જીવન ને ઉત્સવ બનાવે ભક્તિ

ભક્તિ એટલે શું? ભક્તિ એટલે તીવ્ર પ્રેમ! ઈશ્વર પ્રત્યેનો તીવ્ર પ્રેમ! અને હું કહું છું કે એ તમારી અંદર જ છે. ભક્તિ એ કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. તેના માટે તમારે કોઈ જ પ્રયાસ કરવાનો નથી. તમારે માત્ર તેની અનુભૂતિ કરવાની છે. આ તો એવી વાત છે કે તમે તમારાં ચશ્માં માથા પર ચડાવ્યાં છે અને તમે એ જ ચશ્માંને બીજે શોધ્યા કરો છો! માથા પર ચડાવેલા ચશ્માંને સરળતાપૂર્વક આંખો પર લાવી શકાય છે ને? બસ! આટલું જ સરળ છે ભક્તિની અનુભૂતિ કરવાનું.
હા, સમગ્ર વિશ્વ ચેતનાનું હું પણ એક સ્ફુલ્લિંગ છું. હું પ્રત્યેક વ્યક્તિમાં વસું છું અને પ્રત્યેક વ્યક્તિ મારામાં વસે છે. આવી વસુધૈવ કુટુમ્બકમની અનુભૂતિ એટલે ભક્તિ. ભક્તિ એટલે કૃતજ્ઞતા. તમે જીવનમાં જે પ્રાપ્ત કર્યું છે તેના માટે કૃતજ્ઞતા અને આભારની લાગણી અનુભવો છો ને? આજ લાગણી ભક્તિમાં પરિવર્તિત થાય છે. તમારી અંદર રહેલી ભક્તિ પરત્વે ક્યારેય શંકાશીલ ના બનશો. ભક્તિની ભાવના વગર કોઈ જ કાર્ય કરવું શક્ય બનતું નથી. તમે કોઈ પણ કાર્યને જો સુંદર રીતે પાર પાડો છો, તો તમે ભક્તિમય છો, પ્રેમમય છો અને પ્રતિબદ્ધ છો.
પણ આ અવસ્થામાં ક્યારેક તમે તમારી જાતને ખોઈ બેસો છો. તમે અનુભવો છો કે “હું કંઈ જ નથી” અને એ વખતે તમારા જીવનમાં ગુરુની જરૂર પડે છે. ગુરુની હાજરી જ માત્ર તમને શ્રદ્ધા અને વિશ્વાસ થી સંચારિત કરે છે. અહીં તમને પ્રશ્ન થશે કે, ગુરુને કઈ રીતે ઓળખવા? જીવનમાં વિવિધ સંજોગોમાં વિવિધ વ્યક્તિઓ તમારા માટે ગુરુ બની રહે છે. મેનેજમેન્ટ – ગુરુ અને વિવિધ વિદ્યા ગુરુઓ આમાં સમાવિષ્ટ છે. પરંતુ આધ્યાત્મિક જ્ઞાન માત્ર સદગુરુ જ આપી શકે છે.
સદગુરુની ઓળખ માટે શાસ્ત્રોમાં પાંચ સંજ્ઞાઓ વર્ણવી છે. સદગુરુની હાજરીમાં, “દુઃખ ક્ષય” – દુઃખનો નાશ થાય છે. “સુખાવિર્ભાવા” – સુખનો આવિર્ભાવ થાય છે, “જ્ઞાન રક્ષા” જ્ઞાનનું રક્ષણ થાય છે, “સમૃદ્ધિ” – અભાવ લુપ્ત થાય છે અને પરિતૃપ્તિનો અનુભવ થાય છે, અને “સર્વ સંવર્ધનમ” – વિવિધ પ્રતિભાઓનો ઉદય થાય છે. અને આ સિવાય ગુરુની ઓળખનો સહુથી સરળ ઉપાય છે, તમારાં હૃદય સાથે સંવાદ કરો! શું તમે જ્ઞાન મેળવ્યું છે? શું તમે પ્રગતિ કરી છે? તમારું હૃદય તમને સાવ સાચો ઉત્તર આપશે.

આપણે હંમેશા અજ્ઞાત પ્રત્યે ભયની લાગણી અનુભવીએ છીએ. કોઈ અગાઢ જંગલમાં રસ્તો ભૂલી જઈએ કે પ્રથમ વખત જ પાણીમાં પ્રવેશ કરીએ ત્યારે ભયની સંવેદના અનુભવીએ છીએ, પરંતુ કોઈ માર્ગદર્શકની હાજરી માત્રથી આપણો ભય દૂર થાય છે. બસ, એ જ રીતે સદગુરુ જ્ઞાનના પ્રકાશથી, અજ્ઞાનના અંધકારને નિર્મૂળ કરે છે, અને ભયમુક્ત કરે છે. તો જયારે તમારાં જીવનમાં ગુરુનો પ્રવેશ થાય છે ત્યારે તમે નિર્ભીક બનો છો. ગુરુ એ આત્મા ના રક્ષક છે. ગુરુ વિના આધ્યાત્મિક ઉન્નતિ શક્ય નથી. પરંતુ અહીં એક જ માર્ગને પકડી રાખીને આગળ વધવું અત્યંત જરૂરી છે. વિક્ષિપ્ત મન બંધન-કર્તા છે.

ગુરુ પ્રત્યેનો તીવ્ર પ્રેમ તમને ક્યારેક થોડી પીડા પણ આપે છે. શરૂઆતમાં તમે ગુરુને માત્ર તમારા સુધી જ સીમિત રાખવા ઈચ્છો છો. અને આ ઝંખના તમને ક્ષણિક પીડા આપે તે આ માર્ગમાં સ્વાભાવિક છે. પ્રેમ અને ઝંખના બંને ભક્તિનાં જ પરિમાણો છે. પરંતુ આના થકી મન પ્રેમનો અનુપમ આસ્વાદ અનુભવે છે અને કેન્દ્રસ્થ રહે છે. એક કેન્દ્રિત મન જ તમને સંપૂર્ણ મુક્ત કરે છે. તમને મળેલા અનુપમ આનંદને વિશ્વમાં વિસ્તરિત કરો. એ જ સાચી ગુરુ દક્ષિણા છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)