ગુરુ એ તત્વ છે, સિદ્ધાંત છે. આપની અંદર રહેલા સદગુણો એ ગુરુ તત્વ છે. તે માત્ર શરીર અથવા આકાર પુરતું સીમિત નથી. ૫૦૦૦ વર્ષ પહેલાની એક કથા છે. ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના પરમ સખા અને વિદ્વાન એવા ઉદ્ધવજીને ગોપ-ગોપીઓ પાસે મોકલ્યા. ઉદ્ધવજીએ તેમની સાથે જ્ઞાન અને મુક્તિનો સંવાદ કરવાની શરૂઆત કરી. પરંતુ તેમના માંથી કોઈએ આ વાતો સાંભળવામાં રુચિ ન દર્શાવી. તેમણે કહ્યું: “ના, જ્ઞાનની વાતો અમારે સાંભળવી નથી. જ્ઞાન તો આપ આપની પાસે જ રાખો, અમને એ કહો કે કૃષ્ણ કેમ છે? અમારા કૃષ્ણના સમાચાર આપ અમને કહો. અમે તો તેમના માટેનો અમારો પ્રેમ અને તેમની ઝંખનામાં બહુ ખુશ છીએ. ચાલોને, આપણે ગીતો ગાઈએ અને નૃત્ય કરીએ!” – તો તેઓને તો માત્ર આ જ જોઈતુ હતું. પ્રેમ આપને પાગલ બનાવે છે, બધી સીમાઓનો પ્રેમમાં અંત આવે છે, આપ સર્વ સાથે ઐક્ય અનુભવો છો, સમગ્ર સૃષ્ટિ સાથે ઐક્ય અનુભવો છો, અને આ જ ગુરુ તત્વ છે.
ભક્તિ આપનો સ્વભાવ છે. જયારે આપ આપના સ્વભાવમાં વિશ્રામ કરો છો ત્યારે ત્યાં કોઈ જ ઘર્ષણ નથી. પોતાના કોઈ દુર્ગુણ અથવા કૃત્ય માટે આપણે શરમ અનુભવતાં હોઈએ છીએ. જેને આપ સ્વયં દૂર કરી શકતાં નથી એવો આ બોજ ગુરુ હળવો કરે છે અને આપનામાં ભક્તિપૂર્ણ પ્રેમ પ્રેરિત કરે છે. તો ગુસ્સો, હીનતા જેવી આપની સર્વ ભાવનાઓ ગુરુને અર્પણ કરી દો. સારી અને ખરાબ સર્વે ભાવનાઓ ગુરુને સમર્પિત કરી દો. આપની કુશળતા અને આવડત આપનામાં અહંકાર અને તોછડાઈ પ્રેરે છે. આપનું જીવન અતિશય ભારે અને બોજ્પૂર્ણ બની જાય છે. પરંતુ જયારે આપ આ સઘળું ગુરુને અર્પણ કરો છો ત્યારે આપ મુક્ત બની જાઓ છો. આપ એક પુષ્પની જેમ હળવા બની જાઓ છો. હાસ્ય ફરીથી ખીલી ઉઠે છે. આપ પ્રત્યેક ક્ષણની સુંદરતાને માણો છો. ત્યાર પછી જે શેષ રહે છે આપનામાં એ શુદ્ધ પ્રેમ છે.
યુગોથી આ જ્ઞાનને વિશ્વમાં પ્રવાહિત કરવામાં આવ્યું છે. ગુરુ પૂર્ણિમા ને દિવસે આપણે આપણી ગુરુ પરંપરા પ્રતિ આદર, સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. આ દિવસે આપણે પ્રેમ અને જ્ઞાનનો સંયુક્ત ઉત્સવ માનવીએ છીએ. મન ચંદ્ર સાથે જોડાયેલું છે અને પૂર્ણ ચંદ્ર એ ઉત્સવ, તપસ્યા અને પૂર્ણતાનું પ્રતિક છે. આપ જે કંઈ ઈચ્છો છો તે આપને પ્રાપ્ત થાય છે. પરંતુ સૌથી ઉત્કૃષ્ટ ઈચ્છા છે જ્ઞાન અને મુક્તિની પ્રાપ્તિ. આનંદને ખરીદી શકતો નથી. સુવિધા તો બહુ નાની વસ્તુ છે. અંતે તો માત્ર બે સવાલના જ ઉત્તર આપવાના રહે છે: પૃથ્વી પરનાં જીવન દરમ્યાન આપે કેટલું જ્ઞાન મેળવ્યું અને કેટલો પ્રેમ આપ્યો! મૃત્યુ પછી માત્ર જ્ઞાન જ આપની સાથે રહે છે. ચેતનાના પટલ પર માત્ર જ્ઞાન જ અંકિત થાય છે.
જ્ઞાન એ શું છે? આપ જે પુસ્તકમાં વાંચો છો તે જ્ઞાન નથી. સજગતા એ જ્ઞાન છે. આપે કેટલી સજગતા કેળવી છે? શું આપનું મન વિસ્તૃત થયું છે? વિશ્વને કેટલો પ્રેમ આપ આપી શક્યા છો? આ સઘળાં જ્ઞાનના આયામો છે. તો જેઓને ઉચ્ચતર જ્ઞાન જોઈએ છે તેઓ ગહનતાપૂર્વક વિચારશે. આ એક સાગર છે. કેટલાક લોકો દરિયા કિનારે ફર્યા કરે છે, શુદ્ધ હવા અને પ્રાણ વાયુ મેળવે છે. કેટલાક દરિયાનાં પાણીમાં પગ ઝબકોળે છે અને દરિયાને અનુભવે છે, જયારે કેટલાક મરજીવા બનીને મોતી મેળવે છે. તો આ સઘળું આપના પર નિર્ભર છે. આપ માત્ર કિનારા પર ફરવા ચાહો છો, પાણીમાં પગ ઝબોળવા ચાહો છો, તરવા ચાહો છો કે ઊંડાણમાં જવા ચાહો છો!
અને હું કહું છું કે વિશ્વમાં એવી કોઈ વ્યક્તિ નથી જે અધ્યાત્મના સંદર્ભમાં જિજ્ઞાસુ ન હોય! કારણ પ્રત્યેક વ્યક્તિ શાંતિ, પ્રેમ અને આનંદની ચાહ રાખે છે. જેટલી અધિક કૃતજ્ઞતા તેટલી અધિક કૃપા! અને અધિક કૃપા એટલો અધિક આનંદ અને અધિક જ્ઞાન! સ્વયંની વિસ્તૃતતામાં વિશ્રામ કરો, આધ્યાત્મિકતાના પથ પરની આપની પ્રગતિ પરત્વે સજગ બનો, આપનાં ધ્યેય પ્રતિ કેન્દ્રિત થાઓ, અધ્યાત્મના પથ ઉપર જે કંઈ કરવા ચાહો છો તેના માટે પ્રતિબદ્ધ થાઓ.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)