રાજસ્થાની ખસ્તા પુરી, કચોરી

દિવાળી સ્પેશ્યલ રેસિપી

ચણાના લોટની રાજસ્થાની કચોરી

સામગ્રીઃ મેંદો 2 કપ, ઘી 4 ટે.સ્પૂન, મીઠું સ્વાદ મુજબ, તળવા માટે તેલ

પૂરણઃ ચણાનો લોટ 1 કપ, અજમો 1 ટી.સ્પૂન, જીરૂ 1 ટી.સ્પૂન, જીરા પાવડર 1 ટી.સ્પૂન, ધાણાજીરુ 1 ટી.સ્પૂન, મરચાં પાવડર 1 ટી.સ્પૂન, હળદર ½ ટી.સ્પૂન, ગરમ મસાલો ½ ટી.સ્પૂન, આમચૂર પાવડર 1 ટી.સ્પૂન, કસૂરી મેથી 1 ટે.સ્પૂન, તેલ 2 ટે.સ્પૂન

રીતઃ મેંદામાં સ્વાદ અનુસાર મીઠું તેમજ ઘી ઉમેરીને લોટને મિક્સ કરો. મિક્સ થયા બાદ લોટને હાથની મુઠ્ઠીમાં લીધા બાદ વળે એવો થાય ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરીને સોફ્ટ કણક બાંધીને ઢાંકીને થોડીવાર માટે એકબાજુએ મૂકી દો.

ચણાના લોટને સોનેરી રંગનો શેકીને નીચે ઉતારીને તેમાં બાકીના મસાલા ઉમેરી દો. મીઠું સ્વાદ મુજબ ઉમેરો અને આમચૂર પાવડર જોઈએ તેટલી ખટાશ પ્રમાણે મેળવો. હવે તેમાં 2 ટે.સ્પૂન તેલ મેળવી દો.

કચોરીના લોટમાંથી લૂવા લઈ તેમાં પૂરણ ભરીને ગોલા વાળીને કચોરી વાળી લો. કઢાઈમાં તેલ ગરમ કરી કચોરી તળવા માટે નાખીને ગેસની આંચ ધીમી રાખીને કચોરી ગોલ્ડન બ્રાઉન તળી લો.



રાજસ્થાની ખસ્તા પુરી

સામગ્રીઃ મેંદો 2 કપ, રવો 2 ટે.સ્પૂન, ઘી 4 ટે.સ્પૂન, અજમાના પાન ¼ કપ, અજમો 1 ટી.સ્પૂન, કાળાં મરી પાવડર 1 ટી.સ્પૂન, જીરૂ 1 ટી.સ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, ચાટ મસાલો, તળવા માટે તેલ

રીતઃ મેંદામાં અજમો, જીરુ, કાળાં મરી પાવડર, સ્વાદ અનુસાર મીઠું તેમજ ઘી ઉમેરીને લોટને મિક્સ કરો. મિક્સ થયા બાદ લોટને હાથની મુઠ્ઠીમાં વાળો. જો વળે તો ઠીક છે. નહીંતર થોડું ઘી બીજું ઉમેરો. ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરીને કડક લોટ બાંધીને તેને એક સુતરાઉ કાપડ વડે ઢાંકીને 15 મિનિટ માટે એકબાજુએ રાખી મૂકો.

15 મિનિટ બાદ લોટમાંથી નાની નાની પુરીઓ વણી લો. ત્યારબાદ એક કાંટા ચમચી વડે પુરી પર કાંણા પાડી લેવા. કઢાઈમાં તેલ લઈ કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે પુરી તળવા માટે નાખો. હવે ગેસની ધીમી આંચે પુરીઓ સોનેરી બ્રાઉન તળીને કાઢી લો. પુરીને બહાર કાઢી લીધા પછી તેની ઉપર ચાટ મસાલો ભભરાવી દો. આ ક્રિસ્પી પુરી ચા સાથે સારી લાગે છે.

(રીના મોહનોત)

(સાયન્સ ગ્રેજ્યુએટ રીના મોહનોતને એમની પેશન રાજસ્થાની રસોઈકળા તરફ દોરી ગઈ અને નિર્માણ થયું ક્લાઉડ કિચન, ધોરા!  જે અમદાવાદના સ્વાદ રસિયાઓને પીરસે છે અસલ પરંપરાગત રાજસ્થાની સ્વાદિષ્ટ વાનગીઓ! અનેક કઠિનાઈ, પેન્ડેમિકનો ફટકો સહીને પણ ક્લાઉડ કિચન ચાલુ રાખવાના મક્કમ નિર્ધારને કારણે રીનાબહેન, ટાઈમ્સ ફુડ એવોર્ડ, રાષ્ટ્રવ્યાવી મેરીટ એવોર્ડ અને મહિલાપ્રેન્યોર જેવા અનેક એવોર્ડના સતત વિજેતા રહ્યાં છે!)