ભગવદ ગીતામાં એક વાર્તા છે. એક વાર કૃષ્ણને ભોજન પીરસવામાં આવ્યું ત્યારે તેઓ અચાનક ઊભા થઈ ગયા અને કહ્યું, “મારે તરત જ જવું પડશે.” ગોપીઓએ વિનંતી કરી, “ના, ના, કૃપા કરીને પહેલાં ભોજન લો. તમારા કરતાં વધારે મહત્વનું કંઈ નથી. બીજી બધી વસ્તુઓ રાહ જોઈ શકે છે.” પરંતુ કૃષ્ણએ દ્રઢતાથી કહ્યું, “મારો એક ભક્ત મુશ્કેલીમાં છે અને ખરા દિલથી મને બોલાવી રહ્યો છે. મારે જવું જ પડશે.”
તેઓ ઝડપથી બહાર નીકળ્યા, પરંતુ લગભગ તરત પાછા ફર્યા. ગોપીઓએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, “શું થયું?” કૃષ્ણે ઉત્તર આપ્યો, “હું જ તેનો એકમાત્ર આશરો છું એવું માનીને શરૂઆતમાં તેણે મને પોકાર્યો હતો. પરંતુ થોડીવાર પછી તેને લાગવા માંડ્યું કે કદાચ બીજી કોઈ વસ્તુ પણ તેની મદદ કરી શકે છે. હવે તે બીજી વસ્તુઓ પરત નિર્ભર થયો છે, એટલે હું રાહ જોઈ શકું છું. તેણે મને સમય આપ્યો છે. હવે હું પહેલાં ભોજન લઈ લઉં, પછી જઈશ.”
આ વાર્તા શ્રદ્ધા અને પ્રાર્થનાની તીવ્રતાની તાકાત દર્શાવે છે. જેટલી વધુ તીવ્રતા હોય, તેટલો ઝડપી પ્રતિસાદ મળે છે. જ્યારે તીવ્રતા ઘટે છે ત્યારે પણ સહાય તો મળે છે—પરંતુ તેમાં થોડો સમય લાગી શકે છે.
જ્યારે તમે કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે ગહનતાથી જોડાયેલા હોવ છો ત્યારે પ્રેમ જન્મે છે. અને પ્રેમમાંથી તલપ ઊપજે છે. આ તલપ વધુ તીવ્ર થવી જોઈએ. જ્યારે તે એટલી તીવ્રતાએ પહોંચે છે કે હવે એ પ્રેમ સિવાય બીજું કંઈ પણ તમને સંતોષી નહીં શકે, ત્યારે તે બધું હચમચાવી નાંખે છે—તાણ, ભાવનાઓ, નકારાત્મકતા. આ બધાને પાર કરવા તમારે અત્યંત ધીરજ અને ઊંડી પ્રાર્થનાની જરૂર પડે છે.
આ પ્રાર્થના સામાન્ય નથી; તે તમારા અંતરના ઊંડાણેથી જન્મે છે. બેચેની, તલપ, નિરાશા અને હતાશા—આ બધું નાભિથી લઈને ગળા સુધીના વિસ્તારમાં મંડરાય છે. તેમને પાર કરવા માટે તમારે વધુ ઊંડા ઉતરવું પડે છે, બીજા ચક્રમાં જવું પડે છે. જ્યારે તમને સંપૂર્ણપણે નબળું અને અસહાય લાગે છે ત્યારે સમર્પણ ઊપજે છે.તમે કહો છો, “હું બધું ત્યજી દઉં,”. એ સમયે પ્રાર્થના સાચે જ તીવ્ર બને છે. એ હૃદયમાંથી ઉપજતી સામાન્ય પ્રાર્થના નથી હોતી.આવી ક્ષણોમાં એ પૂરતી નથી હોતી.
કૃતજ્ઞતા હૃદયમાંથી પ્રાર્થના જન્માવે છે. પરંતુ જ્યારે તમે દુઃખી હોવ છો ત્યારે તમે તમારા અસ્તિત્વમાંથી પ્રાર્થો છો—તમારા ઊંડાણેથી. આ ઊંડાણ પ્રથમ અને દ્વિતીય ચક્ર વચ્ચે આવેલું છે. અને ત્યાંથી ઉદ્ભવેલી પ્રાર્થના તીવ્ર બને છે. એનું કારણ એ છે કે દૈવી શક્તિ નબળાઓની પડખે ઊભી જ હોય છે. તેથી જ તેને “દીનબંધુ” કહેવામાં આવે છે— એટલે કે અસહાય અને નમ્રજનોના મિત્ર.
જ્યારે તમે એ અસહાયતાની અવસ્થામાંથી પ્રાર્થના કરો છો કે “હું આ મુશ્કેલી એકલો પાર નહીં પડી શકું. મને સહાય જોઈએ છે”, ત્યારે તમે તરત જ પરિવર્તન થતું જોઈ શકો છે.
દિવ્યતા માટેની તલપ બીજા વિકલ્પોને લીધે મંદ ના થવી જોઈએ—એ વ્યક્તિ હોય, પદ કે possession. દુન્યવી ઇચ્છાઓ કેટલી તીવ્ર હોઈ શકે છે તરફ ધ્યાન આપો.દિવ્યતા માટેની તરસ એના કરતાં લાખોગણી વધુ હોવી જોઈએ. એની સાથે દુઃખ પણ વધારે થાય છે— પણ પરમાનંદ પણ એટલોજ વધારે હોય છે. દુન્યવી ઈચ્છાઓથી મળતો સંતોષ નાનકડો અને ટૂંકાગાળાનો હોય છે.જ્યારે દિવ્ય પ્રેમ તમને સંપૂર્ણપણે તૃપ્ત કરે છે. તે તમને પૂર્ણ બનાવે છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
