દરેક સન્નિષ્ઠ સાધક ગુસ્સાને તિલાંજલિ આપવા અને સર્વોત્કૃષ્ટતાની અવસ્થા પ્રાપ્ત કરવા ઈચ્છે છે. પરંતુ તેની પોતાની લાગણીઓને લીધે આ ઈચ્છા ધોવાઈ જાય છે. જ્યારે તમારામાં ગુસ્સો ઉદ્દભવે છે ત્યારે તમે શું કરી શકો છો? તમે તમારી જાતને સો વાર યાદ કરાવતા હશો કે તમારે ગુસ્સે ના થવું જોઈએ,પરંતુ જ્યારે ગુસ્સો કરે આવી ક્ષણ આવે છે ત્યારે તમે નિયંત્રણ રાખી શકતા નથી.તે એક વાવાઝોડાની જેમ આવે છે.તમારા વિચારો અને તમે જે પ્રતિજ્ઞા લો છો તેના કરતાં લાગણીઓ ઘણી વધારે પ્રબળ હોય છે.
ગુસ્સો એ આપણા નૈસર્ગિક સ્વભાવની વિકૃતિ છે અને તે આપણી ચેતનાને સંપૂર્ણપણે પ્રકાશિત થવા દેતો નથી.માનવીય ચેતના કે મનની રચના એક અણુની રચનાને ઘણી મળતી આવે છે.સકારાત્મક ગુણભાર ધરાવતા પ્રોટોન અને ન્યુટ્રોન અણુની મધ્યે હોય છે જ્યારે નકારાત્મક ગુણભાર ધરાવતા ઈલેક્ટ્રોન બહાર પરિઘ પર હોય છે.એ જ રીતે માણસની ચેતના,મન અને જીવનમાં પણ તમામ નકારાત્મકતાઓ અને દુર્ગુણો માત્ર બહાર કિનારે જ હોય છે.
ગુસ્સો પ્રદર્શિત કરવો ખોટું નથી, પરંતુ પોતાના ગુસ્સા વિશે સભાનતા ના હોય તો તમને પોતાને જ નુકસાન થાય છે.ક્યારેક તમે ઈરાદાપૂર્વક ગુસ્સો પ્રદર્શિત કરી શકો છો.દા.ત.,મા તેના બાળકો પર ગુસ્સે થાય છે.જો બાળકો પોતાને જોખમમાં નાંખે છે તો મા કઠોર વર્તન કરી શકે છે અથવા તેમના પર ખિજાઈ શકે છે. ગુસ્સો પ્રદર્શિત કરવા યોગ્ય સંજોગો હોઈ શકે છે,પરંતુ જ્યારે તમે ગુસ્સે થાવ છો ત્યારે તમે કેવું અનુભવો છો?તમે બિલકુલ વિચલિત થઈ ગયા હોવ છો.ગુસ્સો કર્યા પછી જે પરિણામો આવે છે તે તરફ જુઓ.તમે જ્યારે ગુસ્સે થાવ છો અને એ દરમ્યાન તમે જે નિર્ણયો લો છો અથવા તમે જે શબ્દો બોલ્યા હોવ છો તેનાથી શું તમને ક્યારેય આનંદ મળ્યો છે?ના,કારણકે તમે તમારી સંપૂર્ણ સભાનતા ખોઈ બેઠા હોવ છો.જો તમે સંપૂર્ણ સભાનપણે ગુસ્સે થયા હોવાનું નાટક કરતા હોવ તો બરોબર છે.
ગુસ્સો એવી કોઈ બાબત પર હોય છે જે થઈ ચુકેલી છે.તમે જેને બદલી નથી શકવાના એવી બાબત વિશે ગુસ્સો કરવાનો કોઈ ફાયદો ખરો?મન હંમેશા ભૂતકાળ અને ભવિષ્યની વચ્ચે ઝોલા ખાતુ હોય છે.જ્યારે મન ભૂતકાળમાં હોય છે ત્યારે તે કંઈક, જે થઈ ચૂક્યું છે, તેના વિશે ગુસ્સે થાય છે;પરંતુ એ ગુસ્સો અર્થહીન છે કારણ કે આપણે ભૂતકાળને બદલી શકતા નથી.અને જ્યારે મન ભવિષ્યમાં હોય છે ત્યારે એ કોઈ બાબત વિશે ચિંતા કરે છે જે થાય પણ ખરી અને ના પણ થાય.જ્યારે મન વર્તમાન ક્ષણમાં હોય છે ત્યારે ચિંતા અને ગુસ્સો એકદમ અર્થહીન જણાય છે.
આધ્યાત્મિક પ્રક્રિયાઓ તમને કેન્દ્રિત રહેવામાં અને નાની ઘટનાઓથી વિચલિત ના થવામાં સહાય કરે છે.આમાં આપણા વિશેનું,આપણા મન અને ચેતના વિશેનું તથા આપણા સ્વભાવમાં વિકૃતિ કરી શકે તે ઉદ્ભવ સ્થાન વિશેનું થોડું જ્ઞાન સહાયરૂપ થશે.જ્યારે તમે એકદમ થાકી ગયેલા અથવા તણાવમાં હોવ છો ત્યારે તમે તમારા સ્વભાવથી અળગા થઈ જાવ છો અને ગુસ્સો કરી બેસો છો.દરેક વ્યક્તિને દુનિયાના બધા સદ્ગુણોની બક્ષિસ મળેલી હોય છે.પરંતુ આ સદ્ગુણો સમજના અભાવે અને તનાવને લીધે આચ્છાદિત થઈ જાય છે.માત્ર એ કરવું જરૂરી છે કે જે સદ્ગુણો અગાઉથી છે જ તેમને અનાચ્છાદિત કરવા.
શ્વસન પ્રક્રિયાઓ અને ધ્યાન મનને શાંત કરવા માટે ખૂબ અસરકારક છે. આપણા શ્વાસ વિશે થોડું જાણવું બહુ અગત્યનું છે.આપણો શ્વાસ આપણને એક અગત્યનો પાઠ ભણાવે છે જે આપણે ભૂલી ગયા છીએ.મનની દરેક લયને અનુરૂપ શ્વાસની પણ લય હોય છે અને શ્વાસની દરેક લયને અનુરૂપ લાગણી હોય છે.માટે, જ્યારે તમે તમારા મનને પ્રત્યક્ષ રીતે નિયંત્રિત નથી કરી શકતા ત્યારે તમે શ્વાસ દ્વારા તેમ વધારે સારી રીતે કરી શકો છો.ધ્યાન એટલે ભૂતકાળ અને ભૂતકાળની ઘટનાઓને લઈને ઉદ્ભવતા ગુસ્સાને ત્યજવો.એનો એ પણ અર્થ છે કે આ ક્ષણનો સ્વીકાર કરવો અને દરેક ક્ષણને ગહેરાઈથી સંપૂર્ણપણે જીવવી.ઘણી વાર તમે આ ક્ષણનો સ્વીકાર નથી કરતા એને લીધે ગુસ્સો આવે છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)