા તમારી તાકાતમાં વૃધ્ધિ થશે.આનંદ બે પ્રકારના હોય છે.એક છે મેળવવાનો આનંદ.જેમ કે, કોઈ બાળક કહે છે,”જો મને કંઈ મળશે તો હું ખુશ થઈશ.મને જો રમકડું મળશે તો હું ખુશ થઈશ.”આપણે મોટા ભાગે આ સ્તરે અટકેલા હોઈએ છીએ અને એના કરતાં વધારે વિકાસ સાધતા નથી.સાચો આનંદ અંતરના ઊંડાણેથી આવે છે અને તે અન્યોને કંઈ આપવામાં છે.
ઈશ્વર સાથે સાનિધ્ય
ઈશ્વર તમારી પાસેથી કોઈ અપેક્ષા રાખતા નથી.જ્યારે તમે માત્ર આનંદ મેળવવા માટે કંઈક કરો છો,નહીં કે તેમાંથી કંઈક મેળવવા માટે, તો એ સેવા છે.સેવા તમને ત્વરિત સંતોષ તથા દીર્ઘકાલીન ફાયદા આપે છે.પોતાનામાં પ્રેમ નિહાળવો એ ધ્યાન છે અને આજુબાજુના માણસમાં ઈશ્વર જોવા એ સેવા છે.લોકો ઘણી વાર ડરતા હોય છે કે સેવા કરવામાં બીજા તેમનું શોષણ કરશે.માટે,શંકાશીલ બન્યા વગર સાવધ અને ચતુર રહો. સેવાથી પાત્રતા મળે છે;તેનાથી તમે ધ્યાનમાં ઊંડા ઉતરી શકો છો અને ધ્યાન તમારું સ્મિત પાછું લાવે છે.