જેમને કાન હોય તેઓ જ સાંભળી શકે અને આંખો હોય તેઓ જ જોઈ શકે, નહિ? જે જોવાનું છે આંખો વડે, તેને સાંભળી કઈ રીતે શકાય? જીવનને આપણે પાંચ પરિમાણો દ્વારા સમજીએ છીએ, અને એ પાંચ પરિમાણો છે, પાંચ ઇન્દ્રિયો! દર્શન, શ્રવણ, ઘ્રાણ, સ્વાદ અને સ્પર્શ: પરંતુ તમને ખબર છે, આપણે આ ઉપરાંતનાં એક પરિમાણને વિસરી રહ્યાં છીએ? એ પરિમાણ છે અનુભૂતિ. ઈશ્વરની ઉપસ્થિતિની અનુભૂતિ. જુઓ ને, પ્રકાશને કાન વડે સાંભળી શકાય છે? કે ધ્વનીને આંખો દ્વારા જોઈ શકાય છે? નહિ ને? એ જ રીતે ઈશ્વરની ઉપસ્થિતિ માત્ર હૃદય દ્વારા અનુભવી શકાય છે.
ઈશ્વરને પાંચ સ્થૂળ ઇન્દ્રિયોથી કઈ રીતે જાણી શકાય? ઈશ્વર સ્વયં એક અનુભૂતિ છે. સ્વયં એક ઉપસ્થિતિ છે. મૌનનો ધ્વનિ, જીવનનો પ્રકાશ, સૃષ્ટિનું હાર્દ અને આનંદનો આસ્વાદ. અનુભૂતિની આ છઠ્ઠી ઇન્દ્રિય થી જીવન જીવાય તો તે કેટલું રસમય બની રહે.
તમે જાણો છો? જો તમે હતાશાની લાગણી અનુભવી રહ્યાં છો તો તમે તમારી આસપાસ પણ હતાશાનાં પરમાણુંઓ પ્રસારી રહ્યાં છો. વાતાવરણ આ પરમાણુઓ સાથે સંયોજાય છે. તમારા ગયા પછી જો કોઈ વ્યક્તિ ત્યાં આવે છે, તો વિના કારણે તે પણ હતાશાનો અનુભવ કરે છે. તમે આ અનુભવ કર્યો છે? કોઈ એક ખંડમાં પ્રવેશતાં પહેલાં તો તમે શાંત હતાં, પરંતુ ખંડમાં પ્રવેશ કર્યો અને તમે ક્રોધિત થઇ ઊઠ્યા!
પર્યાવરણ-સુરક્ષા અંગે આપણે સજગ થવા લાગ્યાં છીએ. પર્યાવરણવાદીઓ વન- સુરક્ષા, પ્લાસ્ટિક- રિસાયકલીંગ, ઓર્ગેનિક પદાર્થોનો ઉપયોગ જેવા મુદ્દાઓ ઉપર ભાર આપી રહ્યા છે. થોડાં સમય પહેલાં તો આ મુદ્દા પર વિચારણાની જરૂર જ નહોતી, ખરું કે નહિ? પરંતુ આજે પૃથ્વીની રક્ષા માટે સમસ્ત વિશ્વના દેશો એક થઇ રહ્યા છે. અહીં સમજવાનું એ છે કે આપણે જેમ પૃથ્વીને પ્રદુષિત કરીએ છીએ, પાણીને પ્રદુષિત કરીએ છીએ, એ જ રીતે સંવેદનાઓના સુક્ષ્મ પર્યાવરણને પણ આપણે પ્રદુષિત કરીએ છીએ.
તમે એ વાત સાથે સહમત થાઓ છો ને કે આપણું આપણા મન પર કોઈ જ નિયંત્રણ નથી. આસપાસનું વાતાવરણ જાણે આપણને નિયંત્રિત કરે છે! અને આપણે આપણી નકારાત્મક ભાવનાઓ વડે વાતાવરણને પ્રદુષિત કરીએ છીએ. નકારાત્મક સંવેદનાઓથી પ્રદુષિત વાતાવરણને શુદ્ધ કરવામાં બહુ લાંબો સમય જતો રહે છે. હા, ઘણી વખત તમે તણાવ અનુભવો છો, ઘણી વખત તમે શંકિત બની ઉઠો છો તો ઘણી વખત તમે નકારાત્મક લાગણીઓથી ઘેરાઈ જાઓ છો! આ અનિવાર્ય છે. આવું બને એવું કોઈ ઇચ્છતું નથી, છતાં પણ બને છે. પણ અહીં અગત્યનું એ છે કે તમે આ ભાવનાઓ માંથી કઈ રીતે બહાર આવો છો? આપણા મનનું નિયંત્રણ કઈ રીતે કરવું એ આપણે જાણતા જ નથી.
