મનની પાંચ વૃત્તિઓ : પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ: માંથી કેટલીક વૃત્તિઓ ક્લેશયુક્ત છે. મહર્ષિ આગળનાં સૂત્રમાં મનની આ વૃત્તિઓના નિયંત્રણ માટેના ઉપાય કહે છે:
अभ्यासवैराग्याभ्यां तन्निरोधः ॥१.१२॥
અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા ચિત્તની વૃત્તિઓનું નિયંત્રણ થાય છે.
तत्र स्थितौ यत्नोऽभ्यास: ॥१.१३॥
યોગની સ્થિતિમાં રહેવા માટેનો પ્રયત્ન, તે અભ્યાસ છે.
સતત વર્તમાન ક્ષણ સાથે રહેવું તે યોગ છે. બહારનાં વિશ્વમાં પ્રવાહિત થઇ રહેલાં મનને ભીતર વાળવું એ યોગ છે, અને આ સ્થિતિ અભ્યાસ અથવા વૈરાગ્ય દ્વારા આવે છે. પ્રથમ “અભ્યાસ” વિષે જોઈએ તો, – યોગની સ્થિતિમાં: વર્તમાન ક્ષણમાં રહેવા માટેનો યત્ન એ અભ્યાસ છે. ( કારણ, મન મહદંશે, ભૂતકાળ વિષે વિચાર્યા કરે છે અથવા ભવિષ્ય વિષે વિચાર્યા કરે છે અને ગુસ્સો, પસ્તાવો, ભય, ચિંતા જેવી નકારાત્મક ભાવનાઓ થી ઘેરાઈ જાય છે, પરંતુ આનંદ હંમેશા વર્તમાન ક્ષણમાં છે.) મનને પુન: પુન: વર્તમાનમાં લાવવું તે અભ્યાસ છે.
स तु दीर्घकालनैरन्तर्यसत्कारासेवितो दृढभूमिः ॥१.१४॥
નિરંતર, લાંબા સમય સુધી, સત્કાર પૂર્વક અભ્યાસ કરવામાં આવે ત્યારે તે દ્રઢ બને છે.
પ્રથમ તો અભ્યાસ લાંબા સમય માટે કરવો જોઈએ, સતત અને નિયમિત કરવો જોઈએ તથા પોતાના અભ્યાસ પ્રત્યે આદર અને સન્માનની ભાવના રાખીને કરવો જોઈએ. આપણે ઘણી વખત માત્ર કરવા ખાતર કોઈ અભ્યાસ-સાધના કરતાં હોઈએ છીએ. ના! જયારે અભ્યાસ કરો ત્યારે તેને પૂર્ણ સન્માન આપો, મહત્વ આપો, પછી જ તે દ્રઢ બનશે.

એ જ રીતે, અભ્યાસમાં સાતત્ય બહુ જ જરૂરી છે. અભ્યાસ પ્રતિ દિન કરવો જોઈએ. તમે કોઈ ધ્યાનની પદ્ધતિ શીખો છો અને માત્ર બે દિવસ કરીને પછી અનિયમિત થઇ જાઓ છો તો તેનો લાભ મળશે નહિ. અભ્યાસ નિરંતર, નિયમિત રૂપે કરવો ખૂબ આવશ્યક છે. ભલે તમે થોડો જ સમય આપો છો પરંતુ પ્રતિદિન અભ્યાસ કરવો અનિવાર્ય છે. ત્યારે જ તમારી ભીતર અભ્યાસ દ્રઢ બને છે.
સ્થિર અને કેન્દ્રસ્થ રહેવાની અવસ્થા અભ્યાસ થી જ સંભવ બને છે. તમે જુઓ છો: “આ ક્ષણ, આ ક્ષણ” અને સજગ બનો છો ક્ષણ પરત્વે, ત્યાં તો એ ક્ષણ પસાર થઇ જાય છે. તમે ફરીથી વર્તમાન ક્ષણને ચુકી જાઓ છો. આ અભ્યાસ એકરેખીય – લિનિયર નથી. “આ ક્ષણ- અત્યારે(Now)” માં સ્થિર થવા માટેનો અભ્યાસ વ્યાપક-વિશાળ પણ છે અને ગહન પણ છે. વર્તમાન ક્ષણ એક બિંદુ નથી, એક ટપકું નથી. વર્તમાન ક્ષણ અનંત છે. ( જેમ કે આ એક ક્ષણમાં; વિશ્વમાં, બ્રહ્માંડ માં એક સાથે કેટલી બધી ઘટના ઘટી રહી છે!) અભ્યાસ તમને આ અનંત, ગહન ક્ષણમાં સ્થિર કરે છે. અને અભ્યાસનું ધ્યેય જ એ છે. અને આ ધ્યેય કઈ રીતે પ્રાપ્ત થાય?

