આર.કે.ના પરદા પાછળના સુપરસ્ટાર

1956માં રિલીઝ થયેલી ‘જાગતે રહો’માં એક ટૂંકી ભૂમિકા ભજવ્યા બાદ નરગિસ ‘આર.કે. ફિલ્મ્સ’ને છોડી ગઈ ત્યારે રાજ કપૂર તૂટી ગયેલા. પોતાની કારકિર્દી માટે, પોતાના ભવિષ્ય માટે નરગિસ મને છોડી ગઈ એ સચ્ચાઈ શોમેન પચાવી ન શક્યા નહોતા. એ દિવસોમાં રાજજી એવા લાગતા, જાણે નદીકિનારે નાંગર્યા વિનાની હાલકડોલક થતી નાવિક વિનાની નૌકા. આત્મા વિનાનું ખાલી ખોળિયું. ખરા અર્થમાં, કેમ કે નરગિસ તો આર.કે. ફિલ્મ્સનો આત્મા હતાં. પહેલી ફિલ્મ ‘આગ’ થી રાજજીનો અખૂટ પ્રેરણાસ્રોત હતો નરગિસ.

આ પ્રસંગ વાંચવા મળે છે રાધુ કર્માકરના પુસ્તક ‘રાધુ કર્માકર: ધ પેઈન્ટર ઑફ લાઈટ્સ’માં.

-અને રાધુ કર્માકર એટલે આર.કે.ના પરદા પાછળના સુપરસ્ટાર. આર.કે. કલ્પના કરે એને પરદા પર સાકાર કરતા અવ્વલ દરજ્જાના સિનેમેટોગ્રાફર રાધુ કર્માકર.  

મોજ-મસ્તીના બાશિંદાઓને ખબર હશે જ કે આવતા શુક્રવારે, 14 ડિસેમ્બરે રાજ કપૂરની હન્ડ્રેટ્થ બર્થ એનિવર્સરી છે. આ અવસરે 13-14-15 ડિસેમ્બર, ત્રણ દિવસ દેશનાં 40 શહેરનાં 135 પીવીઆર-આઈનોક્સ અને સિનેપોલિસમાં એમનાં સમયાતીત સર્જન પુનઃ પ્રદર્શિત થશે. પ્રોડ્યુસર-ડિરેક્ટર-એક્ટર રાજ કપૂર (1924-1988)ની ફિલ્મોને પુનઃ પ્રદર્શિત કરવાનું આયોજન ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન, નેશનલ ફિલ્મ ડેવેલપમેન્ટ કોર્પોરેશન (એનએફડીસી)-નેશનલ ફિલ્મ આર્કાઈવ ઓફ ઈન્ડિયાએ મળીને કર્યું છે. સો રૂપિયામાં આર.કે.ની કેટલાક ક્લાસિક્સ જોવા મળશે.

 

આર.કે. વિશે અત્યાર સુધી ટનબંધ કાગળિયાં લખાયું હશે. વાત કરવી છે આર.કે.ના પરદા પાછળના સુપરસ્ટાર રાધુ કર્માકરની. 1918માં પૂર્વ બંગાળના ઢાકામાં જન્મેલા રાધિકા જીબન કર્માકરે 16 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો, અને સિનેમાસર્જન શીખવા કોલકાતા ગયા. એ દિવસો (1931થી 1938) પારાવાર સંઘર્ષના હતા. એક સ્ટુડિયોથી બીજા સ્ટુડિયો, એક પ્રોસેસિંગ લેબોરેટરીથી બીજી એમ ચક્કર કાપવામાં શરીર તૂટી રહ્યું હતું. એમનાં ફેફસાંને પણ નુકસાન થયું. તે વખતે ફિલ્મ લેબોરેટરીમાં કામ કરતા ટેક્નિશિયનોનાં જીવનનો અકાળે ધી એન્ડ આવી જતો. કાળી ચિત્રપટ્ટીમાંથી વછૂટતી એસિડની જ્યોતથી આઠ-દસ વર્ષમાં ટેક્નિશિયનોને ટીબી અથવા એવો કોઈ ગંભીર રોગ લાગુ પડતો. જો કે રાઘુજીને આવો કોઈ ગંભીર રોગ લાગુ પડે તે પહેલાં, કલકત્તા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફોટોગ્રાફર જતીન દાસના સહાયક તરીકે કામ મળ્યું. એમની પાસેથી એમણે છબિકલાનો કસબ હસ્તગત કર્યો