આપણે વિશ્વભરની માહિતીઓ જાણીએ છીએ પરંતુ આપણે સ્વયં ને જાણી શકતાં નથી. વર્તમાન ક્ષણમાં કઈ રીતે રહેવું? સદાય આનંદિત અને કૃતજ્ઞ કઈ રીતે રહેવું? આપણે કદાચ આ વિશે વિચાર્યું જ નથી. આનો ઉપાય શો? હું તમને કહું છું કે આનંદ, કૃતજ્ઞતા અને આભારની સુંદર સકારાત્મક સંવેદનાઓ ચિરસ્થાયી છે. જયારે સર્વ નકારાત્મક લાગણીઓ ક્ષણજીવી છે. આપણા સમગ્ર અસ્તિત્વના કેન્દ્રસ્થાનમાં સકારાત્મક ભાવનાઓ રહેલી છે. જેમ અણુના બંધારણમાં ધન ભારિત પ્રોટોન કેન્દ્રમાં અને ઋણ ભારિત ઈલેક્ટ્રોન પરિઘ પર હોય છે, બિલકુલ એ જ રીતે આપણા અસ્તિત્વનું કેન્દ્ર સકારાત્મક લાગણીઓથી બનેલું છે જેની આસપાસ નકારાત્મકતાનું માત્ર વાદળ જ છે. શ્વાસોચ્છવાસની લયબદ્ધ પ્રક્રિયા દ્વારા તથા ધ્યાન દ્વારા નકારાત્મકતાનાં આ વાદળને સરળતાથી નષ્ટ કરી શકાય છે.
ભવિષ્યમાં ચોક્કસ હતાશા વિરોધી કોઈ કાયદો રચાશે. જો કોઈ વ્યક્તિ હતાશ-નિરાશ છે તો તેમણે દંડ ભરવો પડશે. એકાંતમાં જઈ, પ્રાણાયામ અને ધ્યાન દ્વારા હતાશાને દૂર કરવી જોશે. અને આમ જોવા જઈએ, તો નિરાશ થવાનું શું કારણ છે? આ પૃથ્વી પર આપણે બહુ થોડો સમય જ છીએ. તો શા માટે પ્રસન્ન ના રહીએ? એક વાર જાગીને જુઓ ને. જીવન પાસે તમને આપવા માટે અઢળક છે. બસ, થોડો સમય સ્વયં સાથે વિતાવો. આત્મ-તત્વ તમારાં સ્મિતની રાહ જોઈ રહ્યું છે. એક વખત નિર્મળ સ્મિતથી છલકાઈ ઉઠો. હું તમને ખાત્રી આપું છું કે કોઈ પણ સંજોગોમાં તમારું અનુપમ સ્મિત કોઈ જ છીનવી શકશે નહિ.
સહુ સફળ થવા ઈચ્છે છે. પરંતુ મારો પ્રશ્ન એ છે કે સફળતા કોને કહેવાય? શું અઢળક સંપત્તિ હોવી તે સફળતાની નિશાની છે? અને જો કોઈ વ્યક્તિ ખૂબ શ્રીમંત છે પણ તેમનું આરોગ્ય સારું નથી, આ સંજોગોમાં શું તે સફળ કહેવાય? જે સંપત્તિ મેળવવા પાછળ વ્યક્તિ પોતાનાં આરોગ્યને નુકશાન પહોચાડી બેસે છે, તે જ સંપત્તિનો ઉપયોગ ચિકિત્સા દ્વારા ફરીથી આરોગ્ય મેળવવા માટે કરવો પડે છે. આ તો હાસ્યાસ્પદ કહેવાય, ખરું કે નહિ? આતો બહુ ખરાબ ગણિત કહેવાય!
તો પછી તમે કહેશો કે સફળતા કોણે કહેવાય? આત્મવિશ્વાસ, કરુણા, ઉત્સાહ, ઔદાર્ય, ઉર્જા અને છલકતાં સ્મિત થી સભર વ્યક્તિત્વ હોવું તે સાચી સફળતા છે. આ સફળતા શાશ્વત છે, ચિરસ્થાયી છે. તો, તમારી જાત માટે થોડો સમય ફાળવો. મનને શાંત કરી દો. ચિત્ત પર પડેલા સર્વે પ્રભાવનો ત્યાગ કરો. સહજ બનો. અને દિવ્ય તત્વની ઉપસ્થિતિને અનુભવો. તે તમારી આસપાસ જ છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)