स तु दीर्घकाल:- (અભ્યાસ જે) લાંબા સમય સુધી
नैरन्तर्य- નિરંતર, સતત, કોઈ પણ અંતરાલ(gap) વગર
सत्कारासेवित:- સન્માન સાથે કરવામાં આવેલ
दृढभूमिः- સ્થિર અને દ્રઢ બને છે.
જે કઈં પણ મૂલ્યવાન છે, તેને પ્રાપ્ત કરવામાં લાંબો સમય લાગે છે. કોઈ પણ કલાને સિદ્ધહસ્ત કરવી હોય તો તેમાં સમય લાગે છે. કોઈ પણ વાદ્ય વગાડતાં શીખવું હોય તો સમય આપવો પડે છે. અને તેનાં વાદનમાં પ્રવીણતા મેળવવી હોય તો વધુ લાંબો સમય લાગે છે. મનને યોગની સ્થિતિમાં, વર્તમાન ક્ષણમાં રાખવા માટે તો ખુબ લાંબા સમય સુધી અભ્યાસની આવશ્યકતા રહે છે. નિયમિત અને નિરંતર અભ્યાસની આવશ્યકતા રહે છે.
સત્કારપૂર્વક શા માટે? ઘણી વખત આપણે અભ્યાસ તો નિયમિત કરીએ છીએ પણ કંટાળા સાથે, કરવો પડે તેમ છે તે માટે કરીએ છીએ. એ અભ્યાસ નથી. કૃતજ્ઞતા સાથે, સન્માન સાથે, આદરની ભાવના સાથે જે કરવામાં આવે છે તે અભ્યાસ છે. ઘણી વખત જીવનમાં આ ભાવનાની ત્રુટિ રહી જાય છે. તમે પ્રારંભમાં, ઘણી વખત, સન્માન-આદરની ભાવના અનુભવો છો, પરંતુ સમય વીતવાની સાથે આ ભાવના લુપ્ત થતી જાય છે. ઉદાહરણ તરીકે, કોઈ ઇવેન્ટ માટે તમે પ્રથમ વખત સ્ટેજનું સુશોભન કરો છો ત્યારે તમે ખૂબ સન્માન અને કૃતજ્ઞતા પૂર્વક કરો છો, હૃદયપૂર્વક અને સંપૂર્ણ સૃજનશીલતા સાથે કરો છો. પરંતુ આ જ કાર્ય જો તમારે રોજ કરવાનું હોય તો ધીરે ધીરે સત્કારની ભાવના ઓછી થતી જાય છે.

સમયની સાથે સાથે સજગતા, આદર, એકાગ્રતા સઘળું ઓછું થતું જાય છે. ધ્યાનમાં પ્રથમ દિવસે તમે અદભુત લાગણી સાથે બેસો છો, તમને અનુપમ અનુભવ થાય છે પરંતુ પછી થી તમે બૉર થઇ જાઓ છો, કંટાળી જાઓ છો. તમે આંખો બંધ કરીને તો બેસો છો પરંતુ પહેલા દિવસ જેવી અદભુત અસર થતી નથી. કારણ હવે તમે આદરની ભાવના ગુમાવી દીધી છે. એવું નથી કે તમે સાવ સન્માન કરતા જ નથી, પરંતુ ધ્યાનના અભ્યાસ પ્રત્યે તમારી એકાગ્રતા ઓછી થઇ ગઈ છે. સત્કાર એટલે શું? પૂર્ણ ધ્યાન, સજગતા અને કૃતજ્ઞતા સાથે વર્તમાન ક્ષણ પ્રત્યે જાગૃત રહેવું! આ સત્કાર છે. તો બધી આગળ પાછળની ઘટનાઓ તરફ ધ્યાન આપ્યા સિવાય, વર્તમાન ક્ષણનો આદર કરો. વર્તમાન ક્ષણમાં જે કઈં પણ ઘટી રહ્યું છે તેનો સંપૂર્ણ આદર કરો. કારણ, સન્માનની ભાવના તમને સજગ બનાવે છે અને તમે વર્તમાન ક્ષણમાં જ સ્થિર અને કેન્દ્રિત રહો છો.
સન્માન- જ્ઞાનનું સન્માન, ગુરુનું સન્માન, શિષ્યનું સન્માન આ સઘળું અભ્યાસ માટે આવશ્યક છે. પરંતુ શું માત્ર અભ્યાસ પર્યાપ્ત છે? ના! બે ચક્રો ઉપર આ ગાડાંનું સંતુલન કરવું પડે છે. અભ્યાસ અને વૈરાગ્ય! વૈરાગ્ય વિશે મહર્ષિ શું કહે છે? આવતાં સપ્તાહે જોઈશું.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