1940માં એમણે મુંબઈ પ્રયાણ કર્યું અને ‘બોમ્બે ટોકીઝ’ના ડિરેક્ટર નીતિન બોઝ સાથે 1940માં કરિયર શરૂ કરી. પહેલી ફિલ્મઃ ‘કિસ્મત કા ધની’ (1945) તે પછી ‘મિલન’ (1946). બન્ને ફિલ્મો ખાસ ચાલી નહીં, પણ રાધિકાની હાઈ કોન્સ્ટ્રાસ્ટ લાઈટિંગવાળી ફોટોગ્રાફીએ રાજ કપૂર જેવા અમુક પારખુનું ધ્યાન ખેંચ્યું. 1951માં આવારાથી રાજ સાથે નાતો જોડાયો.

-અને ઓળીઝોળી પીંપળપાન, રાજ કપૂરે રાધિકાનું પાડ્યું રાધુ નામ.

‘આવારા’ બાદ રાધુ રાજના ફેવરીટ સિનેમેટોગ્રાફર બની ગયા. પછીના ચાર દાયકા સુધી એમણે રાજની બધી ફિલ્મો શૂટ કરી. “પ્યાર હુઆ ઈકરાર હુઆ” જે રીતે એમણે શૂટ કરી એ જોઈને ચાર્લી ચેપ્લિને એમની પીઠ થાબડેલી. રાધુની કમાલના લીધે આઉટડોરની ફીલ કરાવતું આ વરસાદી ગીત સ્ટુડિયોમાં શૂટ થયેલું. 1960માં રાધુએ આર. કે. ફિલ્મ્સ માટે ‘જિસ દેસ મેં ગંગા બેહતી હૈ’ ડિરેક્ટ પણ કરી, જેને બેસ્ટ હિંદી ફીચર ફિલ્મનો નેશનલ એવૉર્ડ મળ્યો, ‘મેરા નામ જોકર’ માટે બેસ્ટ સિનેમેટોગ્રાફીનો નેશનલ એવૉર્ડ મળ્યો. જો કે કેમેરા પાછળના આ જિનિયસને પ્રસિદ્ધિની, માનઅકરામની કોઈ પડી નહોતી. એમની એકમાત્ર મહત્વાકાંક્ષા હતી કે ઓર્સન વેલ્સની ‘સિટિઝન કેન’ જેવી પરફેક્ટ ફિલ્મ બનાવવી. આ માટે એ દેશ-દુનિયાના સિનેમેટોગ્રાફરોની ફિલ્મોનો સતત અભ્યાસ કરતા.

આર.કે. સ્ટુડિયોઝ માટે રાધુની છેલ્લી ફિલ્મઃ ‘હીના.’ (દિગ્દર્શક રણધીર કપૂર). રાધુજીની લાસ્ટ ફિલ્મ હતીઃ 1995માં રિલીઝ થયેલી ‘પરમ વીર ચક્ર.’ આ.કે.ની જન્મશતાબ્દી નિમિત્તે એમની સાથે સંકળાયેલા યોગી સમા છબિકારનું પુણ્ય સ્મરણ. આવતા અઠવાડિયે જો આર.કે.ની ફિલ્મ જોવા જાઓ તો રાધુજીને અવશ્ય યાદ કરજો.

13-14-15 ગ્રેટેસ્ટ શોમેનની આ ફિલ્મો જોવા મળશેઃ  આગ, બરસાત, આવારા, શ્રી 420, જાગતે રહો, જિસ દેસ મેં ગંગા બેહતી હૈ, સંગમ, મેરા નામ જોકર, બોબી, અને રામ તેરી ગંગા મૈલી